નડિયાદ: ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં અષાઢ સુદ પુનમે વહેલી સવારે પાંચ વાગ્યે નિજ મંદિર ખુલી સવા પાંચ વાગ્યાના આરસામાં મંગળા આરતી થશે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછડોરાયજી મંદિરમાં આગામી તારીખ 13 મી જુલાઈને બુધવારના રોજ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવનાર છે. જે માટે મંદિર મેનેજમેન્ટ અને સેવક આગેવાનો દ્વારા દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. અષાઢી પુનમે મંદિર વહેલી સવારે 5 વાગે ખુલી, 5-15 વાગ્યાના અરસામાં મંગળા આરતી થશે.
જે દર્શન સવારે 8-30 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે. 8-30 થી 9 દરમિયાન ઠાકોરજી બાલભોગ, શ્રૃંગારભોગ અને ગોવાળભોગ એમ ત્રણેય ભોગ એકસાથે આરોગવા બિરાજશે. જે સમય દરમિયાન દર્શન બંધ રહેશે. જે બાદ 9 થી 1 દરમિયાન દર્શન ખુલ્લા રહેશે. 1 થી 1-30 દરમિયાન ઠાકોરજી બંધ બારણે રાજભોગ અને મહાભોગ આરોગવા બિરાજશે. બપોરે 1-30 વાગ્યે મહાભોગ આરતી થઈ 2-30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ ઠાકોરજી પોઢી જશે. બપોરે 3-45 વાગ્યે નિજમંદિર ખુલી 4 વાગ્યે ઉત્થાપન આરતી થશે. જે બાદ નિત્યક્રમાનુસાર સેવા-પુજા થઈ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે.