એક રૂપક દર્શાવવાની હરીફાઈમાં ઘરથી કબર સુધીની જીવનની સફર દર્શાવવાની હતી.ઘણાં લોકોએ ભાગ લીધો અને સુંદર રજૂઆત કરી.કોઈકે જીવનને નાવ કહ્યું…કોકે પરીક્ષા સાથે સરખાવ્યું …વળી કોઈકે જીવનને પળે પળે લડતું યુધ્ધ કહ્યું, તો કોઈકે કહ્યું જીવન તો જિંદગીભરની પાઠશાળા છે.બધાની સરખામણી સરસ હતી, વિચારપ્રેરક હતી. સૌથી સુંદર રજૂઆતમાં જેને પહેલું ઇનામ મળ્યું તે રજૂઆત કરનાર સ્પર્ધકે જીવનને એક રેલ્વેની સફર કહી……જીવન એક ટ્રેન છે…અનંત બ્રહ્માંડના અજ્ઞાત પ્રદેશમાંથી આંગળી ઝાલીને ઈશ્વર આપણને સ્ટેશન સુધી મૂકી જાય છે અને ટ્રેનમાં આપણે ચઢીએ છીએ…અને પહેલું સ્ટેશન આવે છે ઘર …ઘરનાં લોકોને પહેલી વાર મળીએ છીએ, પણ તેઓ અજાણ્યા લાગતા નથી.તેઓ આપણને આવકારે છે ..આપણે સુંદર નામ આપી પહેલી ઓળખાણ આપે છે અને આ જીવનરૂપી રેલગાડી આગળ વધતી રહે છે.એક પછી એક સ્ટેશન આવે છે બાળપણ …શાળાજીવન …મિત્રો …ભણતર …કોલેજજીવન …ડીગ્રી …કેરિયર …નોકરી એક પછી એક સ્ટેશનો આવે છે.
નવાં લોકો જીવનમાં મળે છે, જુના સાથ છોડી જાય છે. જેમ ટ્રેનમાં મુસાફરો ઊતરે અને ચઢે તેમ જીવનમાં પણ લોકો આવે છે, જાય છે અને જીવનની ગાડી આગળ વધતી રહે છે.જીવનમાં કેરિયરના સ્ટેશન પર ઠરીઠામ થયા બાદ સ્ટેશન આવે છે લગ્ન …ઘણાં બધાં લોકો અને ઘણો ઉલ્લાસ અને આપણા ડબ્બામાં ચઢે છે એક સાથી મુસાફર, જેની સાથે આપણી જિંદગી જોડાય છે અને આગળ વધે છે.આ જીવનની રેલગાડી આગળ વધતી જ રહે છે ..જવાબદારીઓ પણ તેમ તેમ વધતી રહે છે…ઘણાં બધાં નવાં સ્ટેશનો આવે છે, ક્યાંક ખુશીઓ સાથે આવે છે, કયાંક દુઃખનો મેળાપ થાય છે અને બધું છોડીને જીવન આગળ વધતું જાય છે…જેમ જેમ જીવન આગળ વધે છે અને રેલગાડીનું આખરી સ્ટેશન નજીક દેખાય છે ત્યારે જેમ રેલગાડીના ડબ્બામાંથી મુસાફરો ઉતરતા જાય અને ટ્રેન ખાલી થતી જાય તેમ આપણે પણ જીવનની મોહમાયાથી મનને ખાલી કરી દેવું જોઈએ…કોઈ ઈચ્છા કે અપેક્ષા કે કોઈ વેર કે નફરત બધું ભૂલીને ઈશ્વરમાં મન પરોવવું જોઈએ.યાદ રાખો, જયારે છેલ્લું સ્ટેશન આવશે ત્યારે કોઈ સાથ નહિ આપે. જે પહેલા સ્ટેશન પર મૂકવા આવ્યો હતો ઈશ્વર તેની પાસે જઈને જ છેલ્લું શરણ મેળવવું પડશે.માટે જ યાદ રાખજો કે આ જીવનરૂપી રેલગાડી ચાલતી જ રહેશે, બધાનો સાથ થોડા સમયનો રહેશે …અને સતત ચાલતા જીવનમાં સારો સમય આવે કે ખરાબ તે હંમેશા નહિ રહે, જીવન આગળ વધી જ જ્શે .બસ ઈશ્વર સાથે રહેશે માટે મનને મોહમાયાથી ખાલી કરી હરિનામથી ભરી લેજો.’ છે ને જીવન વિશેની સાચી સમજ આપતી સુંદર રજૂઆત…ચાલો જીવનને ખુશીથી જીવીએ અને હરિનામ લેતાં રહીએ.
–આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.