SURAT

92 વર્ષથી છે શાહ જ્યંતીલાલ એન્ડ બ્રધર્સના આભૂષણો પર સુરતીઓ ઉતારે છે પસંદ

પ્રાચીન સમયથી જ સોનાની ચમક દરેકની આંખોને આંજી દેનારી રહી છે. સ્ત્રીની સુંદરતા માત્ર મેકઅપથી વધતી નથી પણ ઘરેણાથી તેની ખૂબસુરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના લોકોને ખાવાનો, ફરવાનો જેટલો શોખ છે એટલો જ શોખ ગોલ્ડ-સિલ્વર-ડાયમંડની જવેલરી પહેરવાનો છે. 100 વર્ષ પહેલાના નાનકડા સુરતમાં મીઠાઈઓ, ફરસાણ અને સોના-ચાંદીના આભૂષણોની દુકાનોની સંખ્યા અન્ય દુકાનો કરતા વધારે હતી. એ વખતે 92 વર્ષ પહેલાં સુરત સિટી અને આસપાસના ગ્રામીણ લોકોના જર-ઝવેરાતના આ શોખને પૂરો કરવા ચીમનલાલ ચોકસીએ ચોક બજારમાં ભાડાની જગ્યામાં શાહ જયંતીલાલ & બ્રધર્સ (જવેલર્સ) ના નામથી સોના-ચાંદીના દાગીનાની દુકાન શરૂ કરી હતી. પછી થી આ શૉ-રૂમને ભાગાતળાવ મેઈન રોડ પર શિફ્ટ કરાયો. આજે આખા સુરત સિટીમાં અસંખ્ય સોના-ચાંદીની દુકાનો છે તેની વચ્ચે 92 વર્ષથી આ પેઢી અડીખમ ઉભી છે તો શા માટે? કેમ આજે પણ આ શોરૂમના ઘરેણાં પર ગ્રામીણ લોકોને સૌથી વધારે ભરોસો છે? આ પહેલા આ પેઢીનાં સ્થાપકો કયો ધંધો કરતા હતા? તે આપણે આ શૉ-રૂમના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

વર્ષો પહેલાં પુષ્ય નક્ષત્રમાં ખીરીદી વધતા આખી રાત શૉ-રૂમ ચાલુ રહ્યો હતો: જયેશભાઇ ચોકસી
ત્રીજી પેઢીનાં સંચાલક જયેશભાઇ ચોકસીએ જણાવ્યું હતું કે 25 વર્ષ પહેલાં અમારા માટે સૌથી યાદગાર પ્રસંગ એ રહ્યો હતો કે ત્યારે દિવાળી દરમિયાન પુષ્ય નક્ષત્રમાં પણ ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાથી તેનો સમય લાભ-શુભ અમૃતનો કાળ રાત્રી દરમિયાનનો હતો ત્યારે ગ્રાહકોની ખૂબ ભીડ રહી હતી. તે આખી રાત ખીરીદી ચાલુ રહેતા અમારો શૉ-રૂમ આખી રાત ચાલુ રહ્યો હતો. અત્યારે પણ લગ્નસરા, દિવાળી, પુષ્ય નક્ષત્ર, ધનતેરસમાં અને ગણેશ ચતુર્થી, નવરાત્રી ઉપરાંતના અન્ય ફેસ્ટિવલમાં પૂજાના વાસણો ખરીદવા ગ્રાહકોની ભીડ રહે છે.

1936માં સોનાનો એક તોલાનો ભાવ 30 રૂપિયા હતો અત્યારે ભાવ 60 હજાર છે: નૈનેશભાઈ ચોકસી
ત્રીજી પેઢીનાં સંચાલક નૈનેશભાઈ ચોકસીએ જણાવ્યું કે જયારે અમારો આ શૉ-રૂમ ચોક બજારમાંથી ભાગાતળાવ મેઈન રોડ પર શિફ્ટ કરાયો હતો ત્યારે એક તોલા સોનાનો ભાવ 30 રૂપિયા હતો. એ સમયે સોનુ ખૂબ સસ્તું હતું અને 11 ગ્રામ બરાબર એક તોલા ગણાતું. જ્યારે અત્યારે એક તોલાનો ભાવ વધીને 60 હજારથી વધારેનો થયો છે. અત્યારે એક તોલા બરાબર 10 ગ્રામ સોનું છે. 1964માં સોનુ માત્ર 63 રૂપિયે તોલુ હતું. ઘરેણાની ક્વોલિટી સરકારની ગાઈડલાઈન મુજબ 22 કેરેટ (916), 18 કેરેટ (75.0) તથા 24 કેરેટ (999) હોલમાર્ક સાથે આપીએ છીએ.

2006ની રેલમાં ચાંદીના વાસણો અને ફર્નિચરને લાખો રૂ.નું નુકસાન થયું હતું: મીશીલ ચોકસી
ચોથી પેઢીનાં સંચાલક મીશીલ ચોકસીએ જણાવ્યું હતું કે, 2006ની રેલમાં શહેરના ઘણા વ્યાપારીઓના માલ-સામાનને મોટાપાયે નુકસાન થયું હતું. એ સમયે અમારા શૉ-રૂમમાં પણ 4થી 5 ફૂટ પાણી ભરાયા હતા. એ વખતે ચાંદીના વાસણો તિજોરીમાં હતા પૂરના પાણીને કારણે એ વાસણોને નુકસાન થયું હતું. શૉ-રૂમનું ફર્નિચર પણ ક્ષતિગ્રસ્ત થયું હતું.એ રેલમાં અમને 4થી 5 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. અમે અત્યારે જુના ગ્રાહકોને જાળવી રાખવા સહિત ધંધાના ફ્યુચર પ્લાનિંગ તરીકે નવી જનરેશનના ગ્રાહકોને વધુ ફેન્સી ડિઝાઇનની જવેલરી આપવા માંગીએ છીએ.

જગદીશચંદ્ર ચોકસીના સમયમાં દાંડી, ઓલપાડ અને અન્ય ગામોના ગ્રાહકો આવતા
બીજી પેઢીનાં સંચાલક જગદીશચંદ્ર ચોકસીએ ધંધાનો વિસ્તાર કર્યો હતો તેમના સમયમાં ઓલપાડ તાલુકાના ગામો, જુના ગામ, દામકા, હજીરા, રાજગરી, માસમા, મોરભગવા, દાંડી, નરથાણ, ડુમસ, ભીમપોર, અાભવા, ખજોદ, દીપલી, મગદલ્લા, ગવીયરથી ગ્રાહકો આવવા શરૂ થયા હતા. આ વિસ્તારના જૂના ગ્રહકોના વારસદાર આજે પણ આ દુકાનમાંથી જ ખરીદીનો આગ્રહ સેવે છે.

આ પેઢીનાં સ્થાપક ચીમનલાલ ચોકસી પહેલા કાપડની ફેરી ફરતા
1931માં આ પેઢીનો પાયો ચીમનલાલ ચોકસીએ નાખ્યો હતો. તે પહેલાં તેઓ તેમના પિતા કીકાભાઈ સાથે સુરતમાં કાપડની ફેરી ફરતા.જોકે, તેમના મિત્રોએ જર-ઝવેરાતનો ધંધો શરૂ કરવા માટે સૂચન કર્યું હતું અને તેમને પોતાને પણ હીરા, માણેક, પન્ના, જડાઉ જર-ઝવેરાતમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. આ કારણે તેમને દુકાન ભાડેથી મેળવી આભૂષણોનો બિઝનેસ શરૂ કર્યો. પછીથી તેમણે પોતાના ભાઈ જ્યંતીલાલના નામ પરથી પેઢીને આ નામ આપ્યું હતું. એ વખતે તો લોકો અહીંથી સોનુ ખરીદવા માટે દુકાન ખુલે એની પહેલાં જ પગથિયાં પર આવીને બેસી જતા.

લાઈટ વેઇટ અને એન્ટિક જવેલરીનું વધતું ચલણ
નૈનેશભાઈએ જણાવ્યું કે અત્યારના સમયમાં હેવી જેવલરી કરતા હળવા વજનની લાઈટ વેઇટ જવેલરી ટ્રેન્ડમાં છે. તે 10થી 15 ગ્રામની હોય છે. તેમાં સિંગલ કડું, બ્રેસલેટનો ટ્રેન્ડ છે. એન્ટિક જવેલરી દેખાવે આકર્ષક હોય છે. તેમાં સ્ટોન સાથે રુબી, માણેક જેવા કિંમતી પથ્થર જડવામાં આવ્યા હોય છે. એન્ટિક તથા સોના કામના બનેલા ચંદન સેટ, કડા, ફેન્સી બંગડી, ચેનની કારીગરી ઉડીને આંખે વળગે છે. જયેશભાઇએ જણાવ્યું કે જેના મેરેજ થવાના છે તે બ્રાઇડ ટેમ્પલ જ્વેલરી પસંદ કરે છે જે મંદિરના આકારની હોય છે.

પહેલા હાથથી નકશી કારીગરી થતી, તેવા કારીગરો હવે મળવા મુશ્કેલ છે
પહેલાના સમયમાં અસલ કારીગરોનું હાથકામ સારું રહેતું. અત્યારે પણ જુના દાગીના પરનું નકશીકામ સ્પષ્ટ દેખાય છે. પહેલા જેવા હવે નકશિકામના કારીગરી મળતા નથી. હવે મશીનથી નકશીકામ થતું હોય છે.સીનાની ઘડામણમાં બંગાળી કારીગરોની સંખ્યા વધારે છે. સુરતમાં અંબાજી રોડ, રામપુરામાં બંગાળી કારીગરો છે.

લોકલ હોલસેલ બુલિયનવાળા પાસેથી ખરીદાય છે સોનુ
નૈનેશભાઈએ જણાવ્યું કે, લોકલ હોલસેલ બુલિયનવાળા પાસેથી સોનુ મેળવીને દાગીના ઘડવામાં આવે છે. લોકલ બુલિયનવાળા મુંબઈના મોટા હોલસેલના બુલિયનવાળા પાસેથી સોનુ મેળવતા હોય છે. પહેલા 12 કેરેટ, 14 કેરેટ પણ ચાલતા અસલ ડાયમંડના દાગીના 12-14 કેરેટના રહેતા હવે 18 કે 14 કેરેટ મળે છે.

પારસી ગ્રાહકોને લગતા ઘરેણાં માત્ર આ જ શૉ-રૂમમાં મળે છે
જયેશભાઈ ચોકસીએ જણાવ્યું કે પારસી ગ્રાહકોને લગતા ઘરેણાં જેમકે, અસોફરોહર (પારસી દેવતા), જર્થોસ્ટ, અગ્નિ ઉપરાંત ઘોડાની નાળ, માછલી ડિઝાઇનના પેન્ડન્ટ માત્ર અમારા શૉ-રૂમમાં મળે છે. બીજે કશે આ ડિઝાઇનના ઘરેણાં મળતા નથી. પારસી ગ્રાહકો સૈયદપુરા, સગરામપુરા, નાનપુરાથી આવે છે.

પહેલા કસોટીના પથ્થર પર સોનુ ઘસી કેટલા કેરેટનું સોનુ છે તે નક્કી થતું
જયેશભાઇએ જણાવ્યું કે પહેલાના સમયમાં સોનુ કેટલા કેરેટનું છે તે નક્કી કરવા કસોટીનો પથ્થર પહાડી વિસ્તારમાંથી લાવવામાં આવતો તેના પર સોનુ ઘસી તે કેટલા કેરેટનું છે તે નક્કી થતું. મારા ફાધર જગદીશચંદ્ર ચોકસીની આમાં માસ્ટરી હતી. આ જ્ઞાન અમને બંને ભાઈઓને પણ છે.

Most Popular

To Top