સ્વર્ગ એટલે દરેક પ્રકારનું સુખ! નરક એટલે દરેક પ્રકારનું દુ:ખ. સ્વર્ગ અને નર્ક તો માત્ર કલ્પના જ છે! સારાં કર્મો કરો, બધા સાથે સમ્યક્ રીતે રહો, કુટુંબમાં મોટાને માન આપો, નાનાને પ્રેમ કરો, તેનાથી ઉલ્ટું કરો એટલે નરકનો અનુભવ થાય છે. રામ, કૃષ્ણ, વિષ્ણુ, લક્ષ્મી અને જેની દેવતામાં ગણના થાય છે તે બધા સ્વર્ગમાં જીવ્યા હતા. બધું પ્રતીકાત્મક છે. આજે મનુષ્ય બધા દેવતાઓને ભગવાન સ્વરૂપે પૂજે છે તે પણ પોતાના સ્વાર્થ માટે. ભગવાન એટલે ભગ+વાન- ભગ એટલે કલ્યાણકારી બુદ્ધિ અને તે જે ધરાવે છે તે ભગવાન! ચાર્જીંગ પોઇન્ટમાં હેતા ભૂષણ મનુષ્યની ભગવાન પ્રત્યેની અંધશ્રધ્ધાનો ખૂબ જ સુંદર નમૂનો આપે છે. પ્રત્યેક માનવીએ ગ્રહણ કરવા જેવો છે.
કોલમમાં ભગવાનની આંખમાં આંસુ બતાવે છે. બહાર ભકતોની મસમોટી લાઇન બતાવે છે. દરેક મનુષ્ય ભેટ રૂપે કાંઇક ને કાંઇક લઇને લાઇનમાં ઊભો હોય છે ત્યારે લક્ષ્મીજી ભગવાનને પૂછે છે કે આ બધા હકડેઠઠ મનુષ્યો તમને ભેટ લઇને આવ્યા છે ને તમારી આંખમાં આંસુ! ત્યારે ભગવાન કહે છે કે એ બધા મને પ્રેમ કરવા નથી આવ્યાં. બધા પોતાના સ્વાર્થવશ મારી પાસે માંગવા આવ્યા છે. ભેટ સોગાદના પ્રમાણમાં અનેક ગણું પોતાના સ્વાર્થનું માંગવા આવ્યા છે. અન્નકૂટ અને ફળોના હાર વગેરે બધું પોતાના સ્વાર્થવશ એકબીજાથી ચડિયાતા બતાવવા કરે છે. એનાથી મને દુ:ખ થાય છે એટલે આંસુ છે અને આ વાત ભગવાનની એકદમ સાચી છે.
ભગવાનને ભેટ સોગાદ વગર નિ:સ્વાર્થ પ્રેમ કરવાના પણ ભારતમાં અનેક દાખલા છે. સુદામા, મીરાંબાઇ, સૂરદાસ, કબીર વગેરે અનેક દાખલા મળે છે. જેણે એકદમ નિ:સ્વાર્થ કોઇ જાતના પોતાના પંથ બનાવ્યા વગર ભગવાનને પ્રેમ કર્યો છે. મનુષ્યે તો અભિમાનવશ એકબીજાથી ચડિયાતા બતાવવા જુદા જુદા પંથો, આશ્રમો, દેવાલયો વગેરે બનાવ્યા છે. એ બધા સંતો મહાત્માઓએ નથી બનાવ્યા પરંતુ જેણે એને માન્યતા આપી પંથો અને વાડાઓ ચલાવ્યા છે તે બધા પણ ઇશ્વરના સાચા ભકતો નથી. ભગવાન ઇશ્વર તો એક જ છે પછી તેની વાડાબંધી કે તેના પંથો શા માટે હોઈ શકે! શ્રધ્ધાનો અર્થ છે સદ્+ધા, સદ્-કલ્યાણકારી વસ્તુઓને જે ધારણ કરે છે અને ઇશ્વરને ભજે છે તે સાચો ભકત. બાકી બધા અંધશ્રધ્ધાળુમાં ખપે છે! ચાલો આપણે પણ ઇશ્વરને હસતા જોવાનો પ્રયત્ન કરીએ!
પોંડીચેરી – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.