કામરેજ: આંબોલી ગામે તાપી નદીના (Tapi Rivre ) પ્રતિબંધિત (Restricted) વિસ્તારમાંથી રેતી ખનન (Sand Mining) પ્રવૃતિ પર સુરતની ફલાઈંગ સ્કવોડે શનિવારના રોજ રેડ કરી બે યાંત્રિક નાવડી અને એક ટ્રક (Truck) પકડી પાડીને અંદાજે 15 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.હાલમાં દિવાળી વેકેશન હોવાથી સરકારી તંત્ર વેકેશનના માહોલમાં હોય જેનો લાભ લઈને સુરત જિલ્લાના કામરેજ તાલુકામાંથી પસાર થતી તાપીનદીમાં ગેરકાદેસ રેતી ખનન પ્રવૃતિ પુરજોશમાં ચાલી રહી હોવાથી શનિવારના રોજ સુરત ખાણખનીજ વિભાગની ફલાઈંગ સ્ક્વોડ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી તાપીનદીના પ્રતિબંધિત વિસ્તારમાં ચાલતા રેતી ખનન પર પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરવામાં આવતા રેતી ખનન કરતા માફીયાઓમાં ભારે નાસ ભાગ થઈ ગઈ હતી.
ફ્લાઇંગ સ્કવોડે રેતી ભરીને જતી એક ટ્રક નંબર જીજે 05 વાયવાય 7235 ને ઝડપી લીધી હતી. જયારે નદી કિનારે થી રેતી કાઢતી બે યાંત્રિક નાવડીઓ પાઈપો સાથે મળી આવી હતી. ફલાઈંગ સ્કવોડે બે યાંત્રિક નાવડી અને ટ્રકને જપ્ત કરી અંદાજે 15 લાખનો મુદામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અગાઉ પણ આંબોલીમાં ખાણખનીજ વિભાગ રેડ કરવા જતાં રેત માફીયાઓ દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં પણ સરકારી તંત્રના ખોફ વગર રેતી માફિયાઓ દ્વારા દિવસે રેતી ખનન કરીને તંત્રને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે.