ડાંગ જિલ્લાના (Dang District) આહવા તાલુકામાં સમાવિષ્ટ અને ચોતરફ કુદરતી ગિરિકંદરાની ખીણમાં ખાડા ટેકરાવાળી ભૂમિ ઉપર ધબકતું ધૂમખલ ગામ (Dhumkhal Village) જોવા જેવું ખરું. જેના નામકરણની એક લોકવાયકા વડીલો પાસેથી સાંભળવા મળે છે. ધૂમખલ ગામનું નામકરણ ‘ધૂમ’ અટક પરથી પડ્યું હોવાનું વડીલોના લોકમુખે સાંભળવા મળે છે. ડાંગ જિલ્લાના આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ અને શામગહાન તેમજ ગલકુંડ વિસ્તાર નજીક પ્રકૃતિમય વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરી માર્ગને (National Highway) અડીને ખીણમાં ખાડા અને ટેકરાળ ભૂમિ પર ધૂમખલ નામનું નાનકડું ગામ આવેલું છે.
એક લોકવાયકા મુજબ વર્ષો અગાઉ ધૂમખલ ગામની સીમમાં સૌપ્રથમ ‘ધૂમ’ અટકના લોકો વસવાટ કરતા હતા. આ ધૂમખલ ગામ જે-તે સમયમાં ડાંગ જિલ્લાના પાંચ રાજવી સ્ટેટ પૈકી લિંગા સ્ટેટના ભીલ રાજવીના તાબામાં આવતું હતું. ધૂમખલ ગામ નજીક વસવાટ કરતા ધૂમ જ્ઞાતિના લોકો લિંગા સ્ટેટના ભીલ રાજવીના કહ્યામાં ન હતા. અને આ ‘ધૂમ’ જ્ઞાતિ અટકના લોકો ભીલ રાજવીને માનતા ન હોવાના પગલે જે-તે સમયના ભીલ રાજવીએ ધૂમખલ ગામે ગાવીત, ચૌધરી, બાગુલ, પવાર અને ભોયે અટકના લોકોનો સમૂદાય ભેગો કરી ધૂમખલ ગામેથી ધૂમ અટકના લોકોને ભગાડી દીધા હતા. બાદમાં ‘ધૂમ’ જ્ઞાતિ અટકના લોકો ધૂમખલ ગામેથી ક્યાં જતા રહ્યા એ આજેપણ કોઈને ખબર નથી. ધૂમખલ ગામે સૌપ્રથમ ‘ધૂમ’ અટકના લોકો વસવાટ કરતા હતા. જેથી આ ગામનું નામ ધૂમખલ પડ્યું હોવાનું વડીલો પાસેથી જાણવા મળ્યું છે. બાદમાં અહીં ગાવીત, ચૌધરી, બાગુલ, પવાર અને ભોયે જ્ઞાતિના લોકોએ કાયમી વસવાટ કર્યો છે.
આ ગામ સાપુતારા-શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને ખીણમાં આવેલું છે. જેથી દિવસ-રાત અહીં નાનાં-મોટાં વાહનોનો ધમધમાટ જોવા મળે છે. ધૂમખલ ગામને કુદરતી અણમોલ ખજાના સ્વરૂપે ચોતરફ જંગલોની ભેટ અને બીજી તરફ રળિયામણા ડુંગરોની પ્રાકૃતિક દેન પણ મળી છે. શામગહાન અને ગલકુંડ વિસ્તારમાં આવેલું ધૂમખલ ગામ સાપુતારાથી શામગહાન થઈ આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગને સાંકળે છે. જેથી આ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગના બંને છેડામાં વહેંચાયેલું જોવા મળે છે. શામગહાન ગામથી ધૂમખલ ગામ જવા માટે 5 કિ.મી.નું અંતર કાપવું પડે છે. જ્યારે ગલકુંડથી 3 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. ધૂમખલ ગામના ફાટક પાસેના રાષ્ટ્રીય ધોરી માર્ગમાંથી ગલકુંડ, શામગહાન, સાપુતારા અને મુખ્ય મથક આહવા પણ જઈ શકાય છે. આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે. જેઓ માત્ર કોંકણી અને ભીલ જ્ઞાતિના છે. આ ગામના 70 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 30 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. આ ગામમાં ખ્રિસ્તી ધર્મનું નાનકડું એક ચર્ચ પણ જોવા મળે છે. આ ગામમાં શ્રી સંપ્રદાયના અનુયાયીઓ પણ મોટા ભાગે જોવા મળે છે. ગામમાં ભક્તો શનિવારે હનુમાનજીના મંદિરે પૂજા-અર્ચના કરે છે. અને શ્રી સંપ્રદાયના ભક્તો પણ પૂજા-અર્ચના કરી પોતાના સનાતન હિન્દુ ધર્મનું પાલન કરે છે. ધૂમખલ ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 671થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા 323 છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા 384 છે. આ ગામમાં 125થી વધુ કાચાં અને પાકાં ધરો આવેલાં છે, સાથે 150થી વધુ નાનાં-મોટાં કુટુંબો આવેલાં છે. ગામમાં ફળિયાંની કુલ સંખ્યા-2 છે, જેમાં 125થી વધુ નાનાં-મોટાં કાચાં અને પાકાં મકાનો આવેલાં છે. ધૂમખલ ગામમાં વર્ષોથી માત્ર કોંકણી અને ભીલ જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે.
જાખાના ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ધૂમખલ, જાખાના કોટમદર, હેદીપાડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી બે ટર્મથી ગ્રુપ ગ્રામ પંચાયત જાખાનાના ધૂમખલ ગામમાં ભાજપાની બોડીનો દબદબો જોવા મળે છે. જાખાના ગ્રુપ ગ્રામ પચાયતની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી બહુમતીથી ભાજપાની બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દબદબાભેર ચુંટાઈ આવે છે. અહીં પાંચ ગામના સરપંચ તરીકે ભાજપ પેનલનાં કેલુબેન સંજયભાઈ વળવી ચુંટાઈ આવ્યાં છે. હાલમાં ધૂમખલ સહિત ગામોનો વહીવટ સરપંચ કેલુબેન સંજયભાઈ વળવી સફળતાપૂર્વક કરી રહ્યાં છે. આ ગામના તલાટીકમ મંત્રી તરીકે નિમિષાબેન આઈ.ઢોડિયા કામગીરી કરે છે. તેમના ચાર્જમાં ગ્રુપ ગ્રામ પંચાયતના અન્ય બે ગામડાં પણ આવે છે. હાલમાં ગ્રુપ ગ્રામ પંચાયત જાખાનાની નિયમિત કામગીરી કરી રહ્યાં છે. ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરી નજીકના જાખાના ગામ ખાતે કાર્યરત હોવાથી ધૂમખલ ગામના લોકોને દાખલા સહિત અન્ય કામગીરી માટે સરળતા પડે છે. અને અન્ય જગ્યાએ જવું પડતું નથી.
ધૂમખલ ગામના આગેવાન મનશેભાઈ આનંદભાઈ બાગુલ તથા સોમનાથભાઈ ભોરૂભાઈ પવારે થોડાં વર્ષો અગાઉ અહીં સત્તાની કમાન સંભાળતાં આદિવાસી લોકોની સમસ્યા નિવારવા માટે સફળતા હાંસલ કરી હતી. હાલમાં આ બંને ભાજપાના અગ્રણીઓ અને તેમના વંશજો ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ધૂમખલ ગામના વિકાસકીય કામોને વેગ આપવા માટે ઝઝૂમી રહ્યાં છે. ધૂમખલ ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ભોરૂભાઈ દેવાજીભાઈ પવાર અને સુનંદાબેન મનસેભાઈ બાગુલ દબદબાભેર ચુંટાઈ આવ્યાં છે, જેમાં સુંનદાબેન મનસેભાઈ બાગુલ ગ્રુપ ગ્રામ પંચાયત જાખાનાના શિક્ષિત યુવાન મહિલા ઉપસરપંચ હોવાથી સરકારી ગ્રાંટ મુજબ જે પણ કામો મંજૂર થાય છે તે ગામના લોકો સમક્ષ પહોંચાડી વિકાસને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ધૂમખલ ગામના લોકોના શિક્ષણ ક્ષેત્ર વિશેની વાત કરીએ તો આ ગામમાં મોટા ભાગના પુરુષો સાક્ષર જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓ મધ્યમ શિક્ષિત જાણવા મળ્યું છે. અહીં પુરુષોનો સાક્ષરતા દર 74 ટકા છે. જ્યારે સ્ત્રીઓનો 62 ટકા જેટલો મધ્યમ સાક્ષરતા દર છે. ધૂમખલ ગામની પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો આ ગામ શામગહાનથી આહવાને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલું હોવાથી અહીંના ગ્રામજનોને મુખ્ય મથક કે દવાખાને જવા માટે ઉનાળા અને શિયાળા કે ચોમાસાની ઋતુમાં સરળતાથી સગવડ જોવા મળે છે. આ ગામથી રાષ્ટ્રીય ધોરી માર્ગને જોડતો દોઢ કિલોમીટરનો આંતરિક માર્ગ સાત વર્ષ પહેલાં જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની ગ્રાંટમાંથી નવીનીકરણ કરવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય કામગીરીના અભાવે જર્જરિત થઈ ગયો છે. સાથે આ ગામના આંતરિક માર્ગમાં ડામરનું નામોનિશાન ભુંસાઈ જતાં ચોમાસામાં લોકોને હાલાકી વેઠવાની નોબત ઊભી થઈ છે. ધૂમખલ ગામમાં ઉપલું અને નીચલું ફળિયાનો સમાવેશ થાય છે. ધૂમખલ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દરેક ફળિયામાં પેવર બ્લોકના માર્ગો બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક માર્ગોની હાલત એકંદરે ખૂબ જ સારી છે. ધૂમખલ ગામે બંને ફળિયાંમાં ગટર લાઈન ન હોવાના પગલે ચોમાસામાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જાય છે.
ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. જેથી ઘરદીઠ નળ કનેક્શનની સુવિધા પૂરી પાડી ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે બે મોટી ટાંકીઓ પણ બનાવવામાં આવી છે. પરંતુ આ ટાંકીઓનું ઘર ઘર નળ કનેક્શન એકાદ વર્ષ ચાલ્યા બાદ છેલ્લાં ત્રણ વર્ષથી શોભાના ગાંઠિયાસમાન સાબિત થઈ બંધ હાલતમાં પડી છે. હાલમાં ઉનાળાની ઋતુમાં અમુક કાર્યરત બોર અને જંગલ ખાતાના કૂવામાંથી લોકો પાણી લાવી પોતાની તરસ બુઝાવી રહ્યા છે. ધૂમખલ ગામે ઉનાળાની ઋતુમાં છેલ્લા બે મહિના માટે લોકોને પાણી માટે વલખા મારવાની નોબત આવે છે. ગામમાં સરકાર દ્વારા 20થી વધુ બોર આપવામાં આવ્યા છે, જેમાંથી માત્ર 5 જેટલા બોર કાર્યરત છે. જ્યારે મોટા ભાગના બોરની લાઈનો તૂટી ગઈ છે તેવું ગામલોકો જણાવે છે. આ ગામમાં ઉનાળાની ઋતુમાં મે મહિનાથી જૂન સુધીમાં પાણીની તંગી વર્તાય છે. જેથી આ ગામમાં સરકારની ઘર ઘર નળ કનેક્શન યોજનાના દાવા પોકળ સાબિત થયા છે. આ ગામે ચોમાસા અને શિયાળામાં ભરપૂર પાણી રહેતું હોવાથી ખેડૂતો શિયાળુ પાકોની ખેતી થકી સમૃદ્ધ બન્યા છે.
અસાધ્ય રોગોનું નિદાન કરતા ભગતો પણ ઉપલબ્ધ
ધૂમખલ ગામમાં પાંચ જેટલા ભગતો વિવિધ રોગોના નિદાન માટે જડીબૂટ્ટી આપે છે. ધૂમખલ ગામે ભગતોમાં સખારામભાઈ જાન્યાભાઈ ભોયે, શુકરે જાન્યા ચૌધરી, શિવરામભાઈ કાળા ચૌધરી, વસન શુકરે ભોયે, કેશવ પાંડુ થવીલ વારસાગત ભગતોની ધૂણી ધખાવી રહ્યા છે. બીમારી જેવા પ્રસંગે આ ભગતો જંગલમાંથી જડીબુટ્ટી લાવી અસાધ્ય રોગોનું નિદાન કરી સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.
ધૂમખલ ગામનું પિકઅપ સ્ટેન્ડ બિસમાર
ધૂમખલ ગામ શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગને સાંકળે છે. આ ગામનું પિકઅપ સ્ટેન્ડ બિસમાર થઈ ગયું છે. આ પિકઅપ સ્ટેન્ડ પડું પડું હાલતમાં છે. આ પિકઅપ સ્ટેન્ડનાં પતરાં વર્ષોથી તૂટી ગયાં છે. સાથે દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. ગામના જર્જરિત પિકઅપ સ્ટેન્ડના પગલે લોકો સહિત વિદ્યાર્થીઓને ચોમાસામાં વરસતા વરસાદમાં તેમજ ઉનાળામાં અસહ્ય તડકામાં વાહનોની વાટ જોવી પડે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગના છેડાએ ધૂમખલ ગામના સૂચક બોર્ડ સાથે જર્જરિત પિકઅપ સ્ટેન્ડ વિકાસની જગ્યાએ વિનાશની ઉપમા પૂરવાર કરી ચાડી ખાતું નજરે પડે છે.
ગામના છેવાડે આવેલા વાઘદેવની પ્રતિમા આદિવાસીઓ માટે આસ્થાનું પ્રતીક
ધૂમખલ ગામે વાઘદેવની પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. અહીં વાર-તહેવારે આ પ્રકૃતિના દેવી-દેવતાઓમાં વાઘદેવ, નાગદેવ, મોરદેવ, સૂર્યદેવ અને ચંદ્ર દેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. અને ગામની સમૃદ્ધિ કાયમ માટે જળવાઈ રહે તથા ગામ પર કોઈ આફત ન આવે એ માટે આ દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરી ગ્રામજનો દ્વારા વાર તહેવારોમાં ભોગ પણ ચઢાવવામાં આવે છે.
ભણીગણીને આગળ વધેલા યુવાઓ ગામના વિકાસ માટે ચિંતિત
ધૂમખલ ગામના યુવાનો અને યુવતીઓ સરકારની જુદી જુદી પોસ્ટ પર નોકરી કરી ગામનું નામ રોશન કરી રહ્યા છે. ધૂમખલ ગામના (1) રામદાસભાઈ રાયાજુ પવાર હાલમાં શિક્ષક તરીકે પ્રાથમિક શાળા શામગહાન ખાતે ફરજ બજાવે છે. (2) હેતલબેન રામદાસ પવાર-શિક્ષિકા પ્રાથમિક શાળા-નવાગામ-સાપુતારા, (3) મુકેશભાઈ ભોરૂભાઈ પવાર-શિક્ષક-ઉખાટિયા પ્રાથમિક શાળા આહવા તાલુકો, (4) પૂનમબેન મુકેશભાઈ પવાર-શિક્ષિકા વાંકી પ્રાથમિક શાળા-ગલકુંડ, (5) સયાજુભાઈ મહાદુ ચૌધરી-શિક્ષક માધ્યમિક શાળા-ડેડિયાપાડા, (6) મોહનભાઈ ભોરૂ પવાર-પોલીસ કોન્સ્ટેબલ-ઉનાઈ, (7) શૈલેશ કાળુ ભોયે-તલાટી કમ મંત્રી-સુબીર, (8) અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ પવાર-એસ.આર.પી. સુરત-વાવ વિભાગમાં ફરજ બજાવે છે. આ તમામ નોકરી કરતાં ભાઈઓ અને બહેનો વાર-તહેવારની રજાઓમાં ગામમાં આવી લોકોમાં વિકાસ તથા સહકારની ભાવના દાખવી જાગૃતિ કેળવે છે.
કેવી વિટંબણા: સ્મશાનભૂમિના અભાવે ચોમાસામાં પણ ખુલ્લામાં કરવી પડે છે અંતિમક્રિયા
પાયાની સુવિધા ન મળતાં વનબાંધવો વિકાસથી વંચિત, સ્મશાનગૃહની માંગ
વિકાસની વાતો તો સરાજાહેર થાય છે. પરંતુ ગ્રામ્ય કક્ષાએ ડોકિયું કરીએ તો હજુ પણ વિકાસ જોવા મળતો નથી. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વિકાસની ઝલક માટે લોકો હાંફી ગયા છે. આવી જ પીડા ધૂમખલ ગામના લોકો અનુભવે છે. જ્યાં સ્મશાનભૂમિનો પણ અભાવ છે. ધૂમખલ ગામની વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો હજુ સુધીમાં અંત આવ્યો નથી. આઝાદી કાળથી ગામમાં હજુ સુધીમાં સ્મશાનગૃહનું નિર્માણ ન થતાં ચોમાસાની ઋતુમાં અંતિમક્રિયા વખતે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવે છે. ગામમાં સ્મશાનગૃહ ન હોવાથી ચોમાસામાં વરસતા વરસાદમાં ખુલ્લામાં શબને લઈ જઈ અગ્નિદાહ આપવામાં આવે છે. ગામ નજીક આવેલા ડેમ પાસે આઝાદી કાળથી લોકો ખુલ્લામાં શબને અગ્નિદાહ આપી રહ્યા છે. જેથી ગ્રામજનોમાં તુરંત જ સ્મશાનગૃહની માંગણી ઊઠી છે. ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલું હોવા છતાં આજે પણ અહીં અમુક પાયાની સુવિધા ન જોવા મળતાં છેવાડેના વન બાંધવો વિકાસથી વંચિત જોવા મળે છે. હાલમાં આ ગામ નજીકના માર્ગને રાષ્ટ્રીય ધોરી માર્ગનો દરજ્જો મળ્યો છે. જેથી આ ગામ વિકાસની નવી કેડી માટે ઝઝૂમી રહ્યું છે.
આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ: ગામમાં 9થી વધુ સખીમંડળ કાર્યરત
ગામમાં 9થી વધુ સખીમંડળ પણ કાર્યરત છે. હાલમાં સપ્તશૃંગી સખીમંડળના પ્રમુખ તરીકે જીજાબેન જીવુભાઇ પવાર તથા મંત્રી તરીકે લલિતાબેન દેવકભાઈ બાગુલ કામગીરી કરે છે. જ્યારે સુરભી સખીમંડળમાં પ્રમુખ તરીકે અંજુબેન દયાનંદ ગવળી અને મંત્રી તરીકે પૂનમબેન મુકેશભાઈ બાગુલ કામગીરી કરે છે. પ્રાર્થના સખીમંડળમાં પ્રમુખ તરીકે સુનિતાબેન સુરેશભાઇ ચૌધરી અને મંત્રી ઉષાબેન મોતીરામ ગવળી કામગીરી કરે છે. સરસ્વતી સખીમંડળના પ્રમુખ તરીકે કલાબેન લક્ષ્મણભાઈ પવાર અને મંત્રી તરીકે શોભનાબેન અશોકભાઈ ગાવીત કામગીરી કરે છે. શિવમ સખીમંડળનાં પ્રમુખ તરીકે પ્રેમીલાબેન યુવરાજભાઈ ગાવીત તથા મંત્રી તરીકે સીમાબેન ગુલાબભાઈ ગાવીત કામગીરી કરે છે. નંદની સખીમંડળમાં પ્રમુખ તરીકે કુસુમબેન શંકર પવાર તથા મંત્રી તરીકે ઉષાબેન રામદાસ પવાર કામગીરી કરે છે. શિવકૃપા સખીમંડળનાં પ્રમુખ તરીકે ગંગુબેન અશોકભાઈ બાગુલ તથા મંત્રી તરીકે શુકરીબેન એશુભાઈ ચૌધરી કામગીરી કરે છે. દયાસાગર સખીમંડળના પ્રમુખ તરીકે યમુનાબેન નામદેવ ગવળી તથા મંત્રી તરીકે શુકરી ઝીપર ધૂળે કામગીરી કરે છે. જયસંતોષી સખીમંડળના પ્રમુખ તરીકે ગજરા મનશીરામ બાગુલ તથા મંત્રી તરીકે મંદા રાજુ ચૌધરી કામગીરી કરે છે. આ સખીમંડળો પૈસાની બચત કરી સુખ-દુઃખના સમયે જરૂરિયાતમંદ લોકોને વ્યાજ ઉપર નાણાં આપી મદદ કરે છે.
ધૂમખલ ગામના સમાજસેવકો અને અગ્રણીઓ
ધૂમખલ ગામના વિકાસમાં મનસેભાઈ આનંદ બાગુલ, પુંડલભાઈ સોન્યા ગાવીત, સોમનાથભાઈ ભોરૂ પવાર, ધનજીભાઈ જાના ચૌધરી, શુકરે જાના ચૌધરી, સખારામ જાન્યા ભોયે, એસુભાઈ દેવાજીભાઈ ચૌધરી, બળવંતભાઈ આનંદભાઈ બાગુલનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.
શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ગલકુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો મળે છે લાભ
આરોગ્યની દૃષ્ટિએ આ ગામને નજીકમાં શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ગલકુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ સમાન સાબિત થયું છે. ધૂમખલ ગામના લોકોને ત્રણ કિલોમીટરના અંતરે ગલકુંડ પી.એચ.સી. લાગુ પડતું હોય તથા પાંચ કિલોમીટરના અંતરે શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાગુ પડતું હોવાથી બીમારીના સમયે તકલીફ પડતી નથી. અને સમયસર વાહનો પણ મળી જાય છે. જેથી બીમારીનો ઈલાજ આદિવાસીબંધુઓને સમયસર મળી રહે છે. ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે.
ખેડૂતોએ આવક વધારવી છે, પણ કુદરત સામે લાચારી: માત્ર શિયાળામાં દેખાય છે હરિયાળી
સિંચાઈની દૃષ્ટિએ ગામ નજીક નાના-મોટા ચેકડેમો અને સંગ્રહ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે. પરંતુ આ ચેકડેમોમાં ઉનાળાના માર્ચ મહિના સુધીમાં પાણી સંગ્રહ જોવા મળે છે. બાદ એપ્રિલથી જૂનના આખર સુધીમાં આ ડેમો લીકેજ હોવાના પગલે અથવા પાણી વગર કોરાકટ બની જાય છે. જેથી ઢોરઢાંકરને બે મહિના સુધીમાં પાણી માટે વલખા મારવાની નોબત આવે છે. આ ગામમાં ચોમાસા અને શિયાળા દરમિયાન ખેડૂતો દ્વારા ડાંગર, નાગલી, શાકભાજી, કઠોળ વગેરે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે કેટલાક ખેડૂતોએ પાણીની સુવિધાઓ માટે સ્વખર્ચ ખેતરોમાં બોર અને કૂવા દ્વારા પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. પરંતુ ઉનાળામાં આ ગામમાં કૂવામાં તથા નજીકના કોતરડા વિસ્તારના નાનકડા ચેકડેમોમાં પાણીનાં સ્તર નીચાં જતાં અથવા કોરાકટ બનતાં ખેડૂતોએ માત્ર ચોમાસા અને શિયાળાની ઋતુમાં જ મોટા ભાગે ખેતી ઉપર નિર્ભર થઇ ગુજરાન ચલાવવું પડે છે. પશુપાલનની દૃષ્ટિએ ગામના નાના-મોટા ખેડૂતો પોતાની પાસે ગાય, ભેંસ, બકરાં, ખેતી માટે બળદ અને પાડા જેવા પાળતું પ્રાણીઓનો ઉછેર કરી સાઈડ આવક મેળવી પરિવારના ભરણપોષણમાં ભાગીદાર બને છે. ગામમાં દક્ષિણ ગુજરાત વિ.પ્રા.લિ. દ્વારા 24 કલાક વીજળી આપવામાં આવે છે. ધૂમખલ ગામે શિયાળાની ઋતુમાં થતા શાકભાજીના પાકો હરિત ક્રાંતિનાં દૃશ્યો ઊભા કરે છે. ધૂમખલ ગામના ખેડૂતો શિયાળામાં ઘઉં, ડુંગળી, લસણ, કારેલાં, મરચાં, રીંગણ, ચણા, વટાણા જેવા પાકોની ખેતી કરે છે. જેથી ગામનો નજારો શિયાળાની ઋતુથી માર્ચ મહિના સુધીમાં હરિતક્રાંતિ જેવો નિહાળવા મળે છે.
સેવાના ભેખધારી માજી સભ્ય મનસેભાઈ બાગુલની લોકચાહના આજે પણ અકબંધ
ધૂમખલના આગેવાન અને માજી સભ્ય મનસેભાઈ બાગુલ છેલ્લાં 25 વર્ષોથી અગ્રણી અને લોકસેવક તરીકે ગામમાં સેવા આપી રહ્યા છે. ગામમાં કોઈપણ મુશ્કેલી તથા કોઈપણ તકરાર હોય તો તેઓ બંને પક્ષોને ગામના પંચમાં ભેગા કરી મધ્યસ્થી બની સુખદ સમાધાન પણ કરાવી આપે છે. તથા ગામના શિક્ષિત યુવાનોને પણ યોગ્ય માર્ગદર્શન આપે છે. માજી સભ્ય મનસેભાઈ બાગુલ અગાઉ 2 ટર્મ સુધી કોંગ્રેસમાંથી દબદબાભેર ચુંટાઈ આવ્યા હતા. પરંતુ ગામ સહિત વિસ્તારના વિકાસની ઉણપને જોઈને તેઓ હાલમાં સત્તાધારી પાર્ટી ભાજપમાં જોડાઈ ગયા છે. અને સત્તાધારી પાર્ટીમાં જોડાઈને હાલમાં ગામ સહિત વિસ્તારના વિકાસ માટે ચિંતિત બની કાર્યશીલ બન્યા છે. આગેવાન મનસેભાઈ બાગુલ ગામના શિક્ષિત ન હોય તેવાં વૃદ્ધ ભાઈ-બહેનોની સહાયકીય યોજનાઓમાં આહવા સુધી દોડી જઈ મદદરૂપ બની ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યા છે. જેથી ગામના અગ્રણી તરીકે આજે પણ તેઓની લોકચાહના અકબંધ જોવા મળે છે.
ગામનો વિકાસ કરવા તત્પર રહીશ : સુનંદાબેન બાગુલ
ધૂમખલ ગામની શિક્ષિત અને યુવાન મહિલા અગ્રણી એવાં સુનંદાબેન મનસેભાઈ બાગુલ હાલમાં જ નર્સિંગ જી.એન.એમ.નો કોર્સ પૂર્ણ કરી ભાજપા પાર્ટીમાં જોડાઈ છે. આ શિક્ષિત યુવતી ગ્રુપ ગ્રામ પંચાયત જાખાનામાં ભાજપા પેનલમાંથી દબદબાભેર ચુંટાઈ આવી છે. અને હાલમાં ઉપ સરપંચનો હોદ્દો ગ્રહણ કરી ધૂમખલ ગામની સત્તાની કમાન સંભાળી છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ મેળવીને હું મારા ગામના અગ્રણી તરીકે સેવા આપી રહી છું. અને હાલમાં ગામમાં જ રહું છું. જેથી ગામના તમામ લોકો સાથે સંપર્કમાં રહું છું. ગામલોકોની સલાહ-સૂચન મુજબ ગામમાં વિકાસનાં કામોની ચર્ચા કરી ઉપલા લેવલે રજૂઆત કરી યોજના સફળ બનાવવા માટે તંત્રમાં હું રજૂઆત કરું છું. અમારા નાનકડા ગામમાં શાંતિનો માહોલ જોવા મળે છે, અને તેઓ ગામના હિતેચ્છુને સારી રીતે ઓળખે છે. ધૂમખલ ગામમાં યુવા મહિલા નેતા તરીકે ઉભરી આવ્યા બાદ સરકારની ગ્રાન્ટ થકી ગામનો વિકાસ સારી રીતે થાય એ માટે વારંવાર તંત્રમાં રજૂઆત કરું છું. આવનારા દિવસોમાં આ ગામનો વિકાસ કરવા માટે મારા પ્રયત્નો રહેશે.
ભુલાઈ નથી પરંપરા: ઉત્સાહપૂર્વક થાય છે તહેવારોની ઉજવણી
ધૂમખલ ગામમાં સંપ સારો હોવાથી ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધન, મકરસંક્રાંતિ, દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં સાથે મળી શ્રદ્ધા તથા ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.