રાજ્ય ધોરણ 6 થી 8ના વર્ગો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગે કોર કમિટીમાં વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે, એવું રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના પાંચ વરસ પુર્ણ થવાના પ્રસંગે રાજ્યભરમાં ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે 9મી ઓગસ્ટ બાદ કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં કેટલીક શાળાઓ ફી ભરવા અંગે દબાણ કરી રહી હોવાની ફરિયાદો મળી છે. ત્યારે 25 ટકા ફી માફીની જાહેરાતનું જે શાળાઓ પાલન ન કરતી હોય, તેવી તમામ શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ શાળા દબાણ કરીને ફી માંગતી હોય તો તેવી શાળાઓ સામે પણ પગલા લેવાશે.