આણંદ : આણંદ શહેરમાં બુધવારની મોડી રાત્રે પડેલા ધમાકેદાર 4 ઇંચ વરસાદના પગલે વ્હેલી સવાર પડતાં ઠેર ઠેર ભુવા અને પાણી ભરાવાની સમસ્યાની પોલ ખુલી પડી ગઈ હતી. પાલિકાના વિકાસ કામોમાં પુરાણના થયેલા ભ્રષ્ટાચારના કારણે અનેક વાહનો ભૂવામાં ફસાઇ ગયાં હતાં. આણંદ શહેર સહિત જિલ્લામાં બુધવારની મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સવારથી વાદળોની અવર જવર વચ્ચે મોડી રાત્રે અચાનક તેજ પવન ફુંકાવા લાગ્યો હતો અને મિનિટોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
તેમાંય આણંદ શહેરમાં માત્ર ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતાં ઠેર ઠેર ભૂવા પડવાનું શરૂ થઇ ગયું હતું. વ્હેલી સવાર થતાં સુધીમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયાં હતાં. આ ઉપરાંત અમૂલ ડેરી રોડ, નવા બસ સ્ટેન્ડ, વિદ્યાનગર રોડ સહિત વિસ્તારમાં હાલમાં પુરા થયેલા વિકાસ કામોમાં યોગ્ય રીતે પૂરાણ ન કરાતા ભૂવા પડવા લાગ્યાં હતાં અને તેમાં ધડાધડ વાહનો ફસાઇ રહ્યાં હતાં. જોકે, પાલિકાએ તેમની બેદરકારી ઢાંકવા માટે માટી પુરાણ શરૂ કરી દીધું હતું. શહેરમાં ઇસ્માઇલનગર, અમુલ ડેરી રોડ, તુલસી ગરનાળા, ઓમકારેશ્વર મંિદર, નાની ખોડીયાર નજીકના વિસ્તારના રહિશોને હાલાકી ભોગવવી પડી હતી.