National

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5880 કેસ, 100માંથી 7 દર્દી આવી રહ્યા છે પોઝિટિવ

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાએ (Corona) માથું ઉંચક્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5880 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 12 લોકોના મોત (Death) પણ થયા છે. એટલું જ નહીં, દૈનિક પોઝિટિવિટી દર (Positivity rate) વધીને 6.91% થઈ ગયો છે. એટલે કે દર 100 ટેસ્ટમાંથી લગભગ 7નો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર વધીને 3.67% થઈ ગયો છે.

દિલ્હીમાં પોઝિટિવિટી દર 21.15%
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના લગભગ 700 કેસ મળી આવ્યા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા પણ વધીને 2500 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 3305 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 699 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે પોઝિટિવિટી દર 21.15% પર પહોંચી ગયો છે. રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. મળતી માહિતી મુજબ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. જ્યારે 3 દર્દીઓના મોતનું પ્રાથમિક કારણ કોરોના નથી.

મહારાષ્ટ્રમાં 788 કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 788 કેસ નોંધાયા છે. આ દરમિયાન એક દર્દીનું મોત પણ થયું છે. આ સાથે રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 4587 થઈ ગઈ છે. બીજી તરફ, મુંબઈ શહેરમાં રવિવારે 211 નવા કેસ નોંધાયા હતા, આ સતત છઠ્ઠો દિવસ છે, જ્યારે શહેરમાં 200 થી વધુ કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 560 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોવિડ-19નો મૃત્યુદર 1.82 ટકા છે, જ્યારે રિકવરી રેટ 98.12 ટકા છે.

બિહારમાં 42 કેસ નોંધાયા છે
બિહારમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ પટનામાં જોવા મળ્યા છે. અગાઉ 46 કેસ નોંધાયા હતા. કોરોનાના કારણે તંત્ર ચિંતામાં મૂકાયું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

હિમાચલમાં કોરોનાના 137 નવા કેસ
હિમાચલ પ્રદેશમાં કોરોનાના 137 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 4 લોકોના મોત પણ થયા છે. સક્રિય દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના 1,764 કેસ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે શિમલામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે સિરમૌર જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું હતું. તેમણે કહ્યું કે મૃતકો તમામ 50-81 વર્ષની વયજૂથના પુરુષો હતા.

રાજસ્થાનમાં 165 નવા કેસ
રવિવારે રાજસ્થાનમાં કોવિડ-19ના 165 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન એક દર્દીનું મોત પણ થયું છે. આરોગ્ય વિભાગના બુલેટિન અનુસાર દૌસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, રાજ્યમાં મૃત્યુઆંક 9,667 થયો. રાજ્યમાં 651 સક્રિય કેસ છે અને નવ લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે.

દેશમાં 38 ટકા કેસ XBB.1.16 વેરિઅન્ટના છે
ભારતમાં મળી રહેલા કોરોના કેસોમાં 38 ટકા કેસ નવા પ્રકાર XBB.1.16ના જોવા મળી રહ્યા છે. જીનોમ સિક્વન્સિંગ પર દેખરેખ રાખનાર INSACOG અનુસાર, દેશમાં દરરોજના 38.2% કોરોના કેસ XBB.1.16 વેરિઅન્ટના છે. INSACOG એ ગુરુવારે જાહેર કરેલા તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે માર્ચના ત્રીજા સપ્તાહ સુધી લેવામાં આવેલા નમૂનાઓમાં Omicronનું XBB વેરિઅન્ટ સૌથી વધુ જોવા મળ્યું હતું. બુલેટિન અનુસાર, ભારતમાં ઓમિક્રોન અને તેના પેટા પ્રકારોનો ફેલાવો ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચેપના દરમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભારતના પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરીય ભાગોમાં. બુલેટિન જણાવે છે કે નવું વેરિઅન્ટ XBB.1.16 ભારતના વિવિધ ભાગોમાં જોવા મળ્યું હતું.

Most Popular

To Top