નવી દિલ્હી : બહુપ્રતીક્ષિત વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ડબલ્યુઆઇપીએલ) આવતા વર્ષે મેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પહેલા માર્ચમાં (March) યોજાશે, જેમાં પાંચ ટીમો (Team) ભાગ લેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ની એક નોંધ અનુસાર, ટૂર્નામેન્ટમાં કુલ 20 લીગ મેચો રમાશે, જેમાં દરેક ટીમ બે વખત એકબીજાનો સામનો કરશે. પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમ એલિમિનેટરમાં રમશે.
બોર્ડ એ પણ વિચારી રહ્યું છે કે ટીમોની મર્યાદિત સંખ્યાને કારણે હોમ ગ્રાઉન્ડ અને વિરોધી ટીમના મેદાન પર મેચનું આયોજન શક્ય નહીં બને. દક્ષિણ આફ્રિકામાં 9 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા મહિલા ટી-20 વર્લ્ડકપ પછી તરત જ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી શકે છે. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, ડબ્લ્યુઆઈપીએલમાં ઘરેલું અને વિપક્ષના મેદાન પર મેચોનું આયોજન કરવું પડકારજનક રહેશે. તેથી પ્રથમ 10 મેચો એક જગ્યાએ અને બાકીની 10 મેચો અલગ જગ્યાએ યોજવાનું સૂચન કરવામાં આવે છે.
વૈકલ્પિક રીતે, મહિલા આઇપીએલમાં ટીમો વેચી શકાશે અને મેચો તે સ્થળે યોજાઈ શકે છે જ્યાં હાલમાં આઇપીએલ મેચોનું આયોજન થાય છે. તે મોટા શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા અને મુંબઈનો સમાવેશ થાય છે. મહિલા આઇપીએલ સંબંધિત પ્રારંભિક જાહેરાત પછી, તે વ્યાપકપણે નોંધવામાં આવ્યું હતું કે આઇપીએલ માલિકોને ટીમો ખરીદવાનું નકારવાનો પ્રથમ અધિકાર મળશે.
દરેક ટીમની પ્લેઇંગ ઇલેવનમાં પાંચ વિદેશી ખેલાડી રાખી શકાશે
બીસીસીઆઇની નોધ અનુસાર દરેક ટીમ તેમની પ્લેઈંગ ઈલેવનમાં પાંચ વિદેશી ખેલાડીઓને રાખી શકશે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ વચ્ચે સંતુલન જાળવવા અને વધુ સ્પર્ધાત્મક ટીમ બનાવવા માટે, મહિલા આઇપીએલમાં પાંચ ટીમો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંથી ચાર ખેલાડીઓ આઇસીસીના પૂર્ણ-સમયના સભ્ય દેશોમાંથી અને એક ખેલાડી આઇસીસીના સહયોગી સભ્ય દેશોમાંથી રાખવા પડશે.
દરેક ટીમમાં 18 ખેલાડીઓ રહેશે, જેમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડી હશે
દરેક ટીમ પ્લેઈંગ ઈલેવનમાં પાંચથી વધુ વિદેશી ખેલાડીઓ રાખવાની શરતની સાથે જ બીસીસીઆઈની નોંધમાં કહેવાયું છે કે દરેક ટીમમાં 18 ખેલાડીઓનો સમાવેશ કરી શકાશે જ્યારે કોઈ ટીમ છથી વધુ વિદેશી ખેલાડીઓ રાખી શકશે નહીં. ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશ લીગ અને બ્રિટનમાં ધ હન્ડ્રેડમાં ત્રણથી વધુ વિદેશી ખેલાડીઓ રાખી શકાતા નથી અને ત્યાં દરેક ટીમમાં કુલ 15 ખેલાડીઓ હોય છે.
ટીમ વેચાણમાં દરેક પ્રદેશમાંથી બે શહેરોની પસંદગી કરાશે
મહિલા આઇપીએલની પાંચ ટીમોના વેચાણનો જ્યાં સુધી સવાલ છે, ત્યાં સુધી તે પ્રાદેશિક ધોરણે હોઈ શકે છે અને બોર્ડ દરેક પ્રદેશમાંથી બે શહેરોની પસંદગી કરી રહ્યું છે. તેમાં નોર્થ ઝોનમાંથી ધર્મશાલા/જમ્મુ, વેસ્ટ ઝોનમાંથી પુણે/રાજકોટ, સેન્ટ્રલ ઝોનમાંથી ઇન્દોર/નાગપુર/રાયપુર, ઇસ્ટ ઝોનમાંથી રાંચી/કટક, સાઉથ ઝોનમાંથી કોચી/વિશાખાપટ્ટનમ અને નોર્થ-ઇસ્ટ ઝોનમાંથી ગુવાહાટીનો સમાવેશ થાય છે.