Vadodara

ચરોતરની 597 ગ્રામ પંચાયતના સુકાની ચૂંટાયાં

આણંદ : આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી રવિવારના રોજ યોજાયાં બાદ મંગળવારે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી શાંતિપૂર્ણ રહ્યાં બાદ, મતગણતરીમાં પણ ખાસ કોઇ વિક્ષેપ ઉભો ન થતાં ઝડપથી ગણતરી હાથ ધરવામાં આવી હતી. બપોરના 1 વાગ્યા સુધીમાં 180માંથી 44 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થયા હતાં. જેમાં સૌથી વધુ ખંભાતના 12 અને સૌથી ઓછા સોજિત્રામાં માત્ર 2 જ ગામના પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ પરિણામ જેમ જેમ જાહેર થતાં ગયાં તેમ વિજેતા ઉમેદવાર દ્વારા અબીલ ગુલાલની છોળો ઉડાડી સરઘસ કાઢવામાં આવતાં હતાં. આ ઉપરાંત ગામમાં પણ વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં 180 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અંતર્ગત રવિવારે મતદાન થયું હતું.

આ ચૂંટણીમાં કુલ 7.45 લાખ મતદારો નોંધાયા હતા. જે પૈકી 5.74 લાખ મતદારોએ મતદાન કરતાં સરેરાશ 77.05 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીની મતગણતરી મંગળવારના રોજ જે તે તાલુકા કક્ષાએ હાથ ધરવામાં આવી હતી. વ્હેલી સવારથી જ ઉમેદવારો અને તેમના ટેકેદારો મતગણતરીના સ્થળે ઉમટી પડ્યાં હતાં. જેમ જેમ વિજેતા જાહેર થતાં ગયાં તેમ વિજય સરઘસો નિકળવા લાગ્યાં હતાં. જોકે, ચુસ્ત બંદોબસ્તના કારણે આ વિજય સરઘસ જે તે ગામમાં જ યોજાયાં હતાં. જ્યાં આતશબાજી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. આ ચૂંટણીમાં ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદભાઈ રયજીભાઈ પરમારના પુત્ર વધુ, આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારનો પુત્ર અને સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમાર પોતે તારાપુરમાં સરપંચની બેઠક પર ચૂંટણી લડ્યાં હોવાથી  આ ત્રણેય ગામ પર સૌની નજર હતી. જોકે, તારાપુરની મતગણતરી નમતી બપોર બાદ હાથ ધરવામાં આવી હતી.

વાંસખીલીયામાં MLAનો પુત્ર સરપંચપદે વિજેતા

આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારનો પુત્ર મહેન્દ્રસિંહ સોઢા પરમારે વાંસખીલીયાના સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વરસોથી વાંસખીલીયા ગ્રામ પંચાયત પર કાંતિભાઈનો દબદબો રહ્યો છે, જે પરિણામમાં પણ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં મહેન્દ્રસિંહ સાડા ચારસો મતની લીડથી વિજેતા બન્યાં હતાં. આ પરિણામ જાહેર થતાં વાંસખીલીયામાં ડીજેના તાલે વિજય સરઘસ નિકળ્યું હતું. જેમાં ધારાસભ્ય કાંતિભાઈ ઉપરાંત મોટી સંખ્યામાં ટેકેદારો પણ જોડાયાં હતાં.

તડાતલાવ સમરસ થતાં ધારાસભ્ય દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો

તડાતલાવ ગામ સમરસ થતાં ગ્રામજનો દ્વારા ધારાસભ્ય મયુરભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં સરપંચ અને સભ્યોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્યએ ગ્રામજનોની સમજણ, સંપ અને સંગઠનને બિરદાવતા આવનારા સમયમાં ગામના વિકાસને ગતિ આપવા મક્કમ નિર્ધાર સાથે અભિનંદન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે એપીએમસી ડિરેકટર રણછોડભાઈ ભરવાડ, તા.પં. સભ્ય પ્રકાશભાઈ આચાર્ય, ઈશ્વરભાઈ,  રામસંગભાઈ,  પ્રતાપભાઈ, મનસુખભાઇ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

વટાવમાં સરપંચ પદ માટે ચીઠ્ઠી ઉછાળી

પેટલાદ તાલુકાના વટાવ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં સરપંચની બેઠક પર ટાઇ પડી હતી. જેને કારણે ચિટ્ઠી ઉછાળવી પડી હતી. સરપંચના ઉમેદવાર કિરીટભાઈ બારોટ અને અશોકભાઈ મણીભાઈ પટેલને એક સરખા મત મળતાં ચૂંટણી અધિકારી દ્વારા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં કિરીટભાઈ બારોટ વિજેતા બન્યાં હતાં.

Most Popular

To Top