વલસાડ : વલસાડ (Valsad) અબ્રામા સ્થિત એસ.ટી (S.T) વિભાગીય કચેરીના વિભાગીય નિયામક ક્લાસ- 2 ઓફિસર (Class-2 Officer) ફરિયાદી તથા તેમના સહ કર્મચારીની ખાતાકીય તપાસની પતાવટ કરી ઓછો દંડ કરવાના અવેજ પેટે રૂ.10 હજારની લાંચ (Bribery) લેતા ગુરુવારે એસીબીના (ACB) અધિકારીઓના હાથે ઝડપાતા એસ.ટી વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.
એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી દિલીપભાઈ વાઘજીભાઈ ચૌધરી, ડિવિઝનલ કન્ટ્રોલર, (Divisional Controller) વિભાગ્ય નિયામક એસ.ટી.વિભાગીય કચેરી વલસાડ જે ખાતાકીય કેસની પતાવટ કરી આપી ઓછામાં ઓછો દંડ કરવાના અવેજ પેટે આરોપીએ ફરીયાદીના રૂપિયા પાંચ હજાર તથા તેમના સહ કર્મચારીના રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા ૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
પરંતુ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા નહીં હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરિયાદી પાસેથી રૂા.૧૦,૦૦૦ ની લાંચની માંગણી સ્વીકારતા સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેપીંગ અધિકારી તરીકે એન.કે.કામળીયા, પો.ઇન્સ., નવસારી એસીબી પો.સ્ટે. નવસારી તથા એસીબી સ્ટાફ અને સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરતે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમાં એસીબી (ACB) દ્વારા વર્ષ 2021માં 173 કેસો કરવામાં આવ્યા છે. જેમાં 122 અધિકારીઓ તથા કર્મચારીઓને છટકામાં ઝડપી લેવાયા છે. 11 જેટલા કેસોમાં અધિકારીઓની કાયદેસરની આવક કરતાં કરોડોની વધુ મિલકતો શોધી કાઢવામાં આવી છે. 2021ના વર્ષ દરમ્યાન ગૃહ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ સહિત 74 કેસો કરાયા છે. બીજા ક્રમે પંચાયત વિભાગના અધિકારીઓ સામે 48 કેસો તથા બીજા ક્રમે 45 કેસો કરાયા છે. એસીબી દ્વારા 287 જેટલા વચેટિયા તથા દલાલો સહિતના ખાનગી લોકોની ધકરપકડ કરી લેવાઈ છે. એસીબીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે એસીબી દ્વારા 318 ગુનામાં ચાર્જશીટ કરી દેવાઈ છે. સરકારી બાબુઓ સામેની 3939 જેટલી અરજીઓનો નિકાલ કરાયો છે. આરોપીઓને સજા કરાવવાનો દર 40 ટકા હતો તે વધીને 43 ટકા થયો છે.
11 જેટલા કેસોમાં અધિકારીઓની કાયદેસરની આવક કરતાં કરોડોની વધુ મિલકતો શોધી કાઢવામાં આવી
અપ્રમાણસર મિલકતો વસાવવાના 11 કેસોમાં 2021માં ભ્રષ્ટ અધિકારીઓની 56 કરોડની મિલકતો શોધી કાઢવામાં આવી છે. જ્યારે અગાઉના વર્ષે એસીબી દ્વારા 50 કરોડની મિલકતો શોધી કઢાઈ છે. ગાંધીનગરમાં એસીબી દ્વારા સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર વર્ગ -2ની સામે ગુનો દાખલ કરીને 2.27 કરોડ રોકડા જપ્ત કરી લીધા હતા.
આણંદ એસીબી દ્વારા અમદાવાદ રેન્જના આર આર સેલના એએસઆઈ પ્રકાશસિંહ રાઓલને છટકુ ગોઠવીને 50 લાખ રોકડ જપ્ત કરી હતી. તેવી જ રીતે અમદાવાદ જિલ્લાના ધોળકાના મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોર સામે ગુનો દાખલ કરીને 25 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. ગાંધીનગરમાં કલોલમાં ઈ-ધરા નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે 30 કરોડથી વધુની પ્રોપર્ટી ધરાવતા હોવાનો કેસ કરાયો છે. પંચમહાલમાં મનરેગા યોજના સાથે સંકળાયેલા હેમંત પ્રજાપતિ , કિર્તીપાલસિંહ સોલંકી, ઝરીના વાસીમ અન્સારી અને રિયાઝ રફિકભાઈ મન્સુરી સામે ગુનો દાખલ કરીને 2.45 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. દ્વ્રારકાના નાયબ કલેકટર નિહાર ભેટારિયા 3 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.