સુરત: (Surat) સુરત ક્રાઈમ બ્રાંચે (Crime Branch) મહારાષ્ટ્ર હાઈવે (Maharashtra High way) પર દહીવેલ પાસે સાગર હોટેલ પાસેથી બોલેરો (Bolero) ગાડીમાં કાપડના (Cloth) તાકાની આડમાં દારૂનો (liquor) જથ્થો લાવી રહેલા ચાલકને ઝડપી પાડ્યો હતો. બોલેરો પરવટ પાટિયા બ્રિજ નીચે દારૂની ડિલિવરી આપવાનો હતો. ત્યાં પહોંચે એ પહેલાં લેન્ડમાર્ક માર્કેટ પાસે ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો. તથા લાલો અને રાજુ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, રફીક ઉર્ફે રાજુ મારવાડી, તેના સાગરીતો દ્વારા બોલેરો પીકઅપ વાન (જીજે-05-બીયુ-9711)માં દારૂનો જથ્થો મોકલાયો છે અને તે કડોદરા ચાર રસ્તા પાસેથી પસાર થવાની છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે પરવટ પાટિયા પાસે લેન્ડમાર્ક માર્કેટની સામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બોલેરો આવતાં તેને રોકવામાં આવી હતી. બોલેરોમાં ચેક કરતાં પાછળ સફેદ કલરના કાપડના તાકાનાં પોટલાં હતાં. કુલ 80 પૂઠાનાં બોક્સમાંથી કાપડના તાકાની આડમાં દારૂની બોટલો મળી આવી હતી.
બોલેરો ચાલકનું નામ પૂછતાં વિનોદ ભવરલાલ બિસ્નોઈ (ઉં.વ.24) (રહે.,ઋષિનગર, ગોડાદરા) હોવાનું જણાવ્યું હતું. તેને દારૂના માલ બાબતે પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, રાજુ મારવાડીના કહેવાથી સુરતથી કાપડના તાકા ભરેલો બોલેરી પિકઅપ વાન મહારાષ્ટ્રના દહીવેલ હાઈવે ઉપર આવેલી વિશાલ હોટલ પાસે લઈ ગયો હતો. ત્યાં રાજુ મારવાડીના માણસો આવીને ગાડી લઈ ગયા હતા. અને ક્યાંકથી કાપડની આડમાં દારૂનો માલ સંતાડી લાવ્યા હતા અને આ ગાડી પરવટ પાટિયા બ્રિજ નીચે આપવાનું કહ્યું હતું. પોલીસે ગાડીની અંદર ચેક કરતાં કુલ 2868 દારૂની બોટલ જેની કિંમત 3.98 લાખ રૂપિયાની મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થાની સાથે મોબાઈલ ફોન, બોલેરો પિકઅપ ગાડી મળી કુલ 9.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચાલકને પકડીને લાલો અને રફીક ઉર્ફે રાજુ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યા હતા.