Charchapatra

ભગ્ન સ્ટેન્ડ

રવિવારનું પ્રભાત એટલે બહારના નાસ્તાની સવાર. એ નાતે હું મારું દ્વિચક્રી લઇ નીકળ્યો અને અચાનક ચાલુ ગાડીએ સાઈડ સ્ટેન્ડ તૂટી ગયું. સ્ટેન્ડને પણ રવિવારે જ તૂટવાનું મન થયું! તમે જોજો, અનેક વસ્તુઓને રવિવારે ખોટકાવાનો મૂડ જાગે છે. માંદગી પણ ત્યારે જ આવે છે જયારે ડોક્ટર આઉટ ઓફ ટાઉન હોય. જે દિવસે વિદ્યુત કાપ હોય અને ટાંકીમાં પાણી ન હોય તે જ દિવસે બે વખત ટોઇલેટ જવું પડે છે. લગભગ વીસેક મીનીટમાં માર્ગ પર ૩૦-૪૦ લોકોએ બોલીને કે ઈશારા દ્વારા મને સૂચવ્યું કે સ્ટેન્ડ તૂટેલું હતું. વાસ્તવમાં તે તૂટી ગયું કે તરત જ ધ્વનિએ મને અવગત કર્યો હતો. નાનાં હતાં અને લોખંડની રીંગ લઇ રખડવા નીકળતાં અને જે તીણો કર્ણમંજુલ ટર્ર્ર્રર્ર્ર્રર્ર્ર્રર્ર્ર્રર્ર્ર્રનો સૂર સાંભળવા મળતો તેવો અવાજ સંભળાતો હતો. બાળપણ દ્વિચક્રીની બાજુમાં દોડતું મારી મજાક ઉડાવવા લાગ્યું હતું. મને ગાવાનું મન થઇ ગયું, ‘….મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન, કો કાગઝકી કશ્તી વો બારીસકા પાની’.

પણ શિક્ષકની પદવી વચ્ચે આવી ડોળા કાઢી ઊભી રહી ગઈ. એટલે આપણે કાર્યક્રમ માંડી વાળ્યો. વળી મેં એમ પણ વિચાર્યું કે ક્યાં જગજીત સીંઘનો અવાજ અને ક્યાં આપણો. હજી ગઈ સાંજે જ એક મિત્ર અમેરિકાથી આવ્યો હતો તેની જોડે આ જ સઘળી વાતો કરી હતી. જો કે સ્ટેન્ડનો અવાજ સતત ન હતો. સપાટ રસ્તે સ્ટેન્ડ મૌન થઇ જતું હતું પરંતુ ખાડા ખબચાવાળા રસ્તે તે મુખર થઇ જતું. ચોમાસા પશ્ચાત્ જેને મીડિયાવાળા ચંદ્ર જેવી સપાટી કહે તેવા રસ્તા પર જ ખખડાટ થતો. હવે આપણને તો આમ ખબર નથી કે ચંદ્રની સપાટી કેવી છે પરંતુ મીડિયાવાળાનું માનવું પડે. એઓ માહિતગાર ખરાંને. મારા પર જે જે લોકોએ સહાનુભૂતિની બૌછાર કરી તેઓ ધનવાન-નિર્ધન બંને હતાં. કોઈ દ્વિચક્રી પર હતું કોઈ ચતુશ્ચક્રીમાં. શિક્ષિત હતાં નિરક્ષર પણ હતાં. છોકરા અને છોકરી હતાં. હિંદુ પણ હતાં અને મુસ્લિમો પણ હતાં. આ ૩૦-૪૦ લોકો પૈકી એક જ છાત્ર મળેલ. શેષ અજાણ્યાં હતાં. કોઈના ચહેરા પર મશ્કરીના ભાવ ન હતા. માણસાઈ મરી પરવારી નથી. મનુષ્ય નિર્મિત વસ્તુઓ તકલાદી થઇ ગઈ છે દેવાયત્ત લાગણી પોલાદી છે.
બારડોલી          – વિરલ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

અનુભવમાંથી મનુષ્ય શીખતો નથી અને શીખવાનો નથી
આપણા બાપ દાદાઓ ઠોકર ખાઇને આપણા માટે કાંઇ મુકતા ગયા હતા. દરેકનો અનુભવ કહે છે આજની યુવા પેઢી હઠ લઇને બેઠી છે કે તેમાં કાંઇ સમજો નહિ. અમને અમારી રીતે કરવા દો, ને તેમ કરવામાં લાખના બાર હજાર કરશે. આનાથી વિપરીત પશુ પક્ષીઓ એક વાર ખતરામાંથી પસાર થયા પછી કયારેય તે સ્થાને જતા નથી. મનુષ્ય જ એક એવુ પ્રાણી છે દુનિયાને દેખાડવા માટે પણ કંઇ અજુગતુ પગલુ ભરતા અચકાતો નથી. ચોર કે હત્યારો એક માનસિક વિકૃત ગ્રંથીથી પીડાતો હોય છે તેનામાં ભયની ગ્રંથી જાગૃત થાય છે કે ગુનાહિત સ્થળનો (કયાંક તે સબુત મુકી તો નથી ગયો) આ જ ગ્રંથીથી દોરવાઇ કતુહલવશ તે સ્થળે આપો આપ જઇ પકડાઇ જાય છે માનસશાસ્ત્રીઓ અને પોલીસ પણ વોચ ગોઠવીને બેઠી હોય છે આઝે કે કાલે વર્ષો પછી પણ કુતુહલવશ તે સ્થળે જવાનો જ છે.
રાંદેર    – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top