અનાવલ: મહુવાના (Mahuva) આંગલધરા ગામેથી પસાર થતી G.J.30 A 2213 નંબરની આર્ટિગા કારચાલકે (Car) સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી પલટી મારી ગઈ હતી. તેઓ આહવાથી બારડોલી (Bardoli) જઈ રહ્યા હતા. એ દરમિયાન મહુવાના આંગલધરા ગામની સીમમાં ગાડી રોડની બાજુમાં ઊતરી ગઈ હતી. સ્થાનિકોએ મદદે પહોંચી તમામને બહાર કાઢ્યા હતા. જો કે, સદનસીબે ગાડીમાં સવાર ચારેય મુસાફરનો આબાદ બચાવ થયો હતો.
નર્મદા મૈયા બ્રિજ ઉપર વાહનો પાર્ક થતાં અન્ય ચાલકોને જોખમ
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ અને વરસાદી વાતાવરણ બાદ નર્મદા નદીનાં નયનરમ્ય દૃશ્યો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઊમટી રહ્યા છે. બંને કાંઠે વહેતી નર્મદા નદી સાથે સેલ્ફી કે ફોટો લેવાની લાયમાં લોકો નર્મદા મૈયા બ્રિજ પર જ વાહનો પાર્ક કરી રહ્યાં છે. જેના કારણે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો માટે પાર્ક રહેલાં વાહનોથી અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ પ્રકારના વાહન ચાલકોને સમજાવટ માટેનાં સૂચન બોર્ડ તંત્રએ લગાડવા ખૂબ જ જરૂરી બન્યાં છે. બ્રિજના બંને છેડે પોલીસના કર્મીઓ છે, છતાં આ બ્રિજ પર સાંજના સમયે મોટી માત્રામાં વાહનો બ્રિજ પર જ પાર્ક થઈ રહ્યા .છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી આ પ્રકારના વાહનચાલકો પાસેથી દંડનીય કાર્યવાહી કરવાની તાતી જરૂર જણાઇ રહી છે.
અંકલેશ્વરમાં લૂંટ ચલાવનાર ત્રણ પૈકી એક લુંટારો કોસંબાથી ઝડપાયો
હથોડા: બે મહિના પહેલાં અંકલેશ્વરમાં અંગત અદાવતે લોખંડના પાઇપ વડે માર મારી મોબાઈલ અને સોનાની ચેઇનની લૂંટ કરનાર ત્રણ લુંટારા પૈકી એક લુંટારાને શુક્રવારે મોડી સાંજે બાતમીના આધારે કોસંબા પોલીસે તરસાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
કોસંબા પોલીસને બાતમી મળી હતી કે, ગત તા.17-5-2022ના રોજ અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે શાહનવાઝ ઉર્ફે સાનુ અબ્દુલ ગફાર શેખને અંગત અદાવતે લોખંડના પાઇપ વડે તલહા ઉર્ફે બાબુ મુઝમમીલ શેખ (રહે.,કાપોદ્રા, તા.અંકલેશ્વર) તથા અન્ય બે જણાએ માર મારી મોબાઇલની તેમજ વચ્ચે છોડાવવા પડેલા અન્ય એક ઇસમની સોનાની ચેઇનની લૂંટ ચલાવી હતી. જે બાબતે અંકલેશ્વર પોલીસમથકમાં લૂંટની ફરિયાદ દાખલ થયા બાદ આરોપી તલ્હા ઉર્ફે બાબુ મુઝમ્મીલ શેખ પોલીસના હાથમાં આવ્યો ન હતો. શુક્રવારે મોડી સાંજે કોસંબા પોલીસે બાતમીના આધારે તેને તરસાડીની જલારામ ચોકડી પાસેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.