Gujarat

ભારે વરસાદના લીધે સમગ્ર ગુજરાત જળબંબાકાર, 3000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં (Gujarat) મેઘમહેર થઈ છે ત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદે (Rain) તાંડવ મચાવ્યું છે. અમદાવાદ સહિત નવસારી, વલસાડ, બોડેલીમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આ શહેરોના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં પણ રવિવારે ખાબકેલા વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના પગલે સોસાયટીઓ અને મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમજ નીચાણવાળી સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ડુબી ગયા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 17 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત વલસાડ, નવસારી જિલ્લામાં ઉપરવાસ વરસાદના કરાણે નદી, નાળા છલકાઈ ગયા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતા. ત્યારે નસવાડી તાલુકાના 12 જેટલા ગામો સંપર્ક વિહોણા બનયા હતાં. નસવાડી તાલુકાના 12 ગામ અને કવાંટના બે રસ્તાઓ બંધ કરાયા હતાં. સંખેડા તાલુકામા આવેલી ઉચ્છ નદીમાં ઉપવાસ વરસાદનું પાણી આવતા નદી બંને કાંઠે વહેતી બની છે. જોકે એસડીઆરએફની ટીમ દ્વારા મોડીરાત સુધી વિસ્તારના લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યુ હતું.

દક્ષિણ ગુજરાતના નવસારી ,વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી ગાડીતૂર બની હતી. ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડતાં નવસારી જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓમાં પુર આવ્યા હતા. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું હતું. તેમજ નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી અને ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર આહવા અને વઘઇમાં તો 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા તેની અસર રવિવારે નવસારી જિલ્લામાં જોવા મળી હતી. તો બીજી તરફ ડેમમાંથી સતત પાણી છોડવાના કારણે વાપી, દમણ અને સેલવાસ દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાય છે.

Most Popular

To Top