આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે બુધવારના રોજ સિન્ડીકેટ બેઠક યોજાઇ હતી. આ બેઠક કુલપતિ ડો. નિરંજનભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યાં હતાં. જેમાં 36 જેટલા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આશરે દોઢેક કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં કોઇ વિવાદ સર્જાયો નહતો. શાંતિપૂર્ણ રહેલી આ બેઠકમાં પ્રોફેસરોની નિમણૂંક સહિત વિવિધ નિર્ણય લેવામાં આવ્યાં હતાં. વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષ 2014-15ના હિસાબોને લઇ હજુ ગડમથલ ચાલી રહી છે. જેમાં 2015-16ની શરૂઆતની ઉધાર બાકી અંગે તપાસ સમિતીનો ખાનગી અહેવાલ 28મી ડિસેમ્બર,21ના રોજ મળેલી સિન્ડીકેટની સભાના ઠરાવમાં રજુ કરવામાં આવ્યો હતો.
જે સંદર્ભે સિન્ડીકેટ દ્વારા તત્કાલીન ઓડિટર મેસર્સ કે.જી. પટેલ એન્ડ કંપનીને બ્લેક લીસ્ટ કરવી અને ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર એન.કે. ભટ્ટને તત્કાલીન અસરથી ફરજ મોકૂફ કરવા અને ખાતાકીય તપાસ અંગે કાર્યવાહી કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તેવી જ રીતે અનુસ્નાતક બાયોસાન્સિસ વિભાગ લેબમાં આગ લાગી હતી. જેના નુકશાનની ભરપાઇ વિમાનું પ્રિમિયન ન ભરવાના કારણે થઇ શક્યું નથી. જે અન્વયે વિમાનું પ્રિમિયમ ન ભરવાના કારણની તપાસ અને જવાબદાર વ્યક્તિ ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર એન.કે. ભટ્ટને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવા અને તેઓની સામે ખાતાકીય તપાસ અંગે કાર્યવાહી કરવા ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ બધી કવાયત હવે નિર્થક બની છે. તપાસ કમિટીના સભ્યોના રાજીનામા પડી જતાં નવી કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુવર્ણલત્તા શ્રીવાસ્તવ, પ્રો. મિતેષ જયસ્વાલ અને ચીફ એકાઉન્ટન્ટ એન.કે. ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી નવેસરથી તપાસ કરી પોતાનો રિપોર્ટ આપશે.
આઈટીઆઈ અને ડિપ્લોમા પાસ કરેલા વિદ્યાર્થીઓને બીએ – બીકોમમાં પ્રવેશ અપાશે
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઠરાવ્યા મુજબ કૌશલ્ય તાલીમને મુખ્ય શિક્ષણ ધારા સાથે જોડાણ અંગેની નીતિ સંદર્ભે ધો.10 પછી આઈટીઆઈ અને ડિપ્લોમા પાસ કરેલા વિદ્યાર્થીઓને ડિગ્રી કોર્સમાં પ્રવેશ બાબતે યુનિવર્સિટીના આઈક્યુએસી સેલ દ્વારા બીએસસી (એ ગ્રુપ), બીબીએ તથા બીસીએના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે હવે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આઈટીઆઈ બે વર્ષ અથવા બે વર્ષથી વધુ અને ડિપ્લોમા પોલિટેકનીક પાસ કરેલા વિદ્યાર્થીઓને બીએસસી (એ ગ્રુપ), બીબીએ (સેમેસ્ટર01) અને બીસીએ (સેમેસ્ટર-1)માં પ્રવેશ આપવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થીઓને બીએ અને બીકોમમાં પ્રવેશ આપવામાં આવશે.
ફાર્મસી અને એમએસડબલ્યુમાં ગ્રાન્ટેડ બેઠક જાહેર કરાઇ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા બીફાર્મ, એમફાર્મ તથા એમએસડબલ્યુના કોર્સમાં સેલ્ફ ફાયનાન્સ બેઠકો હતો. જોકે, આ વરસે ગ્રાન્ટેડ બેઠક પણ જાહેર કરવામાં આવી છે. બીફાર્મમાં 30, એમફાર્મમાં 15 અને એમએસડબલ્યુમાં 30 બેઠક ગ્રાન્ટ – ઇન – એઇડ્ અને એટલી જ સંખ્યામાં સેલ્ફ ફાયનાન્સ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અનુસ્નાતક રસાયણશાસ્ત્ર વિભાગના ડો. પિન્કેશ સુતરીયા અગાઉ ડાકોરની કોલેજ ખાતે હતા અને તેઓ અનુસ્નાતક રસાયણશાસ્ત્ર વિભાગમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયાં છે. પરંતુ તેમનો અધવચ્ચેથી ચાલતો સંશોધન પ્રોજેક્ટ યુનિવર્સિટીમાં ચલાવવા માટેની અનુદાનની રકમ રૂ.48,44,880 અને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ હિસ્ટોરીકલ રીસર્ચ (આઈસીએઆર) ન્યુ દિલ્હી દ્વારા ડો. રાજેશ્વરી વી. પટેલના આસીસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગને સંશોધન પ્રોજેક્ટના બે વર્ષ માટે રૂ.3.75 લાખ અનુદાન મંજુર કરવામાં આવ્યું છે.