સ્વાદના રસિયા સુરતીલાલાઓનો જોટો ક્યાંય જોવા નહીં મળે. જીવવા માટે નહીં પણ ખાવા માટે જીવતા સુરતીલાલાઓની એક આગવી પહેચાન છે. દીકરી, જમાઈ, બેન, બનેવી, ફોઈ, ફુઆ સાથે સંયુક્ત કુટુંબમાં રંગેચંગે ઉજવાતો કેરીગાળો હવે નામશેષ થઈને ભૂતકાળ બની ગયો છે. પરંપરાથી ચાલી આવેલી જૂની પેઢીની આ પ્રથા હવે નાબૂદ થવાના આરે છે. નવી પેઢીના આજના નવયુવાનોને કેરીગાળામાં રસ રહ્યો નથી. સમય પરિવર્તન સાથે એ જૂનો જાણીતો કેરીગાળો હવે હોટેલગાળો બની ગયો છે. તાજેતરમાં એક મિત્ર સાથે ફોન પર વાત થઈ.
સામે છેડેથી મિત્રએ ખુશ થઈને કહ્યું કે અમે અમારા પરિવાર સાથે કેરીગાળો હોટેલમાં જઈને ઉજવી આવ્યા. કેરીની મીઠાશમાં આજની પેઢીને મજા આવતી નથી. એના બદલે તેઓ ટેસ્ટી ખાવાનું પસંદ કરે છે. “ 3000ના બીલમાં વહુ, દીકરા, દીકરી, જમાઈ સાથે ઘરના બાળગોપાલને હોટેલમાં ઓછી લાઈટના ઝાંખા પ્રકાશમાં જમવાની બહુ મજા પડી ગઈ. વર્ષોથી આ શિરસ્તો હવે લગભગ દરેક પરિવારમાં પડી ગયો છે.
અમે પતિ – પત્ની પણ રાજી છીએ. ઘર આંગણે સખત મહેનત કરવાથી મહિલાઓ પાસે મજૂરી કરાવવાથી નવી પેઢી દૂર રહેવામાં શાણપણ સમજે છે. અમે અમારુ મનપસંદ ભોજન લઈને છેલ્લે આઈસ્કીમ, ઠંડાપીણા લઈને બહાર હરીફરીને મોજ – મજા કરીને મોડી રાત્રે ઘરે ભેગા થઈ ગયા. છેલ્લા કેટલાંક વર્ષોથી આ 21મી સદીમાં આ મનભવન પ્રથા મનપસંદ પ્રથા બની ગઈ છે. દરેક પરિવાર હવે એવું ઈચ્છે કે બહુ થયું. ઘરની મહિલા પણ આખરે એક ઈન્સાન છે. એની ઈચ્છા પણ આપણે સમજવી જોઈએ. આ રીતે એ લોકોને પણ એક અલગ પ્રકારનો અનેરો આનંદ આવે છે.
એનાથી તેઓ ખુશ રહે છે. એનાથી પરિવારના સભ્યોએ પણ ખુશ રહેવું જોઈએ. એમાં કાઈ ખોટું નથી. નવી અને જુની પેઢીની દરેક ઉંમરની મહિલા હવે જમાનાની સાથે ચાલે છે. સાડીની પ્રથા ધીમે ધીમે બંધ થઈ ગઈ છે. હોસે – હોસે મનપસંદ ડ્રેસ પહેરીને બની – ઠનીને પરિવાર સાથે બહાર નીકળવાનું પસંદ કરે છે. ઘરના વડીલો પણ રાજી રહે છે. ખુશ રહે છે. કેરી પકવવાને બદલે તૈયાર કેરીની પેટી લાવી બધા ભેગા મળી એકવાર એ રીતે કેરીની મજા લૂંટે છે. નવી પેઢી પૈસા કમાઈને વાપરી જાણે છે.
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.