જુગારીઓને દંડા મારવાનું પોલીસને ભારે પડ્યું!, ગુજરાતમાં પહેલીવાર આખા પોલીસ સ્ટેશનના સ્ટાફની બદલી – Gujaratmitra Daily Newspaper

જુગારીઓને દંડા મારવાનું પોલીસને ભારે પડ્યું!, ગુજરાતમાં પહેલીવાર આખા પોલીસ સ્ટેશનના સ્ટાફની બદલી

સુરત : જુગારીઓને (Gambler) માર મારવાના કિસ્સામાં હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનરને (Surat Police Commissioner) પણ ટકોર કરીને 25 હજારનો દંડ (Fine) કરવાના કેસમાં હવે સુરત પોલીસ કમિશનરે સલાબતપુરા પીઆઇ સહિત સમગ્ર સ્ટાફની સાગમટે બદલી (Transfer) કરી નાંખતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. સલાબતપુરા પીઆઇ કિકાણીને ચોકબજાર અને ચોકબજારના પીઆઇ ચૌધરીની આંતરિક બદલી કરવામાં આવી હોવાની વિગતો પણ મળી છે. આ સમગ્ર સ્ટાફમાં (Staff) 1 પીઆઇ, 11 જેટલા પીએસઆઇ અને બીજા 104 સ્ટાફ સહિતની બદલી કરી દેવામાં આવી છે. આ બદલી સુરત અને ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર કરવામાં આવી હોવાનું પણ કહેવાઇ છે. સુરતના કોઇપણ પોલીસ મથકમાં આવી રીતે અગાઉ ક્યારેય પણ પીઆઇથી લઇને એલઆર સહિતના સ્ટાફની બદલી થઇ નથી.

  • સલાબતપુરા પીઆઇ સહિત સમગ્ર સ્ટાફની સાગમટે બદલી (Transfer) કરી નંખાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો
  • સલાબતપુરા પીઆઇ કિકાણીને ચોકબજાર અને ચોકબજારના પીઆઇ ચૌધરીની આંતરિક બદલી કરવામાં આવી
  • 1 પીઆઇ, 11 જેટલા પીએસઆઇ અને બીજા 104 સ્ટાફ સહિતની બદલી કરી દેવામાં આવી
  • માનદરવાજા પાસે પોલીસે જુગારીઓને પકડીને ઢોર માર મારતા મામલો ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) પહોંચ્યો હતો

આ વાતથી નારાજ સુરતના પોલીસ કમિશનર દ્વારા રવિવારે મોડી સાંજે સમગ્ર સલાબતપુરા પોલીસ સ્ટાફની બદલી કરી નાંખી હતી. જેમાં સલાબતપુરાના પીઆઇ એમ.વી. કિકાણીને ચોકબજાર પોલીસનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જ્યારે ચોકબજારના પીઆઇ એ.એ. ચૌધરીને સલાબતપુરાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સલાબતપુરાના 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત અન્ય હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષક દળને પણ ટ્રાન્સફર કરીને અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી હતી. સલાબતપુરા પોલીસનો વહીવટ કરતા બે વહીવટદારોને 20 દિવસ પહેલા જ બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવી હતી.

ચોક્કસ વેપારી પાર્ટીઓના ઉઠમણામાં સલાબતપુરા પોલીસના હાથ હોવાની શંકાએ બદલી થયાની પણ ચર્ચા
જાણવા મળ્યા મુજબ સલાબતપુરા પોલીસના સમગ્ર સ્ટાફને એક સાથે બદલી કરી નાંખવામાં આવી છે તેમાં ચોક્કસ વેપારી પાર્ટીઓના ઉઠમણાના જવાબદાર હોવાની વાત પણ બહાર આવી છે. સમગ્ર રીંગરોડ અને તેની અંદરની હજ્જારો ટેક્સટાઇલ માર્કેટ સલાબતપુરા પોલીસની હદ વિસ્તારમાં આવે છે. આ કાપડના વેપારીઓ સમયાંતરે અંદાજીત 150 કરોડથી પણ વધુના ઉઠમણા કરીને ફરાર થઇ ગયા છે. આ તમામ વેપારીઓના ઉઠમણામાં સલાબતપુરાના પીઆઇ સહિતના સ્ટાફે ભૂંડિ ભૂમિકા ભજવીને હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. પોલીસની આવી કરતૂતને લઇને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને વેપારી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસની ગેરરીતિને લઇને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) પણ આકરી કાર્યવાહી કરાની ચીમકી આપી હતી. ત્યાં જ સમગ્ર સ્ટાફની એક સાથે બદલી કરવામાં આવતા અનેક ચર્ચા જોવા મળી હતી.

Most Popular

To Top