બારડોલી: (Bardoli) બારડોલી-કડોદ રોડ પર ધામડોદ ફાટક પાસે આવેલી શાળાના (School) આચાર્યએ બોલાવતા વાલીઓ વિદ્યાર્થીઓને લઈને શાળાએ પહોંચ્યા હતા. પરંતુ સ્થળ પહોંચીને જોતાં વાલીઓ ચોંકી ઊઠ્યા હતા. સ્થળ પરથી શાળા જ ગાયબ થઈ ગઈ હતી. શાળા સંચાલકોએ બિલ્ડરને ભાડું નહીં ચૂકવતાં બે મહિના પહેલા જ શાળા ખાલી કરાવી દીધી હતી. જેને પગલે શાળામાં એડમિશન લેનાર 30 જેટલાં બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
- શાળા સંચાલકોએ બિલ્ડરને ભાડું નહીં ચૂકવતાં બે મહિના પહેલાં જ શાળા ખાલી કરાવી દીધી : એડમિશન લેનારાં 30 બાળકનું ભવિષ્ય જોખમમાં મુકાયું
- આચાર્યએ વાલીઓને શાળાએ બોલાવ્યા, તેઓ વિદ્યાર્થીઓને લઈને શાળાએ પહોંચતાં જ ચોંકી ઊઠ્યા, શાળા હતી જ નહીં, બોર્ડ પણ ન દેખાતાં ચિંતામાં મુકાઈ ગયા
બારડોલીમાં ગુરુવારના રોજ અજીબોગરીબ ઘટના સામે આવી હતી. ગાંધી રોડ પર શાંતિ જુનિયરના નામથી ચાલતી શાળા ટ્રાન્સફર કરી બારડોલી-કડોદ રોડ પર ધામડોદ રેલવે ફાટક પાસે નવી બનેલા બિલ્ડિંગમાં શાંતિનેરેશનના નામથી નર્સરીથી ધો.8 સુધીની ગુજરાત બોર્ડ અને કેન્દ્રીય બોર્ડની શાળા શરૂ કરવામાં આવી હતી. જો કે, લોકડાઉન દરનિયાન આ શાળા શરૂ થઈ શકી ન હતી. પરંતુ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હતી અને બે વર્ષથી ઓનલાઈન શાળા ચાલતી હતી. સરકારની ગાઈડલાઇન મુજબ તમામ ધોરણોને પ્રત્યક્ષ શિક્ષણની મંજૂરી આપી દેવામાં આવી હતી. તેમ છતાં આ શાળા દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું ન હતું. વાલીઓની વારંવારની ફરિયાદ બાદ આચાર્યાએ મેસેજ કરી ગુરુવારના રોજ વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા હતા.
આથી ગુરુવારે સવારના સમયે વાલીઓ શાળાએ પહોંચતાં જ તેઓ ચોંકી ઊઠ્યા હતા. ત્યાં શાળા હતી જ નહીં. શાળાના બોર્ડ કાઢી નાંખવામાં આવ્યાં હતાં. બિલ્ડર પાસેથી વાલીઓને જાણવા મળ્યું હતું કે, સંચાલક માર્ગશી વ્યાસે ભાડું નહીં ચૂકવતાં બે મહિના પહેલા જ શાળા ખાલી કરાવી દીધી હતી. આ ઉપરાંત શાળા સંચાલકોએ હાલ ફાયર સુવિધા ન હોવાથી શાળાને પરવાનગી મળી ન હોવાનું જણાવી હાથ ઊંચા કરી દેતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એડમિશન લેનાર 30 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી હોવાના આરોપ વાલીઓએ કર્યા હતા. વાલીઓનો આક્ષેપ છે કે, સંચાલકો ફી અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ આપતા નથી. જેને કારણે અમારે બીજી શાળાએ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
ગાંધી રોડ પરથી ધામડોદ સ્થળાંતર કરાયા બાદ સ્કૂલ બંધ
વાલી સપનાવી પટેલે જણાવ્યું હતું કે, અમે ત્રણ વર્ષ પહેલાં ફી ભરી દીધી હતી. અમને ફોર્મ ભરવા માટે બોલાવ્યા પણ અહીં આવ્યા બાદ આચાર્યએ અચાનક કહ્યું કે, અહીં સ્કૂલ ચાલશે નહીં. અમે એડમિશન લીધું સમયે ગાંધી રોડ પર સ્કૂલ હતી તે ધામડોદ સ્થળાંતર કરવા બાબતે અમને કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. અને ધામડોદ આવ્યા તો અહીં શાળા બંધ થઈ ચૂકી હોવાની જાણકારી મળી છે.
આચાર્યએ વાલીઓને કહ્યું: ‘શાળાને મંજૂરી મળી નથી તેની જાણ મને પણ હમણા જ થઈ’
વાલી સચિન કાકડિયાએ જણાવ્યું હતું કે, અમે અહીં આવ્યા તો બિલ્ડરના માધ્યમથી જાણવા મળ્યું કે, બે મહિના પહેલાં નોટિસ આપી શાળા ખાલી કરાવી દીધી છે. તો હવે અમારાં બાળકોના ભવિષ્યનું શું? શાળાના આચાર્યાનો સંપર્ક કરતાં તેમણે સમગ્ર દોષનો ટોપલો સંચાલકો પર ઢોળ્યો હતો. તેમણે કહ્યું કે, શાળાને મંજૂરી મળી નથી તેની જાણ મને પણ હમણા જ થઈ છે.