Gujarat

પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, હવે આ રીતે કરી શકાશે ONLINE FIR

સુરત: વાહન, પર્સ કે મોબાઈલ જેવી નાની-મોટી ચીજવસ્તુની ફરિયાદ પોલીસ લઈ રહી નહીં હોવાની બૂમ હંમેશા ઉઠતી રહે છે. ત્યારે પ્રજાની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગુજરાત પોલીસે એક અનોખી પહેલ કરી છે. ટેક્નોલોજીના યુગમાં ગુજરાત પોલીસ (Gujarat Police) પણ ડીજીટલાઈઝેશન (Digitalization) તરફ વળી છે અને એક એવી પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે જેની પર ગુજરાતના નાગરિકો ઘરે બેઠાં બેઠાં મોબાઈલ કે કમ્પ્યૂટરની મદદથી ઓનલાઈન એફઆઈઆર (Online FIR) દાખલ કરાવી શકશે. 23 જુલાઈના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પોલીસની સિટીઝન એપ્લીકેશન અને પોર્ટલનું લોકાર્પણ કરશે.

ગુજરાત પોલીસ હવે ડિજીટીલાઈઝેશન તરફ આગળ વધી છે. સામાન્ય બાબતોમાં નાગરિકોએ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે તે માટે ઈ-એફઆઈઆરની વ્યવસ્થા તૈયાર કરી છે. ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લીકેશન (Citizen First Mobile App) અને સિટીઝન પોર્ટલ (Citizen Portal) શરૂ કરવા જઈ રહી છે. પ્રાથમિક તબક્કે વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ આ એપ્લીકેશન દ્વારા નાગરિકો કરી શકશે. એપ્લીકેશન બરોબર કાર્યરત થાય ત્યાર બાદ અન્ય કેટેગરી ઉમેરવામાં આવશે. વાહન કે મોબાઈલ ચોરીની ફરિયાદ ઓનલાઈન કર્યાના 48 કલાકમાં તપાસ અધિકારીએ ફરિયાદીનો સંપર્ક કરી તપાસ આગળ ધપાવવાની રહેશે.

ગુજરાત પોલીસએ ટ્વીટ દ્વારા એપ અંગે માહિતી જાહેર કરી
ટ્વીટ કરી ગુજરાત પોલીસના જિલ્લા અધિક્ષકો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ટ્વીટમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓમાં મહત્વપૂર્ણ ઉમેરો થવા જઈ રહ્યો છે. ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અથવા સિટીઝન પોર્ટલ નો ઉપયોગ કરી પોલીસ સ્ટેશન ગયા વગર ઘર બેઠા ચોરાયેલ વાહન અથવા મોબાઈલની ફરિયાદ કરી શકશે.

ગૃહ પ્રધાન અમિતશાહ 23મી જુલાઈએ લોકાર્પણ કરશે
દેશના ગૃહમંત્રી અમિત શાહ તા. 23 જુલાઈના રોજ અમદાવાદ ખાતે આ સિટીઝન એપ અને પોર્ટલનું લોકાર્પણ કરશે. આ સુવિધા ગુજરાતના લોકો માટે મહત્વની માનવામાં આવે છે. ગુનાની માહિતી પોલીસને મળવાથી ત્વરિત પગલાં દ્વારા ગુનાઓ ઉપર નિયંત્રણમાં મદદ મળશે સાથે સામાન્ય પ્રજાને પણ રાહત મળશે.

આ રીતે કરી શકાશે ઓનલાઈન એફ.આઈ.આર.
ફરિયાદી બનાવ બન્યાની નિયત સમય મર્યાદામાં ઓનલાઈન એફઆઈઆર કરી શકે છે. જેના માટે સરકારી સીટીઝન પોર્ટલ (CitiZen Portal) પર અથવા તો સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન (Citizen First App) નો ઉપયોગ કરવાનો રહેશે. આ પોર્ટલ કે એપ્લિકેશન પરથી ઓનલાઈ ફરીયાદ દાખલ કરી શકાશે. ઓનલાઈન એફઆઈઆર કર્યા બાદ જે પોલીસ સ્ટેશન વિસ્તારનું નામ લખેલું હોય તે પોલીસ સ્ટેશનને આ ફરિયાદ ફોરવર્ડ કરી દેવામાં આવશે. જો પોલીસ સ્ટેશનના નામનો ઉલ્લેખ નહીં થયો હોય તો તેવા કિસ્સામાં ફરિયાદ સીધા જ પોલીસ કમિશનર કચેરીને અથવા તો પોલીસ અધિક્ષક કચેરીને ફોરવર્ડ કરાશે. બાદમાં ત્યાંથી તેઓ દ્વારા સંલગ્ન પોલીસ સ્ટેશનને તપાસ માટે મોકલી દેવામાં આવશે.

પોલીસ કર્મચારી-અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ
એવું નથી કે ઓનલાઈન એફઆઈઆર થયા બાદ તેનું ફોલોઅપ નહીં કરાય. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગના દરેક કર્મચારીથી લઈને અધિકારીઓએ સુધી ઈ-એફઆઇઆર (E-FIR) અંગેની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. કમિશનર, ડીસીપી, એસીપી તમામને ઈ-એફઆઇઆર અંગે મોનિટરિંગ (E-FIR Monitoring) કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે પણ ઓનલાઈન ફરિયાદ (Online Complaint) મળશે ત્યારે જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીને તપાસ સોંપવામાં આવશે, જેની જાણ ફરિયાદીને પણ કરાશે. ફરિયાદ થયાના 48 કલાકમાં તપાસ અધિકારી પ્રાથમિક તપાસનો અહેવાલ જમા કરાવવાનો રહેશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની ભલામણને પગલે વ્યવસ્થા ગોઠવાઈ
વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરી થાય ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં નાગરિકોને પડતી મુશ્કેલી નિવારવા માટે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)એ ઓનલાઈન એફઆઈઆર સિસ્ટમ (Online FIR) ની ભલામણ કેન્દ્રને કરી હતી. જે બાદ કેન્દ્ર દ્વારા આ નવી પધ્ધિત પર કામ શરૂ કરવા દરેક રાજ્યોને જાણ કરવામાં આવી છે. જેના અંતર્ગત હવે નાગરિકો પોતાના વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકે તેવી સુવિધા મળવા જઈ રહી છે.

Most Popular

To Top