નડિયાદ: ખેડા તાલુકાના કલોલી ગામમાં પરવાનગી વગર ચાલતા ઈંટોના ભઠ્ઠાને લઇને વિવાદ ઉભો થયો છે. ગામમાં ૭૦ થી વધુ ગેરકાયદેસર ભઠ્ઠા ધમધમતા હોવાછતાં માત્ર ૧૮ ભઠ્ઠા સંચાલકોને નોટિસ આપીને તંત્રએ કાગળ પર કામગીરી બતાવી દીધી હોય તેવું જણાઇ આવે છે. ગામમાં ખરાબાની જમીન પર કબ્જો જમાવવાની સાથે સાથે ખેડૂતોની જમીન પર પણ ભઠ્ઠા ધમધમે છે. ત્યારે ખેડૂતો દ્વારા ભાડાની લાલચમાં જમીન ભાડે આપવામાં આવી છે કે પચાવી પાડવામાં આવી છે તેને લઇને પણ અનેક સવાલો ઉભા થયા છે.
ખેડા તાલુકાના કલોલી ગામમાં ફુટી નીકળેલા ઇંટોના ભઠ્ઠા સામે સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે ધમધમતા આ ભઠ્ઠાને કારણે પર્યાવરણને અને લોકોના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થવાની ભિતી છે. તેમછતાં તંત્ર દ્વારા ભઠ્ઠા માલિક સામે કોઇ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી. જેને લઇને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગેરકાયદેસર ભઠ્ઠાઓમાં વપરાતાં ઝેરી કેમિકલને કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઇ જાય છે. ભઠ્ઠાની નજીકથી પસાર થવામાં પણ હાલાકી પડે તેવી સ્થિતીમાં રહેતા લોકોએ આ મામલે સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆતો કર્યા છતાં પરિણામ ન આવતાં અંતે આ મામલે જિલ્લા કક્ષાએ અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
કલેક્ટર દ્વારા મામલાની ગંભીરતાને લઇને તુરંત જ ખેડા મામલતદારને તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, ૭૦ થી વધુ ભઠ્ઠાની તપાસને બદલે ૧૮ ભટ્ટા સંચાલકોને નોટિસ ફટકારીને સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવ્યો હતો. કલોલીમાં ખરાબાની જમીન ઉપર તો ભઠ્ઠા માલિકોએ કબજો જમાવ્યોજ છે પણ સાથે સાથે ખેડૂતોની જમીનમાં પણ ભઠ્ઠા ધમધમતા જોવા મળે છે. ત્યારે પોતાની જમીન ખેડૂતોએ સ્વેચ્છાએ – ભાડાની લાલચમાં ભઠ્ઠા માલિકોને આપી છે કે પછી ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય છે.
કલોલી ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ ધમધમતા ગેરકાયદેસર ભઠ્ઠા
ખેડા તાલુકાના કલોલીમાં ધમધમતા ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠા મામલે વિવાદ સર્જાયો છે. છેલ્લા લાંબા સમયથી સ્થાનિકો ગેરકાયદેસરના ભઠ્ઠાને કારણે હેરાન થતાં હોવાછતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવ્યા ન હતા. સ્થાનિકો દ્વારા પહેલાં તો સ્થાનિક અધિકારીઓને જ આ મામલે રજૂઆત કરાઇ હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતા બાદ સ્થાનિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેને લઇને તંત્રના અધિકારીઓને કલેક્ટરના આદેશને પગલે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ખેડાના કલોલી ઉપરાંત્ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આવા ગેરકાયદેસર ભઠ્ઠા ધમધમે છે. ત્યારે તેમની સામે પણ સ્થાનિક કક્ષાએ અધિકારીઓ દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. આ ઉપરાંત કલોલીના અન્ય ગેરકાયદેસર ભઠ્ઠા સામે પણ કોઇજ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે.