નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ અદાલતે કાશ્મીરી અલગતાવાદી નેતા(Separatist leader) યાસીન મલિક(Yasin Malik)ને દોષિત(Guilty) જાહેર કર્યો છે. આ મામલો કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓને ફંડિંગ સાથે જોડાયેલો છે. કોર્ટે મલિક પાસેથી તેની આર્થિક સ્થિતિનો હિસાબ પણ માંગ્યો છે અને એનઆઈએ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે. સજા પર ચર્ચા આગામી સુનાવણી 25 મેના રોજ થશે. મલિક પર ગુનાહિત ષડયંત્ર, દેશ વિરુદ્ધ યુદ્ધ, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો આરોપ હતો. આ કેસમાં મલિકે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે યાસીન મલિકે કબૂલ્યું છે કે તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો, તેણે ગુનાહિત કાવતરું પણ ઘડ્યું હતું અને તેના પર રાજદ્રોહની કલમ પણ સાચી છે. તેણે યાસીન પર UAPA હેઠળ લાદવામાં આવેલી કલમોને પણ સ્વીકારી હતી.
યાસીન મલિકનું કોર્ટમાં નિવેદન
યાસીન મલિકે કોર્ટને જણાવ્યું હતું કે તે કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું), અને 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનનો સભ્ય હોવા) માટે દોષિત છે. UAPA અને ભારતીય દંડ સંહિતા કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા માંગતો નથી.
યાસીન મલિકને આજીવન કેદ થઈ શકે છે
યાસીન વિરૂદ્ધ જે કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે, તેવા કેસમાં તેને આજીવન કેદની મહત્તમ સજા થઈ શકે છે. યાસીન મલિક કાશ્મીરના રાજકારણમાં સક્રિય છે. યુવાનોને ઉશ્કેરવામાં તેનો મહત્વનો હાથ માનવામાં આવે છે. યાસીન મલિક જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે સંકળાયેલો છે. 2019 માં, કેન્દ્ર સરકારે JKLF પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ તે તિહાર જેલમાં બંધ છે. યાસીન મલિક પર 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યા કરવાનો આરોપ છે, જે તેણે કબૂલ્યું હતું. તેના પર મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદનું અપહરણ કરવાનો આરોપ છે. મલિક પર 2017માં કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી ગતિવિધિઓને અંજામ આપવા જેવા તમામ પ્રકારના ગંભીર આરોપો છે.લાઈવ ટીવી
આ નેતાઓ પર પણ સકંજો કસાયો
10 મેના રોજ છેલ્લી સુનાવણીમાં કોર્ટે ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહેમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહેમદ ભટ, ઝહૂર અહેમદ શાહ વતાલી, શબ્બીર અહેમદ શાહ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર સહિતના અન્ય કાશ્મીરી અલગતાવાદી નેતાઓ સામે ઔપચારિક રીતે આરોપો ઘડવામાં આવ્યા હતા. લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમને આ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.