SURAT

સુરતમાં યુવક ધારદાર છરો લઈ પોલીસ કોન્સ્ટેબલ પાછળ દોડ્યો..

સુરત: (Surat) સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના લિંબાયત વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) પર ગુંડા તત્વોએ ધારદાર હથિયારથી હુમલો (Attack) કર્યો છે. આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ વાયરલ થયા છે. જોકે, બાદમાં લિંબાયત પોલીસે બે હુમલાખોરોની ધરપકડ (Arrest) કરી લીધી છે.

  • લિંબાયતના નીલગીરી સર્કલ પાસે બનેલી ઘટના
  • પોલીસ કોન્સ્ટેબલ ભાવિન સોલંકી પર ગુંડાતત્વોનો હુમલો
  • કોન્સ્ટેબલને પીઠના ભાગે છરો મારી બે યુવકો ભાગી ગયા
  • ઝઘડો નહીં કરવા અને ઘરે જતા રહેવા પોલીસ કોન્સ્ટેબલે કહેતા ઉશ્કેરાયા હતા
  • લિંબાયત પોલીસે બે યુવકોની ધરપકડ કરી

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે લિંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાવિન પરસોત્તમ સોલંકી ગઈ તા. 11મી જૂનના રોજ પોતાની બાઈક પર નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે લિંબાયતના નીલગીરી સર્કલ પાસે કેટલાંક યુવાનો એકબીજા સાથે ઝઘડો કરી રહ્યાં તાં. તેથી ભાવિન સોલંકી ત્યાં જઈને યુવાનોને ઝઘડો નહીં કરવા અને ઘરે જતા રહેવા માટે ખિજવાયા હતા. ત્યારે ઝઘડા કરનારાઓ પૈકી એક યુવક પીઠના ભાગે પેન્ટમાં મુકેલું ધારદાર હથિયાર કાઢીને પોલીસ કોન્સ્ટેબલ ભાવિન સોલંકીને મારવા ઉગામે છે. જોકે, ભાવિન સોલંકી યુવાનની મેલીમુરાદને પારખી જતા પોતાની બાઈક ત્યાં જ મુકીને ભાગી જાય છે, ત્યારે યુવક અટકવાના બદલે હથિયાર લઈ પોલીસ કોન્સ્ટેબલ પાછળ દોડે છે. આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.

બાદમાં ભાવિન સોલંકીના ફરિયાદના પગલે લિંબાયત પોલીસે આ કેસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ કોળી 11 જૂનની રાત્રે નીલગીરી સર્કલ પાસે ઊંચા અવાજે ઝઘડો કરી રહ્યાં હતાં, ત્યારે ભાવિન સોલંકીએ તે બંનેને ઝઘડો નહીં કરવા અને ઘરે જતા રહેવા કહ્યું હતું, જેથી ગણેશ ઉર્ફે છોટુ ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલા છરા વડે કોન્સ્ટેબલના પીઠના ભાગે હુમલો કરી ઈજા કરી ભાગી ગયો હતો. આ કેસમાં લિંબાયત પોલીસે ગણેશ છોટુ અને દીપક હીરામણ સામે ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર મોડી રાત સુધી ચાલતી ચાની કીટલી પર કેટલાંક ઈસમો ઝઘડો કરતો હોવાનો મેસેજ મળ્યા બાદ કોન્સ્ટેબલ ભાવિન સોલંકી ત્યાં ગયા હતા.

Most Popular

To Top