Madhya Gujarat

સવા સો મીટર લાંબા રસ્તાનું કામ સવા મહિને પણ અધૂરું

નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર છેલ્લાં સવા મહિનાથી આર.સી.સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગોકળગાયની ગતિએ ચાલતી આ કામગીરીને પગલે નગરજનો ઉપરાંત મંદિરમાં દર્શનાર્થે આવતાં લાખો શ્રધ્ધાળુઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તાની ચાલતી કામગીરીને પગલે સતત ચોથા રવિવારે હજારો શ્રધ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરની બહાર આવેલ મુખ્ય માર્ગના નવિનીકરણ માટે ગત તા.19-5-22 ના રોજ ખાતમૂહ્રર્ત કરી, કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, માર્ગ નવિનીકરણની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે પાણીની લાઈન તેમજ ગટરની લાઈનોમાં ભંગાણ સર્જાયાં હતાં.

જેને પગલે ખોદાયેલાં માર્ગ પર કાદવ-કિચડનું સામ્રાજ્ય સર્જાયું હતું. શ્રધ્ધાળુઓ ખુલ્લી ગટરમાં ખાબક્યાં હતાં, તો કેટલાક કાદવ-કિચડમાં લપસ્યાં હતાં. જેને પગલે યાત્રાધામની છબિ ખરડાઈ હતી. આ મામલે મંદિર મેનેજમેન્ટ દ્વારા પાલિકાતંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી રસ્તાની કામગીરી વહેલીતકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમછતાં પાલિકાના નઘરોળ તંત્રએ કામ ઝડપથી પૂર્ણ કરવાની તસ્દી લીધી ન હતી. જેને પગલે દર્શનાર્થે આવેલાં હજારો શ્રધ્ધાળુઓને રસ્તાની ચાલતી કામગીરીને પગલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ સવા સો મીટર જેટલો રસ્તો બનાવવાની કામગીરી સવા મહિના બાદ પણ અધૂરી જોવા મળી રહી છે. દરમિયાન 26 જુનને રવિવારના રોજ દર્શનાર્થે એક લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં હતાં. ત્યારે રોડ બનાવવાની અધૂરી કામગીરીને પગલે શ્રધ્ધાળુઓને સતત ચોથા રવિવારે પણ મુશ્કેલી વેઠવી પડી હતી. જેથી શ્રદ્ધાળુઓમાં નારાજગી જન્મી હતી.

આડેધડ પાર્કિંગ અને લારીઓવાળાના અડીંગાથી રસ્તો બ્લોક થયો
ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિર બહાર હાલ માર્ગ નવિનીકરણની કામગીરી ચાલી રહી છે. જેને પગલે રવિવારના રોજ ટાવરથી કોટના દરવાજા તરફનો માર્ગ પર અવરજવર પર રોક લગાવવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ હોળીચકલા પાસે રસ્તાં વચ્ચે આડેધડ પાર્કિંગ ઉપરાંત ફેરીયાઓ અને લારીઓવાળાના અડીંગાને પગલે આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેને પગલે મંદિરમાં દર્શન કરી બહાર નીકળતાં શ્રધ્ધાળુઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી. તેમછતાં ટ્રાફિક પોલીસે રસ્તો ખુલ્લો કરવાની તસ્દી લીધી ન હતી.

Most Popular

To Top