અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે ‘‘લોકશાહી લોકો દ્વારા, લોકો માટે ચાલતી લોકોની સરકાર છે.’’મહારાષ્ટ્રમાં જે રીતે મહાવિકાસ અઘાડી સરકારનું પતન થયું અને ભાજપના મોરચાની સરકાર આવી તેના પરથી સાબિત થઈ ગયું છે કે ‘‘ભારતની લોકશાહી રાજકારણીઓ દ્વારા, રાજકારણીઓ માટે ચાલતી રાજકારણીઓની સરકાર છે. તેમાં લોકોને કોઈ સ્થાન નથી’’પક્ષપલટો કરનારા ૩૯ બળવાખોર વિધાનસભ્યો શિવસેનાની ટિકિટ પર, શિવસેનાના ચૂંટણી પ્રતીકનો ઉપયોગ કરીને ચૂંટાયા હતા. જનતાએ તેમને મત આપ્યો હતો તે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને જોઈને આપ્યો હતો. હવે મતદારોનો મત જાણ્યા વિના તેમણે શિવસેના સામે બગાવત કરી છે.
આ ૩૯ વિધાનસભ્યો કાલે ભાજપમાં જોડાઈ જશે તો પણ તેમણે ફરીથી ચૂંટણી લડવાની કે મતદારોનો સામનો કરવાની જરૂર નહીં પડે. પક્ષાંતરવિરોધી ધારામાં જાણી જોઈને છટકબારીઓ રાખવામાં આવી છે, જેનો લાભ લઈને સરકારને ઉથલાવી શકાય. આ પક્ષપલટો કરનારા વિધાનસભ્યોના આધારે જ મહારાષ્ટ્રમાં નવી સરકારનું ગઠન કરવામાં આવશે. પહેલી વાત એ કે ૨૦૧૯ માં વિધાનસભાની ચૂંટણીઓ પછી મહાવિકાસ અઘાડીની સરકાર અસ્તિત્વમાં આવી તે પણ કોઈ તંદુરસ્ત લોકશાહી પ્રક્રિયાનો પરિપાક નહોતો. ૨૦૧૯ ની ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે મળીને હિન્દુત્વના મુદ્દા પર લડ્યા હતા.
જે વિસ્તારમાં ભાજપના ઉમેદવારો નહોતા ઊભા રહ્યા ત્યાંના ભાજપના મતદારોએ શિવસેનાને મત આપ્યા હતા, કારણ કે ભાજપનું અને શિવસેનાનું ગઠબંધન હતું. ચૂંટણીમાં જેમ ભાજપ-શિવસેનાની યુતિ હતી તેમ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની પણ યુતિ હતી. જે મતદારોને ભાજપ-શિવસેનાની સરકાર નહોતી જોઈતી તેમણે કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવારોને મત આપ્યા હતા. ચૂંટણી પછી શિવસેના ખુરશી મેળવવા માટે ભાજપનો સાથ છોડી કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે જોડાઈ ગઈ હતી.
આ કારણે જે મતદારોએ ભાજપના સાથીદાર સમજીને શિવસેનાના ઉમેદવારને મતો આપ્યા હતા, તેઓ છેતરાયા હતા. તેમણે જે શિવસેનાના ઉમેદવારને ચૂંટીને મોકલ્યો હતો તે કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસના ખોળામાં બેસી ગયો હતો. ભાજપ-શિવસેનાને મતો આપનારા મતદારો મહારાષ્ટ્રમાં હિન્દુત્વમાં માનનારી સરકાર ચાહતા હતા. તેમને પૂછ્યા વગર શિવસેનાએ હિન્દુત્વનો વિરોધ કરનારી સરકાર સ્થાપી દીધી હતી. સત્તાની ખુરશી મેળવવા માટે શિવસેનાને પોતાનો હિન્દુત્વનો એજન્ડા પડતો મૂકવાની ફરજ પડી હતી. તે સેક્યુલર બની ગઈ હતી. આ રીતે શિવસેનાને મતો આપનારા છેતરાયા હતા. જે મતદારોએ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવારોને મત આપ્યા હતા, તેઓ પણ છેતરાયા હતા, કારણ કે તેઓ સેક્યુલર સરકાર ચાહતા હતા. તેને બદલે તેમના માથે શિવસેના મારવામાં આવી હતી, જે હિન્દુત્વની માન્યતા ધરાવે છે.
મહાવિકાસ અઘાડીની સરકાર અઢી વર્ષ ટકી રહી તેની પાછળ પણ તકવાદી રાજકારણ ભાગ ભજવી ગયું હતું. આ સરકાર મરાઠા નેતા શરદ પવારના રિમોટ કન્ટ્રોલ હેઠળ કામ કરતી હતી. જ્યારે જ્યારે મુસ્લિમોનો પક્ષ લેવાની વાત આવી ત્યારે શિવસેનાએ પોતાનો હિન્દુત્વનો કોર એજન્ડા તડકે મૂકીને મુસ્લિમોની તરફેણ કરી હતી. તેને કારણે શિવસેનાના મતદારો નારાજ થયા હતા. વળી ઘણા મતદાર સંઘો એવા હતા કે જેમાં શિવસેના કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સામે ચૂંટણી લડી હતી. આ મતદાર સંઘોમાં હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. તેના મતદારો હવે સવાલ કરી રહ્યા છે કે તમે કોની સાથે છો અને કોની સામે છો? તેમને જવાબ આપવામાં નેતાઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. હવે તે મુશ્કેલીનો તો અંત આવી જશે.
રાજ્યોમાં સરકારને ઉથલાવી પાડવા માટે જે રિસોર્ટનું રાજકારણ ખેલવામાં આવે છે તે પણ લોકશાહી પદ્ધતિની મજાક છે. પ્રજાના પ્રતિનિધિઓ નાના બાળક જેવા છે કે તેમનું અપહરણ કરીને તેમને બીજા રાજ્યના ફાઇવ સ્ટાર રિસોર્ટમાં ગોંધી રાખવા પડે? શું મતદારો દ્વારા એવા નેતાને ચૂંટવામાં આવ્યા છે કે જેમને પોતાની જાત પર પણ વિશ્વાસ ન હોય? શું આ પ્રતિનિધિઓને જરાક પણ આત્મસન્માન નથી કે તેઓ ઘેટાંબકરાંની જેમ બસમાં પૂરાઈને બીજા રાજ્યમાં જવા તૈયાર થઈ જાય? શું રાજકીય પક્ષો વિધાનસભ્યો પર એટલો પણ વિશ્વાસ મૂકી શકે તેમ નથી કે તેમને મુક્ત રીતે હરફર કરવા દેવાય? શું આવા તકલાદી નેતાઓ પ્રજાનું પ્રતિનિધિત્વ કરી શકે? જે નેતાઓ પોતાના પક્ષને પણ વફાદાર નથી તેઓ પોતાના મતદારોને કેવી રીતે વફાદાર રહી શકે?
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકારનું પતન થઈ ગયું તે પહેલાં સુપ્રિમ કોર્ટમાં જે ડ્રામા ભજવાઈ ગયો તેમાં પણ તંદુરસ્ત લોકશાહીની ધરપત આવતી નથી. વિધાનસભામાં બળાબળની કસોટી થાય તે પહેલાં જ નાયબ અધ્યક્ષે શિવસેનાના ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા નોટિસ આપી હતી. તેની સામે ૧૬ વિધાનસભ્યો સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. સુપ્રિમ કોર્ટે તેની સામે તાત્કાલિક મનાઇહુકમ આપીને કેસની સુનાવણી ૧૧ જુલાઈ પર મુલતવી રાખી હતી. આ બાજુ ગવર્નર દ્વારા તા. ૩૦ ના ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપવામાં આવ્યો હતો.
તેની સામે શિવસેનાના નેતાઓ સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. હવે સવાલ એ ઉપસ્થિત થયો હતો કે જે ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે, તેઓ ગેરલાયક ઠરે તો શું થાય? જો તેમણે મતદાન કર્યું હોય અને તેમના મતથી સરકારનું પતન થયું હોય, બીજી સરકાર આવી હોય, તેનું ભવિષ્ય શું? તેનો ઉપાય એ હતો કે તા. ૧૧ જુલાઈ સુધી વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવાના કેસની રાહ જોવાની જરૂર હતી. વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવાની કાર્યવાહી પર તત્કાલ મનાઈહુકમ આપનારી સુપ્રિમ કોર્ટે ફ્લોર ટેસ્ટ માટે તત્કાળ લીલી ઝંડી આપી હતી. હવે જો સુપ્રિમ કોર્ટ તે વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવે તો તેમના ટેકાથી ચૂંટાયેલી સરકારનું શું થાય?
મહારાષ્ટ્રમાં જે રાજકીય નાટક ભજવાઈ ગયું તે પરથી સાબિત થાય છે કે આપણા દેશમાં લોકશાહી નથી ચાલતી, પણ પક્ષશાહી ચાલે છે. ખરી સત્તા લોકોના કે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં નથી હોતી પણ પક્ષના નેતાઓના હાથમાં હોય છે. આપણા સંસદસભ્યો અને વિધાનસભ્યો પ્રજાના પ્રતિનિધિ બનીને મત નથી આપી શકતા પણ તેમણે પક્ષના ગુલામ બનીને રહેવું પડતું હોય છે. હવે તો તેઓ પક્ષના પ્રતિનિધિ પણ નથી રહ્યા. તેઓ હવે પૈસાના ગુલામ બની ગયા છે. કોઈ પણ રાજકીય પક્ષ તેમને અઢળક રૂપિયાની લાલચ આપીને તેમની વફાદારી ખરીદી શકે છે.
ભાજપે તો શિવસેનાના ઉમેદવારોને ખરીદવા માટે પ્રલોભન ઉપરાંત ભયના હથિયારનો પણ ઉપયોગ કર્યો હતો. મહાવિકાસ અઘાડીના જે સભ્યો ભાજપને ટેકો આપવા તૈયાર નહોતા થતા તેમની સામે ઇડી, આઈટી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો છૂટથી ઉપયોગ કર્યો હતો. વિધાનસભ્યો પણ ભ્રષ્ટ હોવાથી ભયભીત થઈને સરન્ડર થઈ ગયા હતા. આવા ભ્રષ્ટ અને ભયભીત વિધાનસભ્યોના ટેકાથી ભાજપ હવે સરકાર બનાવશે. ભ્રષ્ટ વિધાનસભ્યો સામેના કેસો પાછા ખેંચી લેવામાં આવશે. મતદારોના નસીબમાં આ તમાશો જોવાનું જ લખાયું છે.
-આ લેખમાં પ્રગટ થયેલ વિચારો લેખકના પોતાને છે.