Business

ભાષા સુંબલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને હકીકતમાં જીવી છે

વિવેક અગ્નિહોત્રીએ કદી ધાર્યું ન હશે તે તેની ફિલ્મ પણ ૨૦૦ કરોડથી વધુની કમાણી કરી શકે છે. આ ફિલ્મે જો કે વિવેક યા પલ્લવી જોશી યા અનુપમ ખેર યા મિથુન ચક્રવર્તી યા દર્શનકુમારને જ નહીં ભાષા સુંબલીને પણ ફાયદો કરાવ્યો છે. આ ફિલ્મમાં તેણે શારદા પંડિતનું પાત્ર સાચી લાગણીથી ભજવ્યું છે અને તેનું કારણ એ છે કે તેણે પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં બતાવ્યા છે એવા દૃશ્યોમાંથી ખરેખર પસાર થવું પડેલું અને દિલ્હીમાં હિજરતીનાં તંબુમાં રહેવું પડેલું. તેના મનમાં પોતાના જીવનનાં એ યાતનામય અનુભવો હજુ પણ એવા તીવ્ર છે કે શૂટિંગ વખતે તે ભેદ જ કરી શકતી નહોતી કે આ વાસ્તવિક છે કે ફિલ્મી દૃશ્ય છે. શૂટિંગવેળા તેનું બ્લડપ્રેશર વધી જતું, ધ્રુસ્કે ચડી જતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતા ડોકટર હાજર રાખવા પડતા.

ભાષા સુંબલી શ્રીનગરમાં જન્મી છે. તેના પિતા અગ્નિ શેખર હિન્દીના કવિ અને લેખક છે તો મા ક્ષમા કૌલ લેખિકા હોવા ઉપરાંત રાજકીય ચળવળકાર છે. આ કારણે જ ભાષામાં એક જુદી સંવેદનશીલતા છે. તે જોકે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનય અને નાટકની બીજી કળાઓ શીખ છે. તેણે અનેક નાટકોમાં ય કામ કર્યું છે અને આ કારણે જ ૨૦૧૪ માં જયારે મુંબઇ આવી તો અનુપમ ખેર કે જે પણ કાશ્મીરી પંડિત જ છે તેમણે તેમની ‘એન એકટર્સ પ્રીયેર્સ’માં શિક્ષકની કામગીરી સોંપેલી. ભાષા પાસે એજ આવકનું સાધન હતું ને એ દરમ્યાન ટી.વી. સિરીયલમાં કામ મળે કે ફિલ્મોમાં કામ મળે તે માટે પ્રયત્ન કરતી. આ પ્રયત્નએ તેને દૂરદર્શનની ‘એક થા રુશ્તી’ સિરીયલ અપાવી અને પછી ‘મેરે ડેડ કી દુલ્હન’માં કામ મળ્યું.  ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાજ’ અને ‘સબસે બડા કલાકાર’ જેવા ટી.વી. રિયાલિટી શોમાં પણ તેણે ભાગ લીધો.

તેની પહેલી ફિલ્મ ‘છપાક’ હતી જે દિપીકા પાદુકોણને કારણે વધુ જાણીતી બની અને હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ તેને જાણીતી કરી છે. આ ફિલ્મ બનવાની એવું તેણે સોશ્યલ મિડીયાથી જાણેલું ત્યારે તો જમ્મુમાં હતી અને કલમ ૩૭૦ હટવાના કારણે ઇન્ટરનેટ પણ બંધ હતા. જોકે કલમ ૩૭૦ હટવાની ઉજવણી મોટાપાયે થયેલી. ઇન્ટરનેટ બંધ હોવાથી તેણે દિલ્હીના એક મિત્રને ફોન કરી કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બની રહી છે તો એ બનાવનારા સાથે સંપર્ક કરીને મને જણાવ. આખર એક દિવસ તેની પર ફોન આવ્યો કે તેની આ ફિલ્મ માટે પસંદગી થઇ છે. જોકે ફિલ્મના શૂટિંગ દરમ્યાન કોઇ આનંદમાં નહોતું. ભાષા કહે છે કે ફિલ્મના દરેક દૃશ્યો, દરેક એકટરે એક જ ટેકમાં કર્યા છે. બીજીવાર ટેકની કયારેક જરૂર પડે તો ફકત ટેકનિકલ કારણે જ પડી છે. અમે બધા જ આ ફિલ્મમાં એટલા ઇન્વોલ્વ હતા કે એકટિંગની જરૂર જ નથી પડી. હવે આ ફિલ્મ સફળ થવાથી તે બહુ ખુશ છે. તેને થાય છે કે કાશ્મીરી પંડિતોની શું દશા થઇ હતી તેની જાણ હવે દેશને ખરા અર્થમાં થઇ રહી છે. ભાષાનું એવું થતું કે પોતાના દૃશ્યો ન હોય તો પણ એક તરફ ઊભી રડયા કરતી કારણ કે જે ફિલ્માવાતું હતું તે ફિલ્મી નહોતું. ભાષા પાસે અત્યારે વધારે કામ નથી પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પછી તેને અનેક નિર્માતા પૂછી રહ્યા છે. તે પોતાની આવતીકાલ માટે આશ્વસ્ત છે. •

Most Popular

To Top