કોરોના વાઇરસ રોગચાળો અને પછી રશિયા યુક્રેનનું યુદ્ધ – આ બન્ને બાબતોને કારણે આખી દુનિયાની સપ્લાય ચેન – પુરવઠા સાંકળ ખોરવાઇ ગઇ છે. ઉદારીકરણ, ફ્રી-ટ્રેડ, બાય-લેટરલરિલેશનશીપ જેવા શબ્દો વૈશ્વિક અર્થતંત્રને જોડતાં પરિબળો છે. કમનસીબે રોગચાળા અને યુદ્ધના ફટકાએ આ કડીઓને નબળી કરી નાંખી છે. તેમાં રાજકારણનો પણ એટલો જ મોટો ફાળો છે. વૈશ્વિકીકરણ – ગ્લોબલાઇઝેશનને કારણે બંધાયેલા વ્યાપારી સંબંધોમાં રાજકારણની શતરંજ પણ રમાતી હોય છતાં પણ વૈશ્વિક આર્થિક તંત્રની મજબૂતી આ લેવડ-દેવડ પર જ ટકેલી હોય છે. પરંતુ મોર્ગન સ્ટેનલી રિસર્ચના એક તાજા વિશ્લેષણ અનુસાર ઓછું વૈશ્વિક અને વધુ આંતરિયાળ – સ્થાનિક સ્તરે એકબીજા સાથે જોડાયેલું માળખું ઉભરી રહ્યું છે. એવું તંત્ર જેમાં જે-તે દેશનાં ઉત્પાદકો, ઉદ્યોગકારો, સ્થાનિક બજારો અને તેને સહકાર આપનારા નાનાં કે મોટાં રાષ્ટ્રોને પ્રાધાન્ય અપાય.
આ આખો બદલાવ એવી રીતે આવી રહ્યો છે જેમાં ગણ્યાંગાંઠ્યા વૈશ્વિક આર્થિક સત્તાકીય રાષ્ટ્રોને બદલે એકથી વધુ રાજકીય અને આર્થિક કેન્દ્રો સમાવિષ્ટ હોય. અર્થશાસ્ત્રીઓ આ પરિવર્તનને ‘સ્લોબલાઝેશન’નું નામ આપે છે, જો કે સાથે એમ પણ સ્પષ્ટ કરે છે કે આ તંત્રને નક્કર થતાં હજી વર્ષો લાગશે કારણ કે મોટી આર્થિક સત્તાઓ પરનું પરાવલંબન અચાનક જ ઘટી નથી જતું. જો કે સુરક્ષા અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રે મહાસત્તા ગણાતા રાષ્ટ્રને બદલે મેક્સિકો, ભારત, વિયેટનામ અને ટર્કી જેવા દેશોની ભવિષ્યમાં ચાવીરૂપ ભૂમિકા હોય તેમ બને કારણ કે USA અને EU જ્યારે ડાઇવર્સિફિકેશન કરશે ત્યારે આ રાષ્ટ્રોને ફાયદો થઇ શકે છે. આ ફાયદા પાછળનાં કારણોમાં ભૌગોલિક સ્થાન, લેબરની નીચી કિંમત અને ફ્રી ટ્રેડને લગતા કરારનો સમાવેશ થાય છે.
અત્યારે પણ રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં ટર્કી દ્વારા યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં ડ્રોન્સ સપ્લાય કરવામાં આવે છે તો રશિયાએ કરેલા આ હુમલા સામે ટર્કીને કોઇ વાંધો નથી. છતાં પણ જે યુક્રેન પર રશિયાએ ચઢાઇ કરીને દુનિયાની વ્યવસ્થાને હચમચાવી નાખી છે તે બન્ને વચ્ચે પડીને ટર્કીએ જ ઘઉં અને બીજા અનાજનો વ્યાપાર વિશ્વના બીજા દેશો સાથે ફરી ચાલુ કરવાનો નિર્ણય કરાવ્યો. નાના દેશોની ભૂમિકા આ પ્રકારે વ્યાપાર વાણિજ્યની બ્લોક ચેનમાં અગત્યની છે. યુદ્ધને કારણે યુક્રેન અનાજનો સૌથી મોટો ઉત્પાદક હોવા છતાં પણ નિકાસ નહોતો કરી શકતો જેની સીધી અસર હતી – બીજા રાષ્ટ્રોમાં આસમાને પહોંચેલો ફુગાવો. ટર્કીને આ આખી વાતમાં રસ હતો કારણ કે ત્યાં તો ફુગાવો 80 % ના દરે હતો, ભારતમાં 7 %ના ફુગાવાના દરે વિરોધનો વંટોળ જગાવ્યો છે ત્યારે ટર્કીમાં શું હાલત હશે તેની કલ્પના જ કરવી રહી. ટર્કીએ કેમ યુક્રેન અને રશિયા વચ્ચે પડવાનું નક્કી કર્યું તે સમજી શકાય છે.
હવે મોટાં માથાઓની વાત કરીએ તો થોડા વખત પહેલાં US ટ્રેઝરી સેક્રેટરી જેનેટયેલેને સાઉથ કોરિયાના અધિકારીઓને કહ્યું કે હવે USAનું માનવું છે કે તે એવા જ રાષ્ટ્રો સાથે વ્યાપાર કરશે જેની સાથે તેને સારાસારી છે. આ વાત કહેવા માટે ‘ફ્રેન્ડશોરિંગ’ જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. સાઉથ કોરિયા અને અમેરિકા વચ્ચે દોસ્તી છે એટલે કંઇ વાંધો નથી. USAનો આ અભિગમ ફ્રી ટ્રેડની નીતિને ફ્રેન્ડ ટ્રેડની નીતિમાં ફેરવી દેશે. ચીન પરનો USAનો વધુ પડતો આધાર રોગચાળાના કટોકટીભર્યા સમયમાં તેને ભારે પડ્યો, સપ્લાય ચેન પડી ભાંગી અને સાબિત થયું કે ફ્રી-ટ્રેડ હોય તો હંમેશાં ચીજ-વસ્તુના ભાવ પર સારી અસર નથી પડતી. રશિયાએ તો બીજા વિશ્વ યુદ્ધ પછીની યુરોપિયન શાંતિને ધરમૂળથી હચમચાવી દીધી જેનો આધાર જ ફ્રી-ટ્રેડ હતો.
આવી ગોઠવણો થાય ત્યારે ગ્લોબલાઇઝેશનનો મૂળ હેતુ નેવે મુકાઇ જાય અને પછી દોસ્તી, શત્રુતા, બળજબરી એવા પાસાંઓને આધારે થતી લેવડ-દેવડ રાષ્ટ્રો વચ્ચે થવા માંડે. ફ્રી ટ્રેડનું ગાણું ગનારા USAમાં હવે દોસ્તીને આધારે થતાં વ્યાપાર પર ઝુકાવ વધવા માંડ્યો છે. આમ કરવાનું સીધું કારણ છે સ્વાર્થ – જે USA હોય કે રશિયા હોય કે ચીન હોય – બધી જ મહાસત્તાઓના અભિગમમાં દેખાઇ આવે છે. ઉદાહરણ તરીકે USAમાં રશિયન ઓઇલ પહોંચતું અટક્યું એટલે ભાવ વધારો ઝીંકાયો, ચીનમાંથી સેમી કન્ડક્ટરચિપ આવવાની અછત થઇ એટલે કાર્સ અને ઇલેક્ટ્રોનિક સંસાધનો ખરીદવાને મામલે સમસ્યા ખડી થઇ – હવે આવામાં તંગડી ઊંચી રાખવાને બદલે દોસ્તી આગળ ધરીને દુનિયાદારી ચલાવવાનું USAના સત્તાધીશોએ નક્કી કર્યું. હવે આવા અભિગમમાં કોણ દોસ્ત અને કોણ શત્રુ?
અને કોણ દોસ્ત જેવો છતાં ય જોખમી શત્રુ બની શકે તેવો દેશ – એ પણ USA– રશિયા રાષ્ટ્રોએ પોતાની ત્રિરાશિઓ માંડીને નક્કી કરવું પડે. ગુજરાતી કહેવત પ્રમાણે ‘ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે’ વાળી સ્થિતિ પણ આવામાં ખડી થાય – જેમ કે રશિયા, ટર્કી અને યુક્રેને કરેલી વાટાઘાટોમાં સાબિત થઇ ગયું કે ભલે અંદરોઅંદર યુદ્ધ ચાલતું હોય પણ જરૂર પડ્યે વ્યાપારી ગણતરીઓને કેન્દ્રમાં રાખીને દુશ્મન દેશો પણ એકબીજા સાથે બાંધછોડ કરી લેતાં હોય છે. વૈશ્વિક વ્યાપાર લૉ-કાર્બન અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવી શકે છે, વળી તે સર્વાંગી એટલે કે ઓલ ઇન્ક્લુઝિવ હોઇ શકે છે અને ડિજિટલ વિશ્વમાં કનેક્ટિવિટી વધારવામાં પણ તે હકારાત્મક પરિણામ લાવી શકે છે. કમનસીબે વૈશ્વિકીકરણમાં સ્થાનિકીકરણ થઇ રહ્યું છે – જેમાં ખોટું તો કંઇ નથી પણ ફ્રી ટ્રેડની નીતિનો હેતુ તેમાં અભેરાઇએ ચઢે છે અને વહાલાં-દવલાંનું ગણિત જ મંડાય છે. જેને માટે અંગ્રેજીમાં ઇકોનોમિક વર્લ્ડ ઓર્ડર જેવો શબ્દપ્રયોગ કરવો પડે તે વ્યવસ્થાતંત્ર હચમચી ઊઠે.