સુરત: (Surat) સુરતની એસટીએમ (STM) માર્કેટના વેપારીઓને માર્કેટની લીઝ (Lease) રિન્યુ કરવા માટે મોકલાયેલા મેસેજમાં (Message) બે ચેક લાવવાના અને તેમાં પણ એક લાખનો એક ચેક ભાજપના (BJP) નામનો લાવવાના મેસેજને પગલે ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે. અગાઉ જ્યારે જંત્રીના ભાવે એટલે કે 127 કરોડનું પ્રિમીયમ લઇને 49 વર્ષની લીઝ રિન્યુ કરવાનો ઠરાવ કરી દેવાયો હતો ત્યારે ભાજપના પાર્ટી ફંડના આક્ષેપો થયા હતા. ત્યારે આ મેસેજેને પગલે આ આક્ષેપોને બળ મળ્યું છે. મેસેજમાં એમ પણ જણાવાયું છે કે, ભાજપને પાર્ટી ફંડમાં આપનારા એક લાખ રૂપિયા ઇન્કમટેક્સમાં રિફંડેબલ છે.
- STM માર્કેટની લીઝ રિન્યુ કરાવવા ભાજપને એક-એક લાખના ફંડના ચેકના મેસેજથી વિવાદ
- માર્કેટના મેનેજિંગ કમિટી દ્વારા વેપારીઓને મેસેજ મોકલાયા કે બે ચેક લાવવાના છે અને તેમાં એક લાખનો એક ચેક ભાજપનો હશે
- મેસેજને પગલે રાજકીય ખળભળાટ, ભાજપને પાર્ટી ફંડ આપવાનું હોવાથી અલગથી એક લાખ મંગાયાની ચર્ચા
વિસ્તૃત વિગતો મુજબ, સુરત ટેક્સટાઈલ માર્કેટના મેનેજિંગ કમિટીના સભ્ય અને કાપડ વેપારી દિનેશકુમાર રાઠોડ દ્વારા હાલમાં જ માર્કેટના 1033 દુકાનદારને એક મેસેજ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ વેપારીઓને અપીલ કરી હતી કે, માર્કેટ લીઝ માટે સુરત મહાનગર પાલિકામાં આગામી 5મી માર્ચ પહેલાં રકમ જમા કરાવવાની છે અને તે માટે તમામ વેપારીઓએ ચાર લાખનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે, જ્યારે એક લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવાનો ખુલ્લંખુલ્લો નિર્દેશ અપાયો છે.
આ મેસેજને પગલે વેપારીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, ભાજપને એક લાખ રૂપિયાનો ચેક આપવાનો તે પાર્ટી ફંડ પેટે ફરજિયાત છે કે મરજિયાત છે તેની કોઈ ચોખવટ આ મેસેજમાં કરવામાં આવી નથી. સુરત ટેક્સટાઈલ માર્કેટના કર્તાહર્તા દિનેશ રાઠોડ દ્વારા વધુમાં વેપારીઓને જણાવાયું છે કે, આ બંને ચેકો તાત્કાલિક માર્કેટ ઓફિસમાં જમા કરાવવાના રહેશે અને તેમ છતાં જો કોઈ વેપારીને આ અંગે શંકા-કુશંકા હોય તો તેના મોબાઇલ નંબર પર સંપર્ક કરી શકે છે. જો કે, સમગ્ર પ્રકરણમાં વિવાદનું કેન્દ્ર બનેલા વેપારી અને એસટીએમના મેનેજિંગ કમિટીના સભ્ય દિનેશ રાઠોડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, તો તેનો ફોન નો રિપ્લાય આવ્યો હતો.
આ મેસેજ ખોટો છે, અમે તપાસ કરીશું કે દિનેશ રાઠોડ કોણ છે : શહેર ભાજપ
શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, આ મેસેજ ખોટો છે. ભાજપે આવી રીતે કોઇ પાર્ટી ફંડ માંગ્યું નથી. અમારો એવો કોઇ એજન્ડા નથી. એસટીએમ માર્કેટના સંચાલકોને પણ પૂછી શકો છો, અમે તપાસ કરીશું કે આ દિનેશ રાઠોડ કોણ છે અને કયા હેતુથી આવો મેસેજ કર્યો છે.
ભાજપ શાસકોની પોલ ખૂલી ગઈ છે : અસલમ સાયકલવાલા
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં શાસકો દ્વારા બહુમતીના જોરે પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે અસમલ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, એક વેપારીની અપીલથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપ શાસકોની પોલ ખૂલી ગઈ છે. શહેર હિતને ગીરવે મૂકી સ્થાયી સમિતિ દ્વારા એસટીએમ માર્કેટ ૧૨૭ કરોડમાં ૫૦ને બદલે ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપવાના નિર્ણય પાછળનો આશય હવે ખુલ્લો પડી ગયો છે.
અમે પરિપત્રમાં આવી કોઈ સૂચના આપી નથી : ફૂલચંદ રાઠોડ
આ બાબતે પૂર્વ પ્રમુખ અને એસટીએમ માર્કેટના વર્તમાન સભ્ય ફૂલચંદ રાઠોડે જણાવ્યું હતું કે, દરેક વેપારીને લીઝ રિન્યુ કરવા માટે પાંચ લાખ રૂપિયાનું ફંડ આપવા અમે પરિપત્ર જારી કર્યો છે એ વાત સાચી છે. પરંતુ અમે ભાજપને એક લાખનું પાર્ટી ફંડ આપવાનો કોઇ સર્ક્યુલર જાહેર કર્યો નથી. કોઇ સ્વૈચ્છાએ આપવા માંગતું હોય તો અમે રોકી શકીએ નહીં.