જ્યારે કોઇ મોટી ફિલ્મ સાથે નાના બજેટ, ઓછા જાણીતા કળાકારો સાથેની ફિલ્મ રજૂ થાય તો પ્રેક્ષકોની નજર તેની પર નથી પડતી. પણ કયારેક એવું બને છે કે નાની ધારેલી ફિલ્મ મોટી નીકળે અને મોટી ધારેલી ફિલ્મ નાની. દરેક નાની ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ને કળાકારો એવું ઇચ્છતા હોય કે તેમની ફિલ્મ મોટી પૂરવાર થાય. ‘મસાન’ ફિલ્મ અને વિકી કૌશલ મોટા પૂરવાર થયેલા યા ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ મોટી પૂરવાર થિ તો એવું બીજી ફિલ્મો સાથે ય બની શકે. આ ‘જો’ અને ‘તો’ ફિલ્મ રજૂ થવા પહેલાંનો ઉત્તેજક પડાવ હોય છે. એ પડાવ અત્યારે ‘મેરે દેશ કી ધરતી’ના કળાકારો પણ અનુભવી રહ્યા છે. અનંત વિધાંત એક એવો જ અભિનેતા છે. ‘મર્દાની’, ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’માં અભિનય કરી ચુકેલા અનંતે ‘ગુંડે’થી શરૂઆત કરેલી. સલમાન સાથે ‘સુલતાન’ અને ‘ભારત’, ‘ટાઇગર ઝિંદા હે’ જેવી ત્રણ ફિલ્મો કર્યા પછી લોકોની નજર તેના પર છે. તે તો ‘ટાઇમર-3’માં પણ આવી રહ્યો છે અને ‘પતિ પત્ની ઔર વો’ અને ‘માઇ’ જેવી ટી.વી. શ્રેણીનો પણ મહત્વનો હિસ્સો રહ્યો છે. અત્યારે પણ ‘ફેશન સ્ટ્રીટ’ નામની વેબ સિરીઝમાં તે સંજય કપૂર, મિનીષા લાંભા સાથે મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે અને એટલે જ તે ‘મેરે દેશ કી ધરતી’ બાબતે ઉત્સાહી છે.
ગ્વાલિયર, મધ્યપ્રદેશના અનંતે સતીશ કૌશિકના સહાયક દિગ્દર્શક તરીકે શરૂઆત કરેલી પણ અલી અબ્બાસ ઝફરે તેને ‘ગુંડે’માં ભૂમિકા આપી પછી અભિનય જ અપનાવી લીધો. દિલ્હીમાં મોટા થયેલા અનંતને ‘સુલતાન’માં સલમાનના મિત્ર ગોવિંદની ભૂમિકા મળી અને લાઇફ ઓન થઇ ગઇ. હવે ‘મેરે દેશ કી ધરતી’માં તે અને દિવ્યેન્દુ શર્મા ખેડૂતોને મદદ કરનાર એંજિનીયરની ભૂમિકા ભજવે છે. અનંતને પહેલીવાર મુખ્ય ભૂમિકા મળી છે. ફરાઝ હૈદર દિગ્દર્શીત આ ફિલ્મ જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી ત્યારે શ્રેષ્ઠ ફિલ્મના બીજા ક્રમે આવી હતી. ખેડૂતોની સમસ્યા પર ફિલ્મ બનાવો તો મનોરંજક નહીં બને એ ધારણા હવે તૂટી રહી છે. આ ફિલ્મ મધ્યપ્રદેશના ભોપાલમાં ફિલ્માવવામાં આવી છે. •