સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં સુરતની કોર્ટે તા. 21મી એપ્રિલના રોજ આરોપી ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કર્યો હતો ત્યાર બાદ આજે તા. 22 એપ્રિલે કોર્ટમાં સજા અંગે બંને પક્ષોની દલીલ શરૂ થઈ છે. સવારે નિર્ધારિત સમયે આરોપી ફેનિલ ગોયાણીને પોલીસ સુરત કોર્ટમાં લઈ આવી હતી. ગઈકાલની જેમ આજે પણ આ કેસમાં દલીલો સાંભળવા માટે મોટી સંખ્યામાં મીડિયા, પોલીસ, કાયદાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો કોર્ટ રૂમમાં હાજર રહ્યાં હતાં. બચાવ પક્ષે આરોપીના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેને ઓછામાં ઓછી સજા કરવાની માંગ કોર્ટ સમક્ષ કરી હતી જ્યારે સામા પક્ષે સરકારી વકીલે દલીલ કરી કે દરેક વાલિયો વાલ્મિકી બની શકતો નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને આયોજનપૂર્વક તેણે મર્ડર કર્યું છે.
સરકાર પક્ષની દલીલો
સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટ સમક્ષ દલીલ કરતા આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, અમારો કેસ માત્ર વિડીયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને તેણે આયોજન પૂર્વક મર્ડર કર્યું છે. આરોપીએ ચપ્પુ ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર કેન્સલ થતા તેણે મોલમાંથી ચપ્પુ ખરીદયું હતું. આરોપીએ મર્ડર પહેલાં રેકી કરી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. બનાવ પહેલાં ક્રિષ્ણા (ફેનિલની માનેલી બહેન) સાથે તેણે ઈન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. જેમા તેણે હત્યાનો પ્લાન જણાવ્યો હતો.
બચાવ પક્ષની દલીલ
આ અગાઉ બચાવ પક્ષ તરફથી દલીલો કરવામાં આવી હતી. આરોપી ફેનિલ ગોયાણીના વકીલે એવી દલીલ કરી હતી કે આ રેર ઓફ ધી રેસ્ટ કેસ નથી. આ ગુનામાં બળાત્કાર, બાળકી, પોક્સો જેવું કાંઈ નથી. તેથી આરોપીના ભવિષ્યને જોતાં તેને ઓછામાં ઓછી સજા થવી જોઈએ. ગ્રીષ્મા હત્યાકાંડમાં સુરતની કોર્ટે તા. 21 એપ્રિલે આરોપી ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કર્યા બાદ આજે તા. 22 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષ દ્વારા સજા પર દલીલ શરૂ થઈ છે. સવારે સૌ પ્રથમ બચાવ પક્ષ દ્વારા ફેનિલની તરફેણમાં દલીલો કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલ ઝમીર શેખે કોર્ટને કહ્યું કે, સમાજના દબાણના લીધે ફેનિલના પિતા ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચેના સંબંધ નહીં હોવાનું ખોટું બોલ્યા હતા. ફેનિલના પિતા અને તેનો પરિવાર ફેનિલની પડખે છે. ફેનિલની કાયદાકીય લડાઈનો ખર્ચ તેના પિતા ઉપાડી રહ્યાં છે. આરોપી ફેનિલ જેલમાંથી 5 રૂપિયા ભરી તેના પિતાને ફોન કરતો હતો. વધુમાં બચાવ પક્ષના વકીલે કોર્ટને કહ્યું કે, આરોપી એક હત્યા બાદ હેવાન નથી બની જતો. તેના ભવિષ્ય સામે જોવાની જરૂર છે. ફાંસી આપવાથી ગુનાખોરી ઘટી જતી નથી. સતનું ભૂતકાળ હોય અને ગુનેગારનું ભવિષ્ય હોય છે.