સુરત: (Surat) વલથાણ-પૂણા ગામ કેનાલ રોડ પર યોજાયેલા ફોગવાના અધિવેશનને સંબોધતાં સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વિવર્સો અને શહેરના અગ્રણીઓની સભાને સંબોધતા કેટલીક નીતિવિષયક જાહેરાત કરતાં કહ્યું હતું કે, સુરત-નવસારી ટ્વીન સિટી પ્રોજેક્ટના (Twin City Project) ભાગ સ્વરૂપે રાજ્ય સરકાર અને સ્થાનિક ઓથોરિટીએ મીંઢોળા નદી (Mindhola River) પર સુરતના આભવા અને નવસારીના ઉભરાટને જોડતો બ્રિજ બનાવવા બજેટમાં 400 કરોડની જોગવાઇ કરી હતી. પરંતુ આ ખર્ચ વધીને 700થી 800 કરોડ થઇ શકે છે. તેમ છતાં સરકાર આ પ્રોજેક્ટમાં આગળ વધવા જઇ રહી છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી મહિનામાં કરવામાં આવશે. જણાવી દઈએ કે આ બ્રિજની લંબાઈ લગભગ 1.8 કિલોમીટર હશે. સુરતીઓ જે રીતે ડુમસ દરિયા કિનારે પહોંચે છે તે જ રીતે બ્રિજનો ઉપયોગ કરી સડસડાટ ઉભરાટ પહોંચી જશે.
એવી જ રીતે રાંદેર ઝોન અને સેન્ટ્રલ ઝોનની પ્રજાને તાપી પૂરથી કાયમી રાહત આપવા માટે રાજ્ય સરકારે 23 કિ.મી.નો તાપી નદીનો બંને તરફનો એરિયા 20 ફૂટ ઊંડો ડ્રેજિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ માટે સરકારે ટેન્ડર ઇસ્યુ કરી દીધું છે. સરકારે એવું નક્કી કર્યું છે કે, તાપી નદીના 23 કિ.મી.ના વિસ્તારમાંથી ડ્રેજિંગ મશીનરી ધરાવનાર ઇજારદાર રેતી કાઢી શકશે. જેની કોઇ લીઝ કે રોયલ્ટી સરકાર વસૂલશે નહીં. પરંતુ તેની અવેજમાં ઇજારદારે 23 કિ.મી. એરિયામાં 10 વર્ષ માટે મેઇન્ટેનન્સ ફી કામગીરી કરવાની રહેશે. આ નિર્ણયથી તાપી નદીની કેનિંગ કેપેસિટી વધશે અને બારેમાસ તાપીના બંને કાંઠે પાણી છલોછલ દેખાશે.
રાજકીય એજન્ડા સાથેના ફોગવા પ્રમુખ અશોક જીરાવાળાના ભાજપ પ્રવેશ પૂરતા સીમિત રહેલા ફોગવાના અધિવેશનમાં ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધી, પાટીદાર સમાજના અગ્રણી કાનજી ભાલાળા, ટેક્સટાઇલ ઉદ્યોગકાર ધીરૂભાઇ શાહ, ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતી, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, મનુભાઇ પટેલ, હરિ કથીરિયા, દિનેશ નાવડિયા, મહેન્દ્ર રોમોલિયા, સુરેશ પટેલ, સ્થાયી ચેરમેન પરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ, ધારાસભ્ય વિવેક પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
મંગળવારે 700 કરોડના ખર્ચે બનનારા બરાજ પ્રોજેક્ટનું ટેન્ડર ઇસ્યુ થશે : પ્રદેશ પ્રમુખ
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી મંગળવારે તાપી નદી પર બનનારા બરાજ પ્રોજેક્ટ માટે ટેન્ડર ઇસ્યુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 700 કરોડના ખર્ચે સુરતની આગામી 50 વર્ષની વસતી અને ઉદ્યોગોને પાણીની જરૂરિયાતને ધ્યાને રાખી તૈયાર કરવામાં આવશે. એવી જ રીતે વર્લ્ડ બેન્કે તાપી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે 2000 કરોડની લોન મંજૂર કરી દીધી છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સુરતમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગને પણ લાભ થશે. જેમણે સસ્તાં મકાનો ખરીદ્યાં છે તેની કિંમત વધશે.