છોટુભાઈને ઉંમરનું આ ૭૭મું વર્ષ ચાલી રહ્યું છે…૭૫ વર્ષની ઉંમર પછી, ચૂંટણી નહીં લડવાનો ધારો ભાજપમાં છે પણ છોટુભાઈને આ ધારો લાગૂ નહીં પડે. કેમ કે, છોટુભાઈ ભાજપમાં નથી. આ ચૂંટણીમાં એમની સામે એમનો સગો છોકરો મહેશ ઊભો રહેવાનો હતો પણ, આ તો છોટુભાઈ વસાવા ! પોતે બીજેપીમાં હોત તો, એક વાર ઘેર બેસી રહી મહેશને માટે ટિકિટ આપવા ભાજપને કાલાવાલા કરવા પડ્યા હોત ! છોટુભાઈએ ચૂંટણી લડવા થનગની રહેલા મહેશને ચૂંટણીના મેદાન પરથી ક્યારે રવાના કરી દીધો તેની કોઈને ખબર પણ નહીં પડી…
આ છોટુભાઈ વસાવા એવા વ્યક્તિ છે કે, એમનો છોકરો તો શું પણ એક વાર તેઓ પોતે પણ સ્વરૂપ બદલીને પોતાની સામે ચૂંટણી લડવા નીકળે તો મૂળ છોટુભાઈ જ જીતી જાય અને નવાં સ્વરૂપના છોટુભાઈ ચૂંટણી રીતસર હારી જાય ! એમનો છોકરો મહેશ ચૂંટણી લડવા ઊભો રહ્યો હોત તો તેને ભાગે પરાજયનું વિષ જ પચાવવાનું આવ્યું હોત અને પુત્રનો પરાજય એ પણ પોતાનો જ પરાજય ગણાય એવી ભાવનાએ છોટુભાઈ પોતે રણમેદાનમાં રહ્યા પણ પુત્રને બાજુએ રહેવા કહ્યું…દીકરાઓ આજકાલ બાપાઓનું સાંભળતા નથી એવું લોકો કહે છે તે અહિ ખોટું જણાય છે.
“મારો એકલો વસાવા…
કોઈને ના દે કદી ફસાવા”
ઉપરના મુખડાવાળું ગીત તમને છોટુભાઈ વસાવાની રેલીઓમાં જરૂર સાંભળવા મળે ! તમને છોટુભાઈ ગમતા હોય કે નહીં ગમતા હોય પણ, છોટુભાઈનો મહિમા સમજાવતા એ ગીત ઉપર તમને પણ નાચવાનું મન થઇ જાય… છોટુભાઈ કોઈને ફસાવે નહીં અને કોઈને ફસાવા પણ નહીં દે, આટલો ભરોસો પાક્કો અને કેળવાયેલો હોવાથી જ ઝઘડીયા બેઠક પર ૧૯૯૦થી છોટુભાઈનું એકચક્રી સામ્રાજ્ય રહ્યું છે. છોટુભાઈએ આ બેઠક એક વાર ચૂંટણી લડીને જીતી લીધી અને તે પછી તો, જે પણ ચૂંટણી થઇ તેમાં છોટુભાઈ જ જીતતા આવ્યા છે. કોંગ્રેસના હાથમાંથી ૧૯૯૦માં સરકી ગયેલી આ બેઠક પર ભાજપ તો કલ્પી નહીં શકો એટલું દૂર છે.
છોટુભાઈ અપક્ષ ઉમેદવારીની હેસિયતથી ૨૦૧૭ સુધી લડતા રહ્યા અને, પછી તેમણે ‘ભારતીય ટ્રાયબલ પાર્ટી’ બનાવી અને તે બાદ તેઓ પોતાની પાર્ટી તરફથી ચૂંટણીઓ લડવા લાગ્યા…આ બેઠક પર છોટુભાઈ ભાજપના ઉમેદવાર કરતાં બમણાથી વધુ મત મેળવતા રહે છે… છોટુભાઈથી જેઓ દૂર છે તેઓમાં છોટુભાઈનો ભારે ધાક-ભારે ડર ! પોલીસ અધિકારીઓ પોતાની પાસે કોર્ટનું સમાન-વોરંટ કે એવું કંઈ હોય તો પણ છોટુભાઈ પાસે જતાં રીતસર ગભરાય ! “સાહેબ, કોર્ટનું વોરંટ આવેલું છે ! હું આવું તમને પકડવા અંદર ? તમે કહો તો આવું !”
આવું પૂછીને પોલીસ અધિકારીઓએ પણ છોટુભાઈ પાસે જવાની મંજૂરી લેવી પડે એવું મને એક કેદીએ કહેલું…નાના-મોટા ગુનેગારો તો છોટુભાઈને લાડ-પ્યારથી ‘છોટીયો’ કહીને જ બોલાવે. છોટુભાઈને હૈયે આદિવાસીઓનું હિત સદાય વસેલું રહે. આદિવાસી માટે કોઈ સરકારે કશું જ નક્કર કર્યું નથી એવો આરોપ કોંગ્રેસ અને બીજેપી બંને ઉપર સરખે હિસ્સે મૂકે. હમણાં થોડાક અરસા પર છોટુભાઈની ભારતીય ટ્રાયબલ પાર્ટીએ ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જોડે ગઠબંધન કર્યું હતું પણ, છોટુભાઈ કહે છે તેમ તેઓ એક વાર કેજરીવાલને અજીત ડોભાલ સાથે જોઈ ગયા !
‘અજીત ડોભાલ સાથે જે બેસે છે તેની સાથે મારે ગઠબંધન કેવી રીતે કરવું ?’ એમ કહી કેજરીવાલ સાથે છેડો ફાડી નાખ્યો ! પોતાના પુત્ર મહેશને પણ એક વાર બીજેપીના નેતાઓ સાથે ડેડીયાપાડામાં જ કોઈ પ્રસંગની અંદર એક જ મંચ પર જોઇને છોટુભાઈ હેબત ખાઈ ગયેલા. ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજદિન સુધીમાં જેટલા પણ ધારાસભ્યો થઇ ગયા તે પૈકી સૌથી વધુ ફોજદારી કેસોમાં સંડોવાયેલા હોવાનો વિક્રમ ધરાવે છે, આ છોટુભાઈ વસાવા ! પોતાની ઉપર કુલ કેટલા કેસ ચાલ્યા છે-ચાલી રહ્યા છે-હજુ વધુ, ચાલવાના છે તેનો હિસાબ છોટુભાઈ રાખે નહીં.
તમે છોટુભાઈનાં પત્ની સરલાબહેનને કદી મળ્યાં છો ? આ સરલાબહેને એક સરસ વાત ગુજરાતમાં દારૂબંધી માટે કરી…કે, ગુજરાતમાં દારૂબંધી છે તો સરકારે તેનો કડક અમલ કરાવવો જોઈએ અથવા દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ…દારુબંધીને લીધે જ સસ્તામાંનો દારૂ વેચાય છે ને પીવાય છે…જો, દારૂબંધી ઉઠી જાય તો ભાઈઓ સસ્તામાંનો દારુ પીવાનું છોડી દેશે અને બહેનોમાં જે દુઃખી થવાનું ને વિધવા થવાનું પ્રમાણ વધી રહ્યું છે તે ઓછું થઇ જશે ! સરલાબહેન કદાચ ગુજરાતમાં એવાં પ્રથમ મહિલા નેતા હશે કે જેઓ ગુજરાતમાં દારૂબંધીના વિષય મામલે સરકારને દોષી ગણાવી જાહેરમાં લલકારી રહ્યાં છે…બાકી, ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો તો સરકાર સામે ઉઠાવવાની કોઈ હિંમત કરી જ નથી રહ્યું !!?