શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં વસતા શહેરીજનો તેમજ શહેર બહારથી આવનારા લોકોમાં પણ સંક્રમણ વધુ પ્રમાણમાં મળી રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રથી આવનારા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે.
જેથી મનપા દ્વારા શહેરની તમામ ચેકપોસ્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ સઘન કરી દેવાયું છે. તેમજ જેઓ પણ શહેર બહારથી શહેરમાં પ્રવેશે તેઓને ફરજીયાતપણે 24 કલાક પહેલાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. જેઓ પાસે રિપોર્ટ નહી હશે તેઓને ચેકપોસ્ટ નજીકના સેન્ટરો પર ફરજીયાત કોવિડ ટેસ્ટ કરવાનો રહેશે તેમ મનપા દ્વારા જણાવાયું છે.
શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. જેથી તંત્ર ફરીવાર સતર્ક બન્યું છે. ચેકપોસ્ટ પર ફરીથી કડકાઈ હાથ ધરવામાં આવી છે.
ચેકપોસ્ટ પર હવે ફરજીયાત કોવિડનો રિપોર્ટ બતાવવાનો રહેશે. જેમની પાસે રિપોર્ટ નહીં હોય તેમણે શહેરના પ્રવેશદ્વાર પર સારોલી ચેક પોસ્ટ, સાયોના ચેક પોસ્ટ, જહાંગીરપુરા ચેક પોસ્ટ, સાયણ ચેક પોસ્ટ, પલસાણા ચેક પોસ્ટ, વાલક ચેક પોસ્ટ – વાલક પાટીયા સ્વામિનારાયણ મિશન સ્કુલની પાસે વાલક ખાતેના કોવિડ ટેસ્ટિંગ સેન્ટર પર તથા સુરત મહાગનગરપાલિકા સંચાલિત કોવિડ ટેસ્ટિંગ સેન્ટરો ઉપર જઈ ફરજીયાત ટેસ્ટ કરાવવાનું રહેશે.
આ ટેસ્ટ સુરત મહાનગરપાલિકા તરફથી વિનામૂલ્યે કરવામાં આવે છે. જેથી કોરોના ટેસ્ટિંગ કરાવી કોરોના સંક્રમણ ઘટાડવા સહભાગી થવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.