મહાભારત જેવા યુદ્ધકાવ્યમાં અહિંસાનો મહિમા હોઈ શકે ? કોઈને પણ નવાઈ લાગે પરંતુ, શાંતિપર્વમાં અને અનુશાસન પર્વમાં અહિંસા અને શાકાહારનો મહિમા જોવા મળે છે. વેદ અને મહાભારતના ઘટનાકાળમાં હિંસા અને માંસાહાર સર્વસાધારણ હતાં. રાજાઓ મૃગયા કરતાં પ્રાણીઓ – સિંહ, વાઘ, હરણ, મૃગ ઈત્યાદિનો અને યુદ્ધમાં આર્ય શત્રુરાજાઓ, દસ્યુઓ, દાસો, દાનવો, દૈત્યો, અસુરો અને રાક્ષસોનો વધ કરતા. યજ્ઞમાં પશુ બલિદાન સર્વસામાન્ય હતું. તો એવા મહાભારતમાં બુદ્ધ અને મહાવીરના વિચારોનો પ્રભાવ કેવી રીતે આવ્યો ?
મહાભારતની ઘટના ભલે ઈસવીસન પૂર્વે હજારેક વર્ષ પહેલાં બની હોય પરંતુ જય નામે મૂળ કાવ્યની ભારત અને ત્યાર બાદ મહાભારત તરીકે અનુમૌર્યકાળમાં ઈ.સ. પૂર્વે 200 વર્ષ પહેલાં મગધના મૌર્ય રાજા બૃહદ્રથનો વધ કરી બ્રાહ્મણકુળના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ રાજસિંહાસને બેઠા પછી વિકાસ થયો હોવાનું ઈતિહાસકારો માને છે. આમ ઈ.સ. પૂર્વે 500માં થયેલા બુદ્ધ અને મહાવીરના અહિંસા અને શાકાહારના વિચારોની અસર પડી હોય તો તે સહજ છે. વળી મહાભારત કોઈ એક વ્યાસ દ્વારા નહીં પણ અનેક વ્યાસો દ્વારા રચાયું છે, એ સર્વસ્વીકૃત મત છે.
વ્યાસ એટલે વ્યાસપીઠે બેસનાર સૂત ઈત્યાદિ.. – શાંતિપર્વમાં યુધિષ્ઠિર ભીષ્મને કહે છે કે ક્ષાત્રધર્મ જ પાપપૂર્ણ છે, કેમ કે તેમાં હિંસા અનિવાર્ય છે. તો ભીષ્મ સમજાવે છે કે ક્ષત્રિયો યજ્ઞાનુષ્ઠાન અને દાન કરે તેનાથી પાપકર્મ ધોવાઈ જાય છે. નકામા ઘાસની જેમ શત્રુઓનો વિનાશ અનિવાર્ય છે. યુદ્ધમાં ઘણા લોકો મરે છે પરંતુ જે બચી જાય છે તેમની ઉન્નતિ થાય છે. યુદ્ધભૂમિ શત્રુના રક્તથી પાપમુક્ત થાય છે. વીરોને સ્વર્ગ મળે છે. ડરપોક ક્ષત્રિયને તો પથ્થરથી છૂંદીને તેને જીવતો અગ્નિમાં હોમી મારી નાખવો જોઈએ. જે ક્ષત્રિય યુદ્ધભૂમિમાં મરે છે, તેને ઉત્તમ મૃત્યુ કહેવાય. આમ ચારણોની શૈલીમાં ક્ષત્રિયોના શૌર્યની, વીરતાની પ્રશંસા કરે છે અને યુદ્ધની હિંસાને યોગ્ય ગણાવે છે.
પરંતુ ભીષ્મ પ્રાણીઓની નિરર્થક હિંસા ન કરવાનો મત ધરાવે છે. રાજા વિચખ્નુ-યજ્ઞમાં બલિવર્દ વધથી દ્રવિત થયા હતા. ગૌહત્યા કોઈ કાળે ન થવી જોઈએ. વેદવિરોધી નાસ્તિકો જ હિંસાનું સમર્થન કરે છે. (ધર્માત્મા) મનુએ કર્મોમાં અહિંસાકર્મની પ્રશંસા કરી છે. પ્રાણીની હિંસા ન કરવી જોઈએ. યજ્ઞમાં મદ્ય, માંસ, મીન, ધુતારાઓ દ્વારા શરૂ કરાયાં છે. આ કથન ચાર્વાકનું છે, જે મહાભારતમાં લેવાયું છે. જિહ્વાની લોલુપતાના કારણે મનુષ્ય માંસમદિરા લે છે. શ્રૌતિય બ્રાહ્મણ તો સર્વ યજ્ઞમાં વિષ્ણુને જ જુએ છે અને પુષ્યખીરથી પૂજા કરે છે.
યુધિષ્ઠિર પૂછે છે કે હિંસા વિના રાજા પ્રજારક્ષણ કેવી રીતે કરી શકે ? તો ભીષ્મ કહે છે કે અપરાધીનો વધ એ ધર્મ છે. તો વળી મહાભારતકાર સત્યવાન અને દ્યુમત્સૅનનો સંવાદ વચ્ચે મૂકે છે. તેમાં સત્યવાન દુષ્ટોને પ્રાણદંડ નહીં પણ સાધુપુરુષના સંગમાં મૂકી સુધારવાની વાત કરે છે, જે આજના યુગમાં પ્રાણદંડ વિરોધીઓની વાતનું સમર્થન કરે છે. તો સામે દ્યુમત્સૅન વાદ-વિવાદ કરે છે કે લૂંટારાઓનો તો વધ કરવો જ જોઈએ. અન્યથા પ્રજાને કષ્ટ થાય. સતયુગમાં અહિંસક દંડ, ત્રેતાયુગમાં વાગ્દંડ (ઠપકો), દ્વાપરમાં અર્થદંડ અને કલિયુગમાં પૂર્ણદંડ (અર્થાત પ્રાણદંડ) કરાય. વાસ્તવમાં ઊલટું થયું છે અને આજના કહેવાતા કલિયુગમાં યુરોપના ઘણા દેશોની સરકારે પ્રાણદંડ નિષિદ્ધ કર્યો છે.
અનુશાસન પર્વમાં યુધિષ્ઠિર અને બૃહસ્પતિ વચ્ચે સંવાદ રચાયો છે. બૃહસ્પતિ (બૃહસ્પતિ પણ વ્યાસની જેમ અનેક થયા છે, દેવોના ગુરથી માંડી ચાર્વાક મતાવલંબી બૃહસ્પતિ સુધી) કહે છે કે પાપકર્મ અધર્મ છે. પરંતુ પાપી પુરુષ ધર્મજ્ઞ બ્રાહ્મણ (પાદરી) પાસે પાપ સ્વીકાર (કન્ફેશન) કરે તો નિંદામુક્ત થાય ! આ ખ્રિસ્તીખ્યાલ ક્યાંથી આવ્યો હશે ? વળી, પાપી પુરુષ દશ સહસ્ત્ર બ્રાહ્મણોને ભોજન કરાવે તો પાપબંધનથી છૂટી જાય. રામાયણ, મહાભારત કે કોઈ પુરાણ હોય બ્રાહ્મણો પોતાના ભોજનની અને દાનદક્ષિણાની સુવ્યવસ્થા અચૂક કરતા રહે છે! બૃહસ્પતિના મતે અહિંસાયુક્ત ધર્મનું પાલન કરે તે સિદ્ધિને વરે છે. અહિંસક પ્રાણીઓ (ગૌ, મૃગ આદિ) ને મારે તે પરલોકમાં સુખી થતો નથી અર્થાત્ હિંસક પ્રાણીઓ (વાઘ, વરુ, સિંહ આદિ) ને મારવા અયોગ્ય નથી એમ કહેવાય. વળી પાછો ભીષ્મ-યુધિષ્ઠિર સંવાદ આવે છે.
ભીષ્મ જેવા યુદ્ધવીર અહિંસાધર્મનો ઉપદેશ આપતાં કહે છે કે મન, વચન, કર્મથી હિંસા ન કરવી. માંસાહાર ન કરવો તે અહિંસાધર્મ કહેવાય. હસ્તિના પાદમાં સર્વના પાદનો સમાવેશ થાય છે એમ અહિંસાધર્મમાં સર્વધર્મનો સમાવેશ થાય છે. યરવડા જેલમાં આ વાંચીને ગાંધીજી અવશ્ય પ્રસન્ન થયા હશે. અલબત્ત, ગાંધીજીએ ગીતામાંથી અહિંસા તારવવા પ્રયાસ કર્યો છે પરંતુ મહાભારતના અહિંસાધર્મ વિષે કશું લખ્યું હોવાનો ખ્યાલ નથી. ભીષ્મના મતે માંસાહારીને નીચ-પાપયોનિ(અર્થાત્ શુદ્ર)માં જન્મ લેવો પડે છે.
જે માંસાહારની પ્રશંસા કરે છે તે પણ પાપ કરે છે. માંસ-મદિરા છોડે તેને ધન,યજ્ઞ, તપસ્યાનું ફળ મળે છે. આ બુદ્ધ-મહાવીરના વિચારોનો પ્રભાવ છે. બંનેએ મદિરાનિષેધ તો કરેલો છે જ. જો કે સૌથી પહેલી નશાબંધી કૃષ્ણે દ્વારકામાં કરેલી પરંતુ મોટાભાઈ બલરામે તેનો ભંગ કરેલો! પ્રતિમાસ અશ્વમેધ યજ્ઞ કરીએ કે માંસમદિરાનો ત્યાગ કરીએ તો બેઉનું ફળ સમાન મળે છે. અહિંસક મનુષ્ય સર્વ પ્રાણીમિત્ર કહેવાય. સરસ સૂત્ર આપ્યું છે મહાભારતકારે. નારદજીના મુખે કહેવાયું છે કે બીજાનાં માંસથી પોતાનું માંસ વધારે છે, તે અવશ્ય દુ:ખમાં પડે છે, તો બૃહસ્પતિના મતે માંસ-મદિરા ત્યાગે તેને દાન, યજ્ઞ અને તપસ્યાનું ફળ પ્રાપ્ય છે.
ભીષ્મે જૈનસૂત્ર જેવું સૂત્ર ‘અહિંસા પરમો ધર્મ આપ્યું છે. માંસાહાર કરે તે રાક્ષસ કહેવાય. બુદ્ધ- મહાવીર અગાઉ આર્યોમાં માંસાહાર સર્વસામાન્ય હતો. બુદ્ધ પણ માંસાહાર નિષેધમાં માનતા નહોતા. વચ્ચે જાણે ભીષ્મમાં ચાર્વાક પ્રગટ થઈ જાય છે. ભીષ્મ કહે છે કે જે અજ્ઞાની લોકો વૈદિક યજ્ઞયાગાદિના નામે માંસાહાર કરે છે તે નરકમાં જાય છે. જો કે ચાર્વાકે તેવા લોકોને ભાંડધુતારા કહ્યા છે પરંતુ નરકમાં મોકલ્યા નથી. કેમ કે ચાર્વાક સ્વર્ગ-નરકના ભ્રામક ખ્યાલોથી પર હતો! માંસત્યાગ કરવાથી તિર્યંક યોનિ પ્રાપ્ત થતી નથી (અર્થાત પશુ-પ્રાણીઓમાં જન્મ મળતો નથી.) પ્રાણદાન (અહિંસા) ઉત્તમ દાન છે. આત્માથી વિશેષ સર્વ કોઈને કશું પ્રિય નથી. સૌથી વહાલો જીવ આજે જે મને ખાય છે તેને હું ક્યારેક ખાઈશ. ભીષ્મ કહે છે કે અહિંસાથી થનારા લાભોનું વર્ણન સો વર્ષે પણ પૂર્ણ ન થાય! સાધુ! સાધુ! આમ યુદ્ધ અને હિંસાથી સભર મહાભારત કથામાં અહિંસા અને શાકાહાર બૌદ્ધજૈન-વિચારનો પ્રક્ષેપ હોય તેવી શંકા અવશ્ય થાય.
– પ્રવીણ ગઢવી