આણંદ : ઉમરેઠ પંથકના ખાનકુવા, દાગજીપુરા, શીલી સહિતના ગામોમાં અવકાશનમાંથી પડેલા ગોળાને લઇ ભારે કુતૂહલ વ્યાપ્યું છે. જોકે, બે દિવસથી ચર્ચાના ચગડેલે ચડેલા આ પદાર્થ અહીં કેવી રીતે ખાબક્યો તે અંગે કોઇ કડી મળતી નથી. પરંતુ હાલ વહીવટી તંત્ર દ્વારા આ પદાર્થને લઇ અવકાશી સંશોધન કરતી સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને પદાર્થને લઇ કોઇએ ગભરાવવાની જરૂર નથી અને આ બાબતે કોઇ ખોટી ચર્ચા ન કરવા આણંદ કલેક્ટરે અપીલ કરી છે.
આણંદ કલેક્ટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે, ખાનકુવા અને દાગજીપુરા ગામે 12મીએ અવકાશી પદાર્થ પડ્યો હતો. અંદાજે 5થી 6 કિલોના ગોળા જેવો ભાગ ખેતરમાં પડ્યો હતો. આ ગોળો પડવાથી કોઇ જાનહાની કે નુકશાન થયું નથી. આથી ગભરાવવાની જરૂર નથી. આમ છતાં પંચકામ કરી એફએસએલને ખાત્રી કરવા જણાવ્યું હતું. પીઆરએલ, ઇસરોનો સંપર્ક કરી આ પદાર્થ કયા પ્રકારનો છે ? સેટેલાઇટનો કોઇ ભાગ છે કે રોકેટનો કોઇ ભાગ છે ? તે વિશેષ જાણકારી તજ્ઞન પાસેથી મેળવી પ્રજાને આપીશું. પરંતુ હાલ તેના કારણે કોઇ નુકશાન થયું નથી. તેથી, જાહેર જનતાને અપીલ છે કે ગભરાવવાની જરૂર નથી અને ખોટી ચર્ચા કરવાની જરૂર નથી.
નડિયાદના ભૂમેલ ગામે પણ ગોળો પડ્યો
નડિયાદ તાલુકાના ભૂમેલ ગામે આવેલી પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં મોડી રાત્રે બે – અઢી વાગ્યાની આસપાસ ગોળો પડ્યો હતો. ગોળો પડવાથી થયેલા ધડાકાથી આસપાસના લોકો પણ થોડા સમય માટે ગભરાઇ ગયાં હતાં. આ ઉપરાંત પોલ્ટ્રી ફાર્મમાં સુઇ રહેલા મહેન્દ્રભાઈ પણ ભરઉંઘમાંથી જાગી ગયાં હતાં. તેમણે બહાર આવી જોયું તો ગોળામાંથી ધુમાડો નિકળતો હતો. આ અંગે વ્હેલી સવારે તેમણે સરપંચને જાણ કરી હતી. બીજી તરફ ચકલાસી પોલીસે પણ આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.