આલીપોર: આજે સોમવારે તા. 23 જાન્યુઆરી 2023ના રોજ સુરત-મુંબઈ નેશનલ હાઈવે નં. 8 (Surat Mumbai National Highway 8) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં આલીપોર (Aalipore) નજીક એક કન્ટેનર અને કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટ્રકને પણ ઘણું નુકસાન થયું હતું. આ અકસ્માતમાં કારમાં બેઠેલા સુરતના 4 પેસેન્જરના મોત (Passenger Death) થયા છે જ્યારે બે જણાને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- બેન્કોકથી પરત ફરેલા સુરતના યુવકો મુંબઈ એરપોર્ટથી ઈનોવા કારમાં સુરત જઈ રહ્યાં હતા ત્યારે આલીપોર ઓવરબ્રિજ નજીક સર્જાયો અકસ્માત
- સુરતથી વલસાડ તરફ જતા કન્ટેનર સાથે ઈનોવા કારની જોરદાર ટક્કર થઈ, કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો
- 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા, પોલીસે તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર વિદેશ પ્રવાસથી (Foreign Tour) પરત ફરેલાં સુરતના (Surat) રહીશો મુંબઈ એરપોર્ટથી (Mumbai Airport) રાત્રિના સમયે ઈનોવા કાર (જીજે-06-એફસી-2754)માં સુરત આવવા નીકળ્યા હતા. મળસ્કે 5.30થી 6.15ના સમયગાળામાં આ ઈનોવા કાર નેશનલ હાઈવે નં. 8 પર પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે આલીપોર ઓવરબ્રિજ પહેલાં મહેન્દ્ર ટ્રેકટર શો રૂમની સામે કન્ટેનર (જીજે-15-એવી-6856) સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ કન્ટેનર સુરતથી વલસાડ જતું હતું જ્યારે કાર મુંબઈથી સુરત તરફ આવી રહ્યું હતું. બંને વાહનો સામસામે ટકરાયા હતા.
બેન્કોકથી પરત આવેલા યુવકો મુંબઈ એરપોર્ટથી સુરત જતા હતા, વેસુ, સિટીલાઈટ, ઘોડદોડ રોડના રહેવાસી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના યુવકો બેન્કોક ગયા હતા, જ્યાંથી ફ્લાઈટમાં મુંબઈ એરપોર્ટ પરત ફર્યા હતા. મુંબઈ એરપોર્ટ પરથી ઈનોવા કારમાં તેઓ સુરત જઈ રહ્યાં હતાં. ચીખલી નજીક આલીપોર બ્રિજ પાસે કન્ટેનર અને ઈનોવા ટકરાયા હતા. અકસ્માત વખતે કારની સ્પીડ 170 કિ.મી. હતી. અકસ્માતને પગલે કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતી રહી હતી. ઓવરસ્પીડના લીધે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
મૃતકોના નામ-સરનામા
- રોહિત શુકકરણ માહલું (ઉં.વ. 40, રહે.પ્લોટ નંબર 3 સાઈ આશિષ સોસાયટી સિટીલાઈટ સુરત)
- ગૌરવ નંદલાલ અરોરા (ઉં.વ. 40, રહે.92 સુભાષનગર ઘોડદોડ રોડ સુરત)
- અમિત દોલતરામ થડાની (ઉં.વ. 41, રહે.સી-106 વાસ્તુગ્રામ એપાર્ટમેન્ટ વેસુ હેપી રેસિડેન્સી પાછળ સુરત)
- પટેલ મહોમદ હમઝા મહમદ હનીફ ઇબ્રાહિમ (રહે.કોસાડ)
ઈજાગ્રસ્તોનાં નામો
- રિષી એન્જિનિયર, વિકાસ સરા (બંને રહે, સુરત)
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ટ્રકને પણ નુકસાન થયું
અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારના બોનેટ સહિતનો આગળનો ભાગ સાવ ચગદાઈ ગયો હતો. કારની અંદર બેઠેલા કોઈને બચવાનો સમય મળ્યો નહોતો. કારમાં બેઠેલા 4ના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક વિગત મળી છે. તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ટ્રકની આગળના ભાગનો પણ કુરચો નીકળી ગયો હતો. અકસ્માતનો અવાજ એટલો જોરદાર આવ્યો હતો કે આસપાસના લોકો દોડી ગયા હતા. પોલીસે પણ ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને સુરતની હોસ્પિટલમાં ખસેડાયા છે.