National

સંસદમાં હંગામો, આ મુદ્દે ચર્ચા કરવા વિપક્ષ અડગ: આખરે લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરવાની ફરજ પડી

નવી દિલ્હી: સંસદનું (Parliament) શિયાળુ સત્ર (Winter Session) શરૂ થઈ ગયું છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વિરોધ પક્ષોને સંસદમાં શાંતિથી પ્રશ્નો પૂછવાની અપીલ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આપણે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર સમજણ અને એકતા સાથે વાત કરવાની જરૂર છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક મહત્વપૂર્ણ અવસર છે જ્યારે આપણે રચનાત્મક ચર્ચા કરીને દેશના હિતમાં આગળ વધવું જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે અને રચનાત્મક ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે સરકાર અને તેની નીતિઓ વિરુદ્ધ સંસદમાં અવાજ બુલંદ હોવો જોઈએ, પરંતુ સંસદ અને અધ્યક્ષની ગરિમા પણ જળવાઈ રહેવી જોઈએ.

દરમિયાન કોંગ્રેસે સંસદ સત્ર પહેલા વિરોધ પક્ષોની બેઠક બોલાવીને રણનીતિ તૈયાર કરી હતી. જો કે, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે આ બેઠકથી દૂરી લીધી હતી. તે જ સમયે, કોંગ્રેસ સંસદમાં ગાંધી પ્રતિમાની બહાર વિરોધ કરી રહી છે. એમએસપીની (MSP) ગેરંટી માટે અલગ કાયદો બનાવવાની કોંગ્રેસના (Congress) નેતાઓની માંગ છે. આ શિયાળુ સત્રમાં એગ્રીકલ્ચર લો (Agriculture Law) રિપીલ બિલ ઉપરાંત 26 અન્ય બિલ (Bill) પણ સરકારના એજન્ડામાં છે. આ જ કારણ છે કે ભાજપ (BJP) અને વિપક્ષે પોતપોતાના સાંસદોને હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. 

નોંધનીય છે કે સંસદનું શિયાળું સત્ર આજથી શરૂ થયું છે. જે 23 ડિસેમ્બર સુધી ચાલનારું છે. આ એક મહિનાના સત્રમાં સરકાર 26 બિલ રજૂ કરનારી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ટ્વીટ કરીને તમામ પક્ષોને સહયોગ કરવાની અપીલ કરી છે, પરંતુ શિયાળું સત્રના પહેલા દિવસની શરૂઆત હંગામાથી ભરપૂર રહી હતી. આજે સરકાર કૃષિ કાયદાને પરત ખેંચવા માટેનું બિલ રજૂ કરશે. લોકસભામાં પાસ થયા બાદ આજે તેને રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવી શકે છે. જોકે, વિપક્ષ કૃષિ કાયદા પર ચર્ચાની માંગ મુદ્દે ધમાલ મચાવી છે. સત્રની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે ખેડૂતોના મુદ્દે હંગામો શરૂ કર્યો હતો. ત્યાર બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

કોંગ્રેસના સાંસદોએ ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું

ખેડૂતોની માંગણીઓ સહિત વિવિધ મુદ્દાઓને લઈને સંસદ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના સાંસદોએ કેમ્પસમાં પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પણ સામેલ હતા. સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા આજે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 11 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જો કે, મમતા બેનર્જીની ટીએમસી અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આ બેઠકમાં સામેલ ન હતી. કોંગ્રેસ ઉપરાંત, જે પક્ષોએ બેઠકમાં ભાગ લીધો હતો તેમાં DMK, NCP, CPM, CPI, RJD, IUML, LJD, નેશનલ કોન્ફરન્સ, MDMK અને RSP સામેલ હતા. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર બાદ લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ લોકસભામાં સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. ત્યારબાદ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસે સંસદની બહાર ગાંધી પ્રતિમા પાસે પ્રદર્શન કર્યું હતું, જેમાં ત્રણેય કૃષિ કાયદા અને MSP ગેરંટી કાયદાને પાછો ખેંચવાની માંગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કર્યું હતું.

સરકાર 20 સાંસદોને સસ્પેન્ડ કરવા પ્રસ્તાવ લાવી શકે છે

શિયાળુ સત્રમાં સરકાર 20 સાસંદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ આપી શકે છે. આ અગાઉ મોનસૂન સત્રમાં આ 20 સાંસદોએ હંગામો મચાવ્યો હતો. જેમાં સૈયદ નાસિર હૂસૈન, રિપુન બોરા, પ્રતાપ સિંહ બાજવા, ફૂલોદેવી નેતામ, છાયા વર્મા, અખિલેશ પ્રસાદ સિંહ, દીપેન્દ્ર હૂડા અને રાજમણી પટેલનો સમાવેશ થાયછે. ઉપરાંત ટીએમસીના ડોલા સેન, શાંતા છેત્રી, મૌસૂમ નૂર, અબીર રંજન બિસ્વાસ અને અર્પતા ઘોષના નામ પણ સામેલ છે. શિવસેનાના પ્રિયંકા ચર્તુવેદી, અનિલ દેસાઈ, ડાબેરીના એલમારામ કરીમ અને આપના સંજય સિંહના નામ પણ છે.

Most Popular

To Top