સંતરામપુર : સંતરામપુર નગરપાલિકામાં શાસક ભાજપમાં આંતરિક કહલ સપાટી પર આવી ગયો છે. જેમાં સામસામે આક્ષેપબાજીમાં સમગ્ર વહીવટની અનેક પોલ ખુલી પડી ગઈ છે. તેમાંય પાલિકા દ્વારા કરવામાં આવેલા આઠ કરોડના વિકાસ કામમાં સાડા ત્રણ કરોડની કટકી લેવાઇ હોવાનો આક્ષેપ પૂર્વ પ્રમુખના પતિએ કરતાં સનસનાટી મચી ગઈ છે.
સંતરામપુર નગરપાલિકાના ઉપપ્રમુખ હેમેન્દ્ર ઉપાધ્યાય અને પૂર્વ પ્રમુખના પતિ મોહનભાઈ ભોઇ વચ્ચેનો ગજગ્રાહમાં પક્ષની આબરૂના ધજાગરા ઉડી રહ્યાં છે.
મોહનભાઈ ભોઇએ મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, પૂર્વ પ્રમુખ શીવભાઈ વણકરના સત્તાકાળ દરમિયાન રૂ.આઠ કરોડના વિકાસના કામોના આયોજન પૈકી રૂ.3.50 કરોડની ટકાવારી ઉપપ્રમુખ હેમેન્દ્ર ઉપાધ્યાયને આપવામાં આવી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ પત્રમાં એસીબીની તપાસ પણ માંગવામાં આવી છે. સંતરામપુરના વિકાસ કાર્યો માટેના રૂ. 8 કરોડના કામોના લગભગ અડધો અડધ જેટલા સરકારના વિકાસના કામો માટેના નાણામાં રૂ.3.50 કરોડની લાંચની ટકાવારીનો ભ્રષ્ટાચાર ખરેખર આચરવામાં આવ્યો હોય તો આ ઈજારદારે વિકાસ કામો ખરેખર કેવી રીતે કરી શકે ? આ મુદ્દો પણ મહત્વની તપાસો માંગી રહ્યો છે. હાલ સંતરામપુર નગરમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
સંતરામપુર પાલિકાના ઉપપ્રમુખ હિતેશ ઉપાધ્યાય સામે કેવા આક્ષેપો કરાયા છે ?
મોહનભાઈ ભોઇએ આક્ષેપ પત્રમાં જણાવ્યું હતું કે, સંત જુના તળાવ ખાતે આવેલા મહાદેવના મંદિર પર કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરતાં હતાં તે દરમિયાન પાલિકાના ઉપપ્રમુખ દ્વારા ખોટી રીતે કનડગત કરી તેમજ ધાક – ધમકીઓ આપી 32 ટકા મુજબ પૈસા ઉઘરાવ્યા હોવાનું જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા જણાવ્યું હતું કે, નગરપાલિકાના માજી પ્રમુખ શીવાભાઈના સમય દરમિયાન આઠ કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યાં હતાં. જેમાં 3.50 કરોડની ટકાવારી ઉપપ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાયને આપવામાં આવી હતી.
અમારા સમય દરમિયાન માજી પ્રમુખ લીલાબહેન ડામોરના સમય દરમિયાન હાલમાં ચાલુ ઉપપ્રમુખ જે તે સમય દરમિયાન પ્રમુખની ઉપરવટ જઇને બન્ને કોન્ટ્રાક્ટર સાથે એક પેકેજ દીઠ રૂ.17 લાખ પુરા નક્કી કર્યાં હતાં. જેમાં બે પેકેજના કામો પૂર્ણ થતાં કોન્ટ્રાક્ટરએ હિતેશભાઈ ઉપાધ્યાયને રૂ.32 લાખ પુરા આપ્યાં હતાં. હાલમાં ચાલુ પ્રમુખ સુનિતાબહેન ખાંટના સમય દરમિયાન પણ કોન્ટ્રાક્ટર સાથે અંદાજીત 24 લાખ ઉઘરાવ્યાં છે. જોકે, હિતેશભાઈનું બીપી હાઇ થઇ ગયું હતું. તેમને પરસેવો થઇ ગભરામણ જેવું થઇ જતાં દિલીપભાઈ બારીયા દ્વારા ચર્ચા સ્થગિત કરવાનું જણાવ્યું હતું અને બીજી વાર ચર્ચા કરીશું. તેમ કહી વાત પુરી કરી હતી.
હિતેશભાઈએ પણ કબુલ કર્યું છે કે તેઓએ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લીધાં છે. હિતેશભાઈ ઉપાધ્યાયે એવું જણાવ્યું હતું કે, આ પૈસાનો વહીવટ રીઝવાન ભુરા દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ આ બાબતે બન્ને કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રીઝવાન ભુરાના પેટ્રોલ પંપના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતાં હતાં અને તેમની પાસેથી રોકડ લઇ હિતેશ ઉપાધ્યાયને આપતાં હતાં. આ બાબતે રીઝવાન ભુરા જોડે ખુલાસો કરતા તેઓએ આ તમામ પૈસા હિતેશ ઉપાધ્યાયને આપ્યાં છે. કોન્ટ્રાક્ટરને બીલો અટકાવી દેવાની તેમજ કલમો લગાવી દેવાની ધમકીઓ આપી આવી ખોટી રીતે પૈસાની ઉઘરાણી કરી છે. જેથી આ પૈસા હિતેશભાઈ પાસેથી લઇ પાર્ટી ફંડમાં જમા કરાવો અથવા પૈસા બન્ને કોન્ટ્રાક્ટરને પરત કરવા જોઈએ.