સુરત: (Surat) રાંદેર પોલીસમથકના કર્મચારીની ગંભીર ભૂલને કારણે અકસ્માતના કેસમાં કારચાલકનો (Car Driver) નિર્દોષ છૂટકારો થયો હતો. આ અકસ્માતમાં પોલીસ (Police) ફરિયાદી કે સ્થળ ઉપર હાજર સાક્ષીને કોર્ટમાં (Court) રજૂ કરી શકી ન હતી અને તેઓનાં નિવેદનો લેવાયાં ન હતાં. આ કેસમાં કોર્ટે ચુકાદો આપતાં કહ્યું કે, માત્ર ચાર્જશીટનો આધાર રાખી આરોપીને સજા કરી શકાય નહીં.
આ કેસની વિગત એવી છે કે, ગત તા.7/2/2015ના રોજ પાંડેસરા અમીજરા સોસાયટીમાં રહેતા કનૈયાલાલ નારાયણનાથ સિદ્ધ હીરો હોન્ડા મોટરસાઇકલ ઉપર રાંદેરના ભેંસાણ રોડ ઉપરથી પસાર થયા હતા. આ દરમિયાન ભેંસાણ જકાતનાકા પાસે ટોયોટા કારની સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કનૈયાલાલનું મોત નીપજ્યું હતું. દરમિયાન તેઓના પરિવારે હજીરા રોડ ઉપર દામકા ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા વિપુલ જયેશ પટેલની સામે અકસ્માત મોતની ફરિયાદ કરી હતી.
આ કેસમાં વિપુલ પટેલની સામે ચાર્જશીટ દાખલ થઇ હતી અને કેસની સુનાવણી થઇ હતી. વિપુલભાઇ તરફે વકીલ અશ્વિન જોગડિયાએ દલીલો કરતાં કહ્યું હતું કે, ફરિયાદી તેમજ સ્થળ ઉપર અકસ્માત જોનાર સાક્ષીઓને વારંવાર સમન્સ ઇસ્યુ કરાયા છતાં પોલીસ તેમને કોર્ટમાં લાવી શકી નથી. ગાડીની માલિકી બાબતે પણ ઉલટ તપાસમાં વિરોધાભાસ આવે છે. પોલીસે કોઇ સીસીટીવી ફૂટેજ કે ફોટોગ્રાફ રજૂ કર્યા નથી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ કહ્યું હતું કે, માત્ર ચાર્જશીટનો આધાર રાખીને આરોપીને સજા કરી શકાય નહીં. કોર્ટમાં રજૂ થયેલા તમામ પુરાવામાં આરોપી સામેનો ગુનો પૂરવાર થતો નથી તેમ ટાંકીને વિપુલ પટેલને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
બાઇક ઓવરટેક કરવાની અદાવતમાં બે યુવક ઉપર જીવલેણ હુમલો
સુરત: સલાબતપુરાની કાલીપુર મોટી મસ્જિદ પાસે નમાઝ પઢીને બહાર આવતા બે ભાઈઓ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો બાઈક ઓવરટેક કરવાની અદાવતમાં કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા વિસ્તારમાં રહેતા હાફિઝ અને રસીદ નામના બે યુવક નમાઝ પઢીને બહાર આવ્યા હતા. આ દરમિયાન ત્યાં સ્થાનિક વિસ્તારના માથાભારે ફિરોઝ મેનદીશના પુત્ર રાકીબ અને ભાણેજ અબુઝાર આવ્યા હતા. બંનેએ હાફિઝ અને રસીદની સાથે માથાકૂટ કરી તેઓ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં હાફિઝને નવી સિવિલ હોસ્પિટલ, જ્યારે રસીદને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચા પ્રમાણે આ હુમલો બાઇકની ઓવરટેક કરવાના ઝઘડાની અદાવત રાખી કરાયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની સાથે તપાસ શરૂ કરી છે.