Gujarat Main

વલસાડમાં 3.5, પાલનપુરમાં 3 ઈંચ: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

અરબી સમુદ્રમા સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં હજુયે આગામી બે દિવસ માટે વરસાદની સંભાવના રહેલી છે. બીજી બાજુ આજે સતત બીજા દિવસે રાજ્યમાં 68 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને વલસાડમાં સાડા ત્રણ ઈંચ તથા ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ ઝીંકાયો છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. પાટણ શહેરમાં પણ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ટ્રાફિકને અસર થઈ છે. વરસાદની સાથે શીત લહેરના કારણે ઠંડીની અસર પણ વર્તાતી હતી. કચ્છના નલીયામાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના રવિ પાકને અને કેટલાંક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખુલ્લામાં મૂકેલો અનાજનો જથ્થો પલડી જતાં ખેડૂતોને નુકસાન થયું છે.

શુક્રવારે સાંજ સુધીમાં રાજ્યમાં 68 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં વલસાડમાં સાડા ત્રણ ઈંચ, પાલનપુરમાં ત્રણ ઈંચ, સુરતના પલસાણામાં અઢી ઈંચ, વાપીમાં સવા બે ઈંચ, ભૂજમાં સવા બે ઈંચ, પાટણના સમીમાં સવા બે ઈંચ, સરસ્વતીમાં સવા બે ઈંચ, નવસારીના વાંસદામાં બે ઈંચ, બનાસકાંઠાના વડગામમાં બ ઈંચ, દાંતામાં બે ઈંચ, ચીખલીમાં પોણા બે ઈંચ, નવસારીમાં દોઢ ઈંચથી વધુ, વિસાવદરમાં સવા ઈંચ, બનાસકાંઠામાં કાંકરેજમાં દોઢ ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં દોઢ ઈંચ, દિયોદરમાં એક, અંજારમાં 1.3 ઈંચ , રાધનપુરમાં 1.2 ઈંચ , સાંતલપુરમાં 1.1 ઈંચ ડીસામાં સવા ઈંચ, અમીરગઢમાં 1 ઈંચ વરસાદ થયો છે. ખાસ કરીને બાકીના અન્ય તાલુકાઓમાં 1 ઈંચ કરતાં પણ ઓછો વરસાદ થયો છે.

રાજ્યમાં સૌથી વધુ કચ્છના નલીયામાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ
દિવસ દરમ્યાન આકાશ વાદળછાયુ રહ્યું હતું. આ ઉપરાંત શીત લહરેની અસર પણ જોવા મળી હતી. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 21 ડિ.સે., ગાંધીનગરમાં 20 ડિ.સે., ડીસામાં 20 ડિ.સે., વડોદરામાં 20 ડિ.સે., સુરતમાં 22 ડિ.સે., વલસાડમાં 17 ડિ.સે., ભૂજમાં 20 ડિ.સે., નલિયામાં 13 ડિ.સે., અમરેલીમાં 22 ડિ.સે., ભાવનગરમાં 22 ડિ.સે., રાજકોટમાં 22 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 21 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top