Gujarat Main

રાજ્યમાં કોલ્ડવેવ શરૂ, નલિયામાં પારો 7 ડિગ્રી ઉતરી જવા સાથે 5 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં આગામી 20મી ડિસે. સુધી કાતિલ ઠંડીની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં તીવ્ર ઠંડી રહેશે. શુક્રવારે દિવસ દરમિયાન કચ્છ પ્રદેશ કોલ્ડ વેવની ઝપટમાં આવી ગયો હતો. જેના પગલે કચ્છનું નલિયા 5 ડિગ્રી ઠંડીમાં ધ્રૂજી ઊઠ્યું હતું. રાજ્યમાં અન્ય શહેરોમાં પણ કોલ્ડ વેવની અસરના પગલે જનજીવનને અસર થઈ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તા.18મીના રોજ કચ્છ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં શીતલહેરની અસર વર્તાશે. એ પછી તા.19મી ડિસે.ના રોજ રાજકોટ, અમરેલી, પોરંબદર, જૂનાગઢ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ઠંડીની તીવ્ર અસર જોવા મળશે. એ પછી તા.20મી ડિસે.ના રોજ રાજકોટ, અમરેલી, પોરંબદર, જૂનાગઢ, બનાસકાંઠા તથા ગાંધીનગર પણ તીવ્ર ઠંડીની ઝપટમાં રહેશે. કોલ્ડ વેવની અસર કચ્છના નલિયામાં જોવા મળી રહી છે.

નલિયામાં એકસાથે 7 ડિગ્રી જેટલો ઠંડીનો પારો નીચે ગગડી ગયો છે. હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 12 ડિ.સે., ગાંધીનગરમાં 10 ડિ.સે., ડીસામાં 11 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 14 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 10 ડિ.સે., નલિયામાં 5 ડિ.સે., અમરેલીમાં 9 ડિ.સે., ભાવનગરમાં 11 ડિ.સે., રાજકોટમાં 9 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 11 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top