ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે રાત્રે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા ગૃહ વિભાગના સિનિયર અધિકારીઓ અને સિનિયર પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાતની શાંતિ તથા સલામતીને જોખમમાં મૂકનાર તત્વોને સરકાર સાંખી લેશે નહીં. પટેલે વધુમાં સિનિયર પોલીસ અધિકારીઓને આ ઘટના બની જ કેવી રીતે.. તે રીતનો ખુલાસો પુછીને રામનવમી પર્વે ભગવાન રામની શોભાયાત્રા દરમ્યાન થયેલા પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આકરા પગલા ભરવા તાકિદ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા માટે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજી હતી.
રાજ્યની શાંતિ, સલામતિ અને સામાજીક સમરસતાને ખલેલ પહોંચાડવાના પ્રયાસો, આ બે સ્થળોએ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે, તેને ગંભીરતાથી લઇ ગૃહ વિભાગે અને પોલીસ તંત્રએ ઘટનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે સખત પગલા ભરવાની કાર્યવાહી કરી દીધી છે, તેમ આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને માહિતગાર કરતાં જણાવ્યું હતું.
સંઘવીએ કહ્યું હતું કે, આ ઘટનાઓના અનુસંધાને ખંભાતમાં ૯ વ્યક્તિ અને હિંમતનગરમાં ૨૨ વ્યક્તિ મળી કુલ ૩૧ વ્યક્તિ સામે પોલીસે ધરપકડ સહિતની કાયદેસર કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિનિયર પોલીસ અધિકારીઓ તથા ગૃહ વિભાગને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પગલા ભરે તે જરૂરી છે. પટેલે શોભાયાત્રામાં થયેલા હુમલાની ઘટનાને રોકી શકાઈ નહીં તે બાબતે સિનિયર પોલીસ અધિકારીઓને રીતસરનો ઠપકો આપ્યો હતો.
પટેલે કહ્યું કે, રાજ્યમાં શાંતિ સલામતિ અને સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને ગુજરાતની શાંતિને જોખમમાં મૂકનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયા અને વરીષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા