સુરત: હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (Hazira Area Development Authority) વિસ્તારમાં આવેલા હજીરા, દામકા, મોરા,જુનાગામ અને કવાસમાં સ્ટીલ કંપનીના (Steel Company) સ્લેગ (Slag) ઠાલવવામાં આવતા ગ્રામિણોમાં રોષ ફેલાયો છે. હજીરાની ઔધોગિક કંપનીઓમાંથી નીકળેલા સ્ટીલની ભૂકી વાળા સ્લેગના પહાડ ઊભા થતાં લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકશાન થવાની ભીતિ ઊભી થતા ફરિયાદ થયા પછી જીપીસીબી અને જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. તથા સ્લેગના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ સ્લેગનાં ઢગલા કોણ ખડકી ગયું એની તપાસ કરવાં આવી રહી છે.
- હજીરા, દામકા, મોરા, જુનાગામ અને કવાસમાં સ્ટીલ કંપનીના સ્લેગ ઠાલવી દેવાતા ગ્રામજનોમાં રોષ
જુના ગામ ઝીંગા તળાવો પાસે, એલએન્ડટી પાસે, NTPC ટાઉનશીપ પાસે, મોરાગામ મેઈન બજાર પાસે દામકા પાટિયા પાસે માટી અને સ્ટીલ, લોખંડ મિશ્રિત સ્લેગના પહાડ ઊભા કરી દેવાયા છે. ખાનગી અને સરકારી જમીનમાં જીપીસીબી કે વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના ઔદ્યોગિક કચરાના ઢગલા રાતોરાત કઈ રીતે થયાં એ મામલે નાયકે તપાસની માંગ કરી કસુરવારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માંગ કરી છે. સચિન જીઆઇડીસીના ગેસ કાંડની ઘટના તાજેતરની છે. એ પછી ઔદ્યોગિક કચરો ઠાલવનાર સામે પોલીસ ટીમ બનાવી કાર્યવાહી કરી રહી છે ત્યારે આ મામલામાં ઇચ્છપોર અને હજીરા પોલીસ કેમ અજાણ રહી એ મોટો પ્રશ્ન છે.નાયકે આક્ષેપ કર્યો છે કે રાજકીય પીઠબળથી સ્લેગનો વેપાર ચાલી રહ્યોં છે.
સ્લેગના વેચાણમાં ટ્રાન્સપોર્ટર્સ અને રાજકીય આગેવાનોની ભાગીદારી : દર્શન નાયક
જિલ્લાના ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયકે આક્ષેપ કર્યો હતો કે હજીરા વિસ્તારની મલ્ટિનેશનલ કંપનીઓમાંથી નીકળતો કચરો (સ્લેગ)નું હઝીરા કાંઠા વિસ્તારના કેટલાક રાજકીય સાંઠગાંઠ ધરાવતા ટ્રાન્સપોર્ટરોને લાખો ટન સ્લેગ રાજગરી,જુનાગામ અને ભટલાઈ જેવા ગામોમાં ઠાલવી ખુલ્લે આમ વેચાણ કરી રહ્યાં છે.કંપનીઓએ એક સામટો સ્લેગ ગામેગામ ઠાલવી દેતા કંપનીઓનું આ ભોપાળુ બહાર આવ્યું છે.હકીકતમાં આ સ્લેગનો નિકાલ જીપીસીબીની નિગરાનીમાં સાયન્ટિફિક ધોરણે કરવાનું હોય છે.એને બદલે ખેતરો અને ગામતળમાં ઠાલવી દેવાયું છે.એને લીધે સ્થાનિક વિસ્તારમાં પર્યાવરણને તો નુકસાન થઈ રહ્યું છે.
5 ગામોમાં 30 લાખ ટન સ્લેગ ઠાલવ્યો
સ્લેગના પહાડો જોતા 5 ગામોમાં 30 લાખ ટન સ્લેગ ઠાલવવામાં આવ્યો છે. જે અંદાજે 200 થી 250 કરોડનો હોય શકે છે. આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ તપાસ કરે તો એક મોટું કૌભાંડ બહાર આવે એમ છે એમ ખેડૂત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.