Business

હિંદુ-મુસ્લિમ સમન્વયની અવનવી વાતો….

હિન્દુ-મુસ્લિમ વિવાદ આપણો પીછો છોડી રહ્યો નથી. કોઈને કોઈ સ્વરૂપે આ વિવાદ સતત ચાલતો રહે છે. જેમ હિંદુ-મુસ્લિમમાં રહેલાં ભેદ હંમેશા વિવાદમાં દર્શાવવામાં આવે છે તેમ આ બંને ધર્મીઓ વચ્ચે કેટલાંક સમન્વયના દાખલા પણ છે. આ સમન્વય સદીઓથી છે, અને હજુ સુધી તે ચાલી રહ્યાં છે. આ વિશે રામફલ સિંઘે વિસ્તારપૂર્વક કાર્ય કર્યું છે. રામફલ સિંઘને વિદ્યાર્થીકાળમાં એવો વિચાર આવ્યો હતો કે તેઓ હિંદુ-મુસ્લિમ વિશે લખશે અને તેમાં આ બંને ધર્મના લોકો એકબીજા સાથે કેવી રીતે સમન્વય ધરાવે છે તેના પર ખાસ પ્રકાશ પાડશે. રામફલ સિંઘને આ બધું બાળપણમાં આસપાસમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે જોયેલી એકતા પરથી સૂઝયું હતું. તેઓએ આ વિચારને બે ભાગમાં મૂકી આપ્યો છે અને તે પુસ્તકોનાં નામ છે : ‘હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક એકતા કા ઇતિહાસ’. હિંદીમાં લખાયેલા આ પુસ્તકની પ્રસ્તાવના ‘નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ના સભ્ય રહી ચૂકેલા ડો. કમરુદ્દીને લખી છે. તેઓએ રામફલ સિંઘના પ્રયાસને વધાવી આપ્યો છે. આ પુસ્તકની પૂર્વભૂમિકા બાંધતા રામફલ સિંઘ લખે છે કે, “આ બંને ધર્મના લોકો એકબીજાથી ખૂબ નિકટ છે. યુદ્ધની વાત કરીએ તો મહાભારત કાળમાં હિંદુ, હિંદુ સામે જ લડ્યો છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ જોઈએ તો તેમાં પણ આપણને યુદ્ધ જ યુદ્ધ દેખાશે. અને જો મુસ્લિમ દેશોનો ઇતિહાસ જોઈએ તો તેમાં પણ યુદ્ધો જ નજરે ચઢશે. પણ આટલાં યુદ્ધો હિંદુઓ અને મુસલમાનો વચ્ચે નથી થયાં.”

હિંદુ-મુસ્લિમ એકતાને રામફલ સિંઘે શરૂઆતથી મૂકી આપી છે. આ બંને ધર્મોના પ્રારંભિક કાળ વિશે રામફલ સિંઘ પ્રથમ પ્રકરણમાં લખે છે : “ભારતમાં ઇસ્લામનું આગમન અને પ્રસાર એ યુદ્ધ, વિજય, શક્તિ અને વેપારના પ્રયોગની કહાની છે. ખલીફાઓના શાસનમાં અરબ દેશના કેટલાંક વેપારીઓ ભારતના પશ્ચિમી દરિયા તટ પર આવીને વસ્યા. તદ્ઉપરાંત અનેક અરબ વેપારીઓ અરબસ્તાનમાંથી વેપારના ઉદ્દેશ્યથી ભારતમાં આવતાં-જતાં રહ્યા. તત્કાલિન ભારતીય રાજાઓએ અરબ વેપારીઓને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આ રાજાઓની ધાર્મિક સહિષ્ણુતા અને ઉદારતાનો લાભ ઉઠાવીને આ વેપારીઓએ ઇસ્લામનો પ્રચાર કર્યો.” આ રીતે અરબસ્તાનમાંથી ઇ.સ. 637-38માં અને તે પછી 643-44માં ભારતીય સમુદ્ર તટ પર અરબો દ્વારા હુમલાની ઘટના બની. જોકે તેની અસર ઝાઝી ન થઈ. ઇ.સ. 711માં મુહમ્મદ બિન કાસિમ દ્વારા સિંધ પ્રાન્ત પર આક્રમણ થયું અને તેનાથી વાતાવરણ ડહોળાવાની શરૂઆત થઈ. જોકે આ સમય જેમ હિંદુ-મુસ્લિમ વિવાદની શરૂઆત હતી, તેમ તેમની વચ્ચેના સમન્વયનો પણ પ્રારંભ હતો – તેમ રામફલ સિંઘ લખે છે.

તે પછી આ બંને ધર્મોએ એકબીજા સાથે સહઅસ્તિત્વ કેળવ્યું અને તેનાથી એક આખી સંસ્કૃતિ હિંદુસ્તાનમાં નિર્માણ પામી. રામફલ સિંઘે તેનાથી જ્યાં-જ્યાં હિંદુસ્તાનને નુકસાન પહોંચ્યું છે તે તો બયાન કર્યું છે; પણ તે પછી જે મળ્યું છે તે પણ સરસ રીતે મૂકી આપ્યું છે. અહીં પૂરી ચર્ચામાં એટલું યાદ રાખવું કે અત્યારે જે ભારત આપણે જોઈએ છે તે ભારત ત્યારે નહોતું. તે છૂટાછવાયાં રજવાડાં હતા અને તે રજવાડાંઓનાં અલગ-અલગ નિયમ-કાયદા હતા.

આ રીતે પૂરા દસ અધ્યાયમાં રામફલ સિંઘે આ બંને ધર્મો વચ્ચે થયેલાં સંઘર્ષ સાથે સમન્વયનો ઇતિહાસ આલેખી આપ્યો છે. અંતિમ પ્રકરણ ‘હિંદુ-મુસ્લિમ એકતા – અન્ય પ્રમુખ ક્ષેત્ર’માં કેટલીક રસપ્રદ વિગત રામફલ સિંઘે રજૂ કરી છે. જેમાં તેઓ એક ઠેકાણે લખે છે : “ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ગાજી મિયા નામના મુસ્લિમ છે. તેઓ ઉર્સ મનાવે છે અને સાથે મકબરાની પૂજા કરે છે. પૂર્ણિયા જિલ્લામાં કેટલાંક હિંદુ ધર્મીઓ અને મુસલમાનોમાં ધાર્મિક શ્રદ્ધા અને માન્યતાઓ ખાસ્સી એક જેવી છે. અહીં દરેક મુસ્લિમના ઘર પાસે ‘ખુદા કા ઘર’ નામની જગ્યા મળે છે, જ્યાં નાનકડું સ્મારક નિર્માણ થયું હોય છે. આ સ્થાને અલ્લાહ અને કાલી બંનેના નામની પ્રાર્થના થાય છે.” એ રીતે પુસ્તકમાં રામફલ સિંઘ આ પ્રકરણમાં એવી પણ વિગત આપે છે કે, મધ્ય પ્રદેશમાં ઇન્દોરમાં મુસ્લિમો, પટેલ અને મરાઠાઓ હિંદુ નામ ધરાવે છે. હિંદુઓની જેમ જ વસ્ત્ર ધારણ કરે છે. હિંદુઓની જેમ ભવાની અને અન્ય દેવી-દેવતાઓની પૂજા કરે છે.

રામફલ સિંઘે આવાં અનેક દાખલાઓ આપ્યા છે અને તેમાં ઠેક-ઠેકાણે સમન્વય દેખાય છે. આ સમન્વય ક્યાંય સંઘર્ષથી જન્મ્યો છે તો વળી ક્યાંક તે અસ્તિત્વના પ્રશ્નથી આવ્યો છે. મહારાષ્ટ્રના બુલદાનામાં એ રીતે કેટલાંક દેશમુખ અને દેશપાંડેએ જે-તે સમયે ઇસ્લામનો સ્વીકાર કરી લીધો હતો. પરંતુ તેમ છતાં તેઓ ગુપ્ત રીતે દેવી-દેવતાઓની પૂજા કરતાં રહ્યાં. અને તે માટે તેઓ બ્રાહ્મણોને સુધ્ધાં બોલાવતા હતા. થારા, અહમદનગર, બાજીપુરના કસાઈ સુધ્ધાં હિંદુ ધર્મ પ્રત્યે સહિષ્ણુ છે. તેઓ ગાય માંસ ખાનારને અસ્પૃશ્ય ગણે છે. જો કે તેમના લગ્ન તથા અન્ય ધાર્મિક કાર્ય અર્થે તેઓ કાજીને નિમંત્રણ આપે છે. અહમદનગરના કાજી બકર કસાબસ અને પિંજારા હજુ પણ હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરે છે અને પોતાના ઘરમાં મૂર્તિઓ રાખે છે.

સામાન્ય રીતે હિંદુ-મુસ્લિમ ધર્મ પ્રત્યે જે પણ અભ્યાસ થયો છે તે તેમની વચ્ચે રહેલાં ભેદને લઈને થયો છે. એ વાસ્તવિકતા છે કે આ બંને ધર્મ અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવે છે અને તે બંને ધર્મો થકી અલગ-અલગ સંસ્કૃતિ જન્મી, પરંતુ ભારતમાં આ બંને ધર્મોનો અવિરત વિવાદ રહ્યો છતાંય તેમની વચ્ચે સમન્વય પણ થયો છે. આ સમન્વયનો એક હિસ્સો આઝાદીની લડત દરમિયાન પણ જોવા મળ્યો, જ્યારે હિંદુ-મુસ્લિમ એક થઈને બ્રિટિશરો સામે લડ્યા. જોકે અંતિમ પરીણામ વિભાજનથી આવ્યું. તેમ છતાં આ વિવાદ સાથે જ્યાં-જ્યાં સમન્વય આ ધર્મો વચ્ચે છે તે પણ માહિતી જાણવી જરૂરી છે. રામફલ સિંઘ એ રીતે રાજસ્થાનના સૂરતગઢનો દાખલો ટાંકે છે. અહીં એક મંદિર છે, જેના પૂજારી મુસ્લિમ છે. જે મૂર્તિપૂજા તો કરે જ છે, પણ અન્ય વિધિ પણ કરે છે. આ કાર્ય અનેક પેઢીથી ચાલતું આવ્યું છે. ગુજરાતમાં પણ આવાં અનેક સ્થાનકો છે જ્યાં હિંદુ-મુસ્લિમ સરખી આસ્થા ધરાવે છે.

આ પુસ્તકની દરેક વિગતોને ગ્રાહ્ય રાખીએ કે નહીં, પણ એક વાર તો આ રોચક પ્રસંગોમાંથી પસાર થવાનું ગમે એવું છે. હિંદુ ધર્મમાં જેમ અનેક એવી પ્રથાઓ છે જે અંધવિશ્વાસને ફેલાવે છે. આ પ્રકારની પ્રથા ભારતના મુસ્લિમોમાં પણ જોવા મળે છે. સમન્વયનું આવું એક સ્થળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનું છે. અહીંયા ઇમામબાડા આવેલું છે જ્યાં રોશનઅલી નામના એક શિયા ફકીર થઈ ગયા. અહીં એક પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરવાનો રિવાજ છે. આ અગ્નિ પર હિંદુ અને મુસલમાન બંને શ્રદ્ધા ધરાવે છે. અહીંના અનેક મુસલમાન હિંદુ તહેવારો ઉજવે છે.

રામફલ સિંઘે પુસ્તકના અંતિમ ભાગમાં મુસલમાન અહીંયા આવીને વસ્યા અને તેમને હિંદુઓ તરફથી કેવી રીતે મદદ મળી તે પણ વિગતો વિસ્તૃત રીતે ટાંકી છે. અનેક મુસ્લિમ શાસન હિંદુઓના બળે જ ટકી રહ્યા અને તેમનો વહીવટ પણ હિંદુઓ થકી ચાલતો રહ્યો. એક વાર મુસ્લિમોએ ભારતને ઘર બનાવી લીધું પછી હંમેશ માટે તનાવપૂર્ણ સ્થિતિમાં રહેલું અશક્ય હતું. તેથી પછી એક સમય એવો આવ્યો જ્યારે અરસપરસ સદભાવના કેળવાઈ. ઘણાં એવાં પણ હતા જેઓએ ધર્મપરિવર્તન કર્યો. રાજનીતિક ક્ષેત્રમાં મુસલમાન આવ્યા તે અગાઉ ભારતમાં સામંતવાદી વિચારધારા પ્રભાવી હતી. જેમાં સ્વતંત્ર રીતે નાનાં-નાનાં રાજ્યોમાં તેઓ રહેવા ટેવાયેલાં હતા.

પરંતુ મુસ્લિમ સત્તા આવવાથી તેનો અંત આવ્યો અને ભારતમાં રાજનીતિક એકતા આવી. સલ્તનત યુગમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક રીતે એટલી પ્રગતિ થઈ ચૂકી હતી કે જ્યારે બાબર આવ્યો ત્યારે તેની સામે હિંદુઓ અને મુસ્લિમ બંનેએ મળીને સંઘર્ષ કર્યો. આ વિગત કે.એમ.અશરફ નામના સંશોધકે લખી છે. હિંદુ-મુસ્લિમ એકતાનું એક રોચક તત્વ એ પણ છે કે આટલાં લાંબા પટના ઇતિહાસમાં ભારતમાં અનેક એવાં હિંદુ હતા જેઓ મુસ્લિમ પીર પર શ્રદ્ધા ધરાવતા હતા અને એ રીતે અનેક હિંદુ યોગીઓના શિષ્ય મુસ્લિમ હતા. સર ટી. ડબલ્યુ. આરનોલ્ડ તો ત્યાં સુધી કહે છે કે, બંને વિપરીત ધર્મોના સંતો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છુપો નહોતો. આ રીતે હિંદુ-મુસ્લિમ વિવાદમાં હિજાબ અને અન્ય અનેક મુદ્દા છે, તે રીતે તેમની વચ્ચે સમન્વય પણ હતો અને છે, અને રામફલ સિંઘના આ પુસ્તકમાં આ સમન્વય અનેક વિદેશી અભ્યાસુઓએ પણ માન્ય રાખ્યો છે તેવાં સંદર્ભ મળે છે.

Most Popular

To Top