National

કૂવામાં પડેલા બળદને બચાવવા જતા 6ના મોત, ઝારખંડની ઘટના

ઝારખંડ: ઝારખંડમાં (Jharkhand) એક આઘાતજનક ઘટના બની છે. અહીં કૂવામાં ( well) પડેલા બળદને (Bull) બચાવવા માટે 6 લોકોના મોત (Death) થયા છે. આ ઘટના રાંચીથી (Ranchi) 70 કિલોમીટર દૂર આવેલા સિલ્લિના પિસ્કા ગામની છે. મરનાર તમામ એક જ ગામના રહવાસી હતા. એકસાથે 6 લોકોના મોતના સમાચારથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ ઘટના 17 ઓગસ્ટની છે. ગામમાં કેટલાંક દિવસોથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો, તેના લીધે માટી ભીની થવાના લીધે ગામની કાચી જમીન પોચી થઈ ગઈ હતી. દરમિયાન 17 ઓગસ્ટે સાંજે એક બળદ કૂવામાં પડી ગયો હતો. આ બળદને બચાવવા માટે ગામના 9 લોકો કૂવામાં ઉતર્યા હતા. બધા લોકો દોરડું બાંધી બળદને કૂવાની બહાર કાઢવા પ્રયાસ કરતા હતા પરંતુ અચાનક જ કુવાની માટી ધસી ગઈ હતી અને બધા લોકો કૂવાના કાટમાળમાં દબાઈ ગયા હતા.

કાટમાળમાં દબાયેલા ગ્રામજનોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. અડધી રાત સુધી બચાવ કાર્ય ચાલુ હતું. પરંતુ સફળતા મળી નહોતી.આખરે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ભારે વરસાદના લીધે એનડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં મુશ્કેલી અનુભવી રહી હતી. ગુરુવારે રાત્રે 1.00 વાગ્યે શરૂ થયેલું રેસ્ક્યુ ઓપરેશન શુક્રવારે 2.15 વાગ્યા સુધી ચાલ્યું હતું.

દરમિયાન વિક્રાંત માંઝી નામના એક ગ્રામજનને બચાવી લેવાયો હતો. તેના માથા પર ઈજા થઈ હતી. વિક્રાંતના પિતાનું આ દુર્ઘટનામાં મોત થયું છે. વિક્રાંતે કહ્યું કે તે અને તેના પિતા બળદને બચાવવા ગયા હતા. પરંતુ જમીન ધસી જતા અમે માટી નીચે દબાઈ ગયા હતા.

પોલીસ અનુસાર બળદને બચાવવા ગામના 5 લોકો કુવામાં ઉતર્યા હતા અને 4 લોકો કૂવાની ઉપર હતા. માટી ધસી પડતા બધા લોકો 40 ફૂટ નીચે દબાઈ ગયા હતા.

એકસાથે 6 લોકોના મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને દુ:ખ વ્યક્ત કર્યું છે. સ્થાનિક ધારાસભ્ય સુદેશ મહતોએ મૃતકના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવા માંગ ઉઠાવી છે.

Most Popular

To Top