પલસાણા: (Palsana) પલસાણામાં પરિવાર સાથે રહેતી 12 વર્ષીય સગીરાને તેની બહેનપણીના ઘરે દિલ્હીથી આવેલો યુવક લગ્નની (Marriage) લાલચે ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ યુવાન વિરુદ્ધ અપહરણની (Kidnapping) ફરિયાદ નોંધાવી હતી.
- બિહારથી આવેલ યુવક પાંચ જ દિવસમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો
- પલસાણાની સગીરાની બહેનપણીને ત્યાં રોકાયેલા યુવકે ‘ફોન કર્યો અમે બંને લગ્ન કરવાના છે’
પલસાણાના મેઘ પ્લાઝા પાસે આવેલા સૂર્યમ પેલેસમાં દિલ્હીથી તેની માસીને ત્યાં રહેવા આવેલો સુંદર મહેશ શાહુ (મૂળ.રહે, છછાબલિયા, જી.મધુબન, બિહાર) ગત.તા.૨૩ ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં તેની માસીની દિકરીની 12 વર્ષીય બહેનપણીને ભગાવી ગયો હતો. આ યુવક દિલ્હીથી ચાર પાંચ દિવસ અગાઉ જ આવ્યો હતો અને ત્યારથી આ સગીરાની સાથે મિત્રતા કેળવી ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ સગાસંબધીને ત્યાં શોધખોળ કરી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ રવિવારે પાડોશમાં રહેતા યુવક ઉપર સુંદરે ફોન કરી જણાવ્યું હતું કે ‘અમે બંને લગ્ન કરવાના છે’ તેમ કહી ફોન કટ કરી દીધો હતો. જેથી યુવકે સગીરાના પિતાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ સગીરાએ પિતા સાથે ફોન વાત કરતાં જણાવ્યુ હતું કે ‘સુંદર મને તેની સાથે લગ્ન કરવા માટે લઈ ગયો છે.’ એમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. કિશોરીના પિતાએ આ અંગે યુવક વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.
‘તમને કંપનીમાંથી કાઢી મૂક્યા હવે નવું કામ શોધી લો’ કહેતા ઝઘડો થતાં એકની હત્યા
ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામની રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલા શિવમ કોમ્પલેક્ષના રૂમ નંબર 203માં રહેતા 35 વર્ષિય સંતોષરાય શંકરરાય પાસે શિવમ કોમ્પલેક્ષના 202માં રહેતા વિરેન્દ્ર યાદવ તથા અન્ય બે અજાણ્યા વ્યક્તિ મળવા આવ્યા હતા. તેમણે સંતોષ રાયને જણાવ્યું હતું કે, તમને કંપનીમાંથી કાઢી મૂક્યા હવે નવું કામ શોધી લો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં વિરેન્દ્ર યાદવ સહિતના અન્ય અજાણ્યા બે વ્યક્તિએ સંતોષ રાયને માર માર્યો હતો અને નજીકમાં જમીન ઉપર પડેલો સિમેન્ટનો બ્લોક સંતોષ રાયના માથામાં મારી દેતા તે ગંભીર રીતે ઘવાયો હતો. જેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રિએ તેનું મોત થતાં પોલીસે વિરેન્દ્ર યાદવ સહિત અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.