રાજપીપળા: ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડે (Jagdeep Dhankhade) તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયામાં (Kevadia) અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue oF Unity) મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાનાં ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી. તેમણે સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અંગેનું તસવીરી પ્રદર્શન પણ તેઓએ રસપૂર્વક નિહાળ્યું હતું.
અદમ્ય વલણ અને આદર્શોથી પ્રેરિત થવા આહવાન કર્યુ
સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલા લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલી પ્રતિકૃતિની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં ચરણોમાં-ભારતની સેવામાં ધન્ય, સ્ફૂર્તિ, ઊર્જા, ઉત્સાહ અને પ્રેરણાની અનુભૂતિ થઈ. તેમણે યુવાનોને સરદારના જીવન, દૃષ્ટિ, અદમ્ય વલણ અને આદર્શોથી પ્રેરિત થવા આહવાન કર્યુ છે.ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિનાં પત્ની ડો.સુદેશ ધનખડ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) જોડાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમના નિયામક સી.વી.નાદપરાએ ડેમની તકનિકી જાણકારી પૂરી પાડી હતી.
ધનખડે નર્મદા ડેમ મારફતે થઇ રહેલા લાભ અંગે જાણકારી મેળવી હતી.
આરોગ્ય વનની મુલાકાતે પહોચેંલા ઉપરાષ્ટ્રપતિ આરોગ્ય વનના ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ કલર, અરોમા ગાર્ડન, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન, લ્યુટિયા ગાર્ડનની મુલાકાત લઇ અભિભૂત થયા હતા. આ સાથે આરોગ્ય વનના સેક્રેડ ગાર્ડનમાં ઉપરાષ્ટ્રપતિના હસ્તે રુદ્રાક્ષના છોડનું વાવેતર કરાયું હતું. અહીં ઉપરાષ્ટ્રપતિએ ખાટી ભીંડી શરબતનો લુત્ફ ઉઠાવ્યો હતો.