ભરૂચ: ભરૂચમાં (Bharuch) બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી (building collaps) થવાની ઘટના સામે આવી છે. આજે સવારે અચનાક મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 6 સભ્યો દબાઈ ગયા હતા. જેમાં ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મોત (death) નિપજ્યાં છે, જ્યારે માતા પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે. આ અગાઉ પણ ચાર દિવસ પહેલા ભરૂચની સંજાનદ દેરીમા ખાંચા પાસે આવેલા લાલભાઈની પાટ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી.
ભરૂચની બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં આજે સવારે એક મકાન ધરાશાયી થઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે, આ ઘટનામાં ઊંઘમાં જ આખો પરિવાર કાટમાળ નીચે દબાય ગયો હતો. ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય પરિવારના સભ્યોને સારવાર હેઠળ છે. ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ દોડીને આવી ગયા હતા. પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ થતા ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મકાનનો કાટમાળ અચાનક ધરાશાયી થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સહિત ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સ્થાનિકોની મદદ વડે બચાવકાર્ય હાથ ધરી દંપતીને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 10 વર્ષીય નિશા કિશોરભાઈ ગુજ્જર, પ્રિન્સ કિશોરભાઈ ગુજ્જર અને અંજના કિશોરભાઈ ગુજ્જરનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. એક જ પરિવારનાં ત્રણ બાળકોનાં મોત થતા આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.