થોડા દિવસ પહેલાંના એક દૈનિકમાં હ્રદયદ્રાવક સમાચાર વાંચવા મળ્યા કે પોન્ડીચેરીના કરાઇકાલ ગામના એક કુટુંબની હોંશિયાર છોકરી જે આઠમા ધોરણમાં ભણતી હતી અને ભણવામાં પણ પૂરતું ધ્યાન આપતી એ છોકરીની માતા હંમેશ એવી અપેક્ષા રાખતી કે એની દીકરી હંમેશ માટે પરીક્ષામાં પહેલા નંબરે જ ઉત્તીર્ણ થવી જોઇએ. પરંતુ છેલ્લી વાર્ષિક પરીક્ષામાં એ છોકરીની જગ્યાએ એના જ ધોરણનો બાલામનિકન્દન નામનો હોંશિયાર વિદ્યાર્થી પહેલા નંબરે ઉત્તીર્ણ થતાં છોકરીની માતામાં એટલી હદે નિરાશા અને હતાશા વ્યાપી ગઇ જે આખરે વેર-ઝેરમાં પરિણમતાં એક શનિવારે દીકરીની માતા નિશાળે જઇ પહેલા નંબરે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીને શાબાશી આપવા આવી હોય એ રીતે ઠંડુ પીણું પીવડાવ્યું.
એ વિદ્યાર્થી ઘરે પહોંચતાં જ એને સતત ઉલટીઓ થવા માંડતાં છોકરાએ એના મા-બાપને છોકરીની માતાએ આપેલ ઠંડા પીણાંની વાત કરતાં એને હોસ્પિટલમાં દાખલ કર્યો પરંતુ ડૉક્ટરો એ છોકરાને બચાવી ન શક્યા. મૃત છોકરાના પોસ્ટ મોર્ટમમાં જાણવા મળ્યું કે છોકરાને ઝેર મેળવેલ પીણું આપેલ જે અંતે છોકરાના મોતમાં પરિણમ્યું. નાપાસ થયેલ કે ધારેલ માર્ક ન આવતાં છોકરો કે છોકરી આપઘાત કરે એવું વાંચવામાં/જાણવામાં આવ્યું છે પરંતુ છોકરીની માતા સારા માર્કે ઉત્તીર્ણ થયેલ છોકરાને ઝેર આપે એવું પહેલી વાર જાણવા મળ્યું.
અલબત્ત, છોકરીની માતાની ધરપકડ થઇ, પરંતુ આ હકીકત જાણીને વિચાર આવ્યો કે આજનું ભણતર, આજની શિક્ષા પધ્ધતિ અને મા-બાપની અપેક્ષા એમનાં દીકરા-દીકરીને સ્કૂલની પરીક્ષામાં પહેલા નંબરે રાખવામાં જ સીમિત થઇ જતી હશે? પહેલા નંબરે ન આવતાં છોકરા-છોકરીઓ શું જીવનમાં સફળ નથી થતાં? સ્કૂલ કે કોલેજોની પરીક્ષામાં દીકરા-દીકરી સારા માર્કે કે નંબરે ઉત્તીર્ણ થાય એવું દરેક મા-બાપ ઇચ્છે એમાં કશું ખોટું નથી, પરંતુ વિદ્યાર્થીના જીવનમાં હદ બહારની દખલગીરી છોકરાઓનું જીવન બરબાદ કરવામાં પણ પરિણમી શકે છે. જેનો ખ્યાલ ન રાખતાં મા-બાપે ઘણી વખત સંતાનોને ગુમાવવાં પડે છે.
આવા ઘણા કિસ્સાઓ અવારનવાર દૈનિકોમાં વાંચવા મળે જ છે. અલબત્ત, આ કિસ્સામાં એક માતા ગણાતી સ્ત્રીએ અન્ય મા-બાપના વહાલસોયાનો જીવ લીધો એ વ્યક્તિને કઇ કક્ષામાં મૂકવી? શું ગણવી? હકીકતમાં જરૂરિયાત છે શિક્ષણ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની, જે આખરે આજના વિદ્યાર્થીને આવતી કાલના સારા અને સમજુ વ્યક્તિ, સારા નાગરિક અને ભવિષ્યમાં સારાં મા-બાપ બનવામાં સહાયભૂત થઇ શકે, જે આખરે દેશ અને સમાજના લાંબા ગાળના હિતમાં પરિણમી શકે. આજના વિદ્યાર્થીઓનાં માતા, પિતાએ પણ આ બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે જેથી આવા બનાવો બનતાં પણ અટકી શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.